જુનાગઢ જિલ્લાની સફર

       મિત્રો આજે આપણે જુનાગઢ જિલ્લા વિશે માહિતી મેળવીશું. જુનાગઢ જિલ્લો એ ગુજરાતમાં એક મહત્વનુ સ્થાન ધરાવે છે. 


💥 પર્વતાધિરાજ ગિરનાર :-
 
       પર્વતાધિરાજ ગિરનાર હિમાલય કરતાં પણ પુરાણો પર્વત છે. લોકો તેને ગિરનાર મહારાજ કહે છે. જેમાં તેત્રીસ કરોડ દેવ , નવનાથ ચોરાસી સિદ્ધ અને બાવન પીરનો વાસ હોવાની માન્યતા છે. તે પ્રાચીન સમયથી પ્રેમ , શૌર્ય , સ્વાર્પણ , ટેક અને ફનાગીરીની અનેક ઉદાત ગાથાઓ સંગ્રહી ઉભેલો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે 11000 હજારથી વધુ પગથિયાં છે. તેની સમુદ્રની સપાટીથી ઊચાઇ 3000 ફૂટથી વધુ છે. ગિરનાર ગિરિમાળામાં પર્વતનો એક સમૂહ છે. 
         જુનાગઢ શહેરની પૂર્વ દિશાએ 35 કિ.મી. દૂર વાદળથી વાતો કરતાં ઉભેલા આ પ્રાચીન પુરાણા પ્રસિદ્ધ ગિરનાર પર્વતને પૂર્વકાળમાં રૈવત , રૈવતક , રેવતાચળ, ઉઝજયંત, ગિરિનારાયણ પણ કહેતા. ગિરનારની ગિરિમાળાઓ શહેરની બહાર નિકળતાં શરૂ થઈ જાય છે. બંને બાજુએ પર્વતીય હારમાળા અને નદીઓ , નાના નાના ઝરણા  અને ઘાટીમાંથી પસાર થતો વાંકો - ચૂકો રસ્તો અનુપમ કુદરતી સૌંદર્યથી લોકોને આકર્ષે છે. 
          ગિરનારના  મુખ્ય પાંચ શિખરોમાં ગોરખનાથનું શિખર સૌથી ઊંચું 3666 ફૂટ , દત્તાત્રેય શિખર 2395 ફૂટ, અંબાજી શિખર 3330 ફૂટ જ્યારે માળી પરબ 1880 ફૂટ ઊંચું છે. આ ગિરિમાળા 70 ચોરસ માઈલમાં વિસ્તરેલી છે. ગિરનારમાં ઝીણાબાબાની મઢી , જાબૂવંતની ગુફા, બોરદેવી, ઈંટવા, ખોડિયાર , માળવેલા , સાતપુડા સહિત અન્ય જાણીતા સ્થળો આવેલા છે. જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમાં ઓલિયા પીર દાતાર બાપુ પણ ગિરિમાળામાં શોભે છે. આ ઉપરાંત ગિરનાર પર્વત પર અંબાજીની ટૂક પર માં અંબાજીનું મંદિર , ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક પર ગોરખનાથજી મંદિર , ગુરુ દત્તાત્રેયની ટૂંક પર માં અંબાજીનું મંદિર , ગિરનારની પહેલી ટૂંક પર વસ્તુપાળ-તેજપાળના ભવ્ય દેરાસરો આવેલા છે. ગિરનાર પરની બીજી ટૂંક  એટલે  ભગવાન નેમિનાથની ટૂંક, અહી સમ્રાટ અશોકના ત્રીજા પુત્ર કૃણાલના પુત્ર સંપ્રતિરાજનું દેરાસર, ગુજરાતનાં સમર્થ રાજા કુમારપાળના  ભવ્ય દેરાસર તથા અન્ય જૈન દેરાસરો આવેલા છે. ઉપરાંત ગૌમુખી ગંગા, કમંડળ કુંડ અને પાંડવ ગુફા તથા ભૈરવ જપ જેવા મહત્વના પુરાતન સ્થળો ગિરનાર પર જોવાલાયક છે.
 
💥 ભવનાથ મંદિર તથા મૃગિકુંડ :- 

      ઐતિહાસિક મૃગીકુંડ સાથેનું ભવનાથ મંદિર જૂનાગઢનું પૌરાણિક ધાર્મિક સ્થળ છે. શિવરાત્રિ પ્રસંગે અહી યોજાતા મેળામાં ભક્તજનો તથા જુદા જુદા સંપ્રદાય અને મઠોમાંથી સંતો દેશના ખૂણે ખૂણેથી અહી આવે છે. સંતો મૃગીકુંડમાં શાહી  સ્નાન કરી  ભવનાથ મંદિરની મહા આરતીનો લાભ લઈ ગિરનારી મહારાજ તથા અન્ય જગ્યાએ સ્થિત એમના સ્થાનકોએ રવાના થાય છે. મૃગીકુંડમાં સ્નાનવિધિ તથા દિગંબર સાધુઓની રવેડી શિવરાત્રિ મેળાનું મુખ્ય આકર્ષણ છે. 

💥 દામોદર કુંડ :- 

    જુનાગઢ શહેરથી ગિરનાર તરફ જતાં રસ્તામાં સોનરખ નદીમાં આ પવિત્ર કુંડ આવેલો છે. તેને કાંઠે દામોદરરાયજીનું પ્રાચીન મંદિર છે. શ્રી મહાપ્રભુજીની બેઠક પણ ત્યાં જ છે. આ કુંડમાં ભગવાન બ્રહમાજીની આજ્ઞાથી ગંગાજીનો વાસ છે અને અહી  અસ્થિ પધારાવવાથી આપમેળે ઓગળી જાય છે તેવી માન્યતાં છે. હિન્દુ શ્રધ્ધાળુઓ તેમના આપ્તજનોના અસ્થિ કુંડમાં પધરાવવા આવે છે. શ્રાવણ તથા આસો માસમાં હજારો શ્રધ્ધાળુઓ આ કુંડમાં સ્નાન કરી પવિત્ર થાય છે. બાજુમાં પૌરાણિક મુચકંદ ગુફા પણ આવેલી છે.
 
💥 અશોકના શિલાલેખ અને પર્વતીય લેખો :- 

       દામોદર કુંડથી જુનાગઢ તરફ આવતા રસ્તામાં સમ્રાટ અશોકના ત્રણ પર્વતીય શિલાલેખો આવેલા છે. તેમાં પ્રથમ મૌર્ય સમ્રાટ અશોક તેના રાજ્ય રોહણના 12 માં વર્ષમાં લગભગ ઇ.સ. 256 માં રાજ આજ્ઞા પ્રસિદ્ધ કરી છે. આ લેખ 75 ફૂટના પરિઘનો છે. તેમાં લગભગ 100 ફૂટના વિસ્તારમાં 14 વિભાગોમાં શાસનો લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા , ઔષધિય વનસ્પતિનું વાવેતર કરવા , તમામ સંપ્રદાયો અનુસરનારાઓને અરસપરસ સંપ કેળવવામાં , રાજઆજ્ઞા આપી છે. આ લેખની બાજુમાં શક સવંત 72 (ઇ.સ. 150) માં ભારે વર્ષા વાવાઝોડાના કારણે મૌર્યકાળમાં બાંધેલા સુદર્શન તળાવની પાળ ફાટી ત્યારે તત્કાલિન મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કોઈપણ જાતનો ખર્ચ ન લેતા તે પાળ સમરાવી તેની નોધ સહિત અન્ય વિગતો છે. 

💥 દાતાર :- 

      ગિરનારની દક્ષિણે દાતાર પર્વત આવેલો છે. ત્યાં જમીયલશાહ પીરની દરગાહ છે. આ પર્વત સમુન્દ્ર સપાટીથી 2779 ફૂટની ઊંચાઈએ છે. જમીયલશાહ તુરબત સિંઘના નગરઠઠ્ઠાના છે. પરંતુ અહી વસેલા તેથી અહી તેનો ચિલ્લો છે એમ કહેવાય છે. લોકોકિત પ્રમાણે નાગબાઈને સંતાપનારા રા- માંડલિકને ક્ષમા માંગવા કહેલું અને તે ન માનતા અંતે જમીયલશાહે મહંમદ બેગડાને જુનાગઢ જીતી લેવા આમંત્રિત કર્યા. દાતાર પર્વત પર ઇ.સ. 1894 માં પગથિયાં બંધાવ્યા. જુનાગઢ નગર અને દાતાર પર્વત વચ્ચેના રસ્તે નીચલા દાતારથી જાણીતો એક ચિલ્લો પણ છે.
 
💥 નરસિંહ મહેતાનો ચોરો :-  
   
       જૂનાગઢની મધ્યમાં સ્થિત આ જગ્યામાં ભક્ત નરસિંહ મહેતા કીર્તન કરતાં અને શ્રીકૃષ્ણ ભગવાનને પ્રિય એવા કેદાર રાગના સુરથી શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં હાજર થઈ તેઓ સાથે રાસ રમતા હોવાની માન્યતા છે. ચોરાના મુખ્ય સ્થાનમાં ભક્ત નરસિંહ મહેતા અને દામોદરલાલજી ભગવાનની મુર્તિ છે. ભગવાન શ્રીકૃષ્ણના અન્ય સ્વરૂપના દર્શન પણ થાય છે. જેમાં શામળા , ગિરધારી લાલજી, મદનમોહનજી , દ્વારકામાં નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી તે ભગવાનનું શેઠ શામળશાનું દર્શન આપણને ભક્ત સમાજના જીવન કવનની અપ્રતિમ યાદ અપાવે છે. 

💥 ભાલકા તીર્થ :- 

     જૂનાગઢથી વેરાવળ અને સોમનાથ જતાં 95 કિ.મી. ના અંતરે ભાલકા તીર્થ સ્થાન આવેલું છે. મધપાનથી ચકચૂર બનેલા યાદવોને અંદરો - અંદર લડવામાં સંહાર થયો તેનાથી ગમગીન થઈને અહી શ્રીકૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે યોગ સમાધિમાં બેઠા હતા. ત્યારે જરા નામના પારધીએ ભૂલથી એમને મૃગ સમજીને બાણ માર્યું. પારધીનું તે બાણ શ્રીકૃષ્ણના જમણા પગે વાગ્યું. જ્યારે પારધી ઝડપથી શિકારને પકડવા નજીક ગયો તો તેમણે જોયું કે , તે મૃગ નહીં પણ પીતાંબર ધારણ કરેલ પુરુષોતમ હતા. તે ગભરાઈને પોતાના અપરાધની ક્ષમા માંગવા લાગ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ  પારધીને આશ્વાસન આપ્યું. જે કાઈ થયું તે મારી ઇચ્છાથી થયું છે. એવું કહીને પારધીને માફ કરી દીધો. અહી પારધીએ ભગવાન શ્રીકુષ્ણને બાણ મારેલું એટલા માટે આ સ્થાનને ભાલકાતીર્થ કહેવામા આવે છે.
 
💥 તુલસીશ્યામ :- 

      જૂનાગઢથી ઉના થઈ 210 કિ.મી. અને  જૂનાગઢથી ધારી થઈને 140 કિ.મી. ના અંતરે આવેલું તુલસીશ્યામ સુંદર સ્થળ છે. સોહામણી સવાર કે સુંદર સાંજે સૂર્યના સોનેરી કિરણોમાં ઘટાટોપ વનરાજી , હરિયાળી, ગિરિમાળાએ  મંદ મંદ વહેતો પવન , આહલાદક વાતાવરણ, વન્ય પ્રાણીઓ અને પશુ પક્ષીઓનો સંગીતમય કલરવ, મંદિરના ઘટારવ વચ્ચે ગરમ પાણીના ઝરામાં સ્નાન કરીને વિહરવાનું કોને ન ગમે ?  આ બધા જ પ્રકારનો આનંદ માણવો હોય તો તુલસીશ્યામ જવું પડે. અહી ભગવાન તુલસીશ્યામનું સુંદર મંદિર અને રહેવા માટે ધર્મશાળા છે, બાજુમાં ટેકરી ઉપર રૂક્ષ્મણીજી બિરાજમાન છે. યાત્રિકો માટે અન્નક્ષેત્ર ચાલે છે. ધારી - ઉના રોડ મધ્યે આવેલાં આ સ્થળે જવા - આવવા માટે એસટી બસની સુવિધા પ્રાપ્ત છે.
 
💥 બિલખા :- 

   શેઠ સગાળશાનું નામ યાદ આવતા ચેલૈયાનું બલિદાન યાદ આવે છે. અહી ભગવાન સાધુ સ્વરૂપે શેઠ સગાળશાના ઘરે પધારી જમણમાં તેના પુત્રનું બલિદાન માગ્યું હોવાની માન્યતા ચે. ધર્મવીર શેઠ સગાળશાએ પુત્રનું બલિદાન આપી સાધુ સ્વરૂપે પધારેલા ભગવાનને તૃપ્ત કર્યા આથી ભગવાને પ્રસન્ન થઈ ચેલૈયાને સજીવન કર્યો તે સ્થળ બિલખા પ્રવાસીઓ માટે યાત્રાધામ બની ગયેલ છે. જુનાગઢ મથકથી 21 કિ.મી. ના અંતરે આ સ્થળ પંડિત નથુરામ શર્માના આનંદ આશ્રમથી પણ જાણીતું છે. 

💥 પરબ વાવડી :- 

    જૂનાગઢથી 40 કિ.મી. ના અંતરે ભેસાણ તાલુકામાં આવેલ પરબધામ જઈએ ત્યારે મનને અનેરી શાંતિનો અનુભવ થાય છે. રક્તપિત કૃષ્ઠરોગના દર્દીઓને સમાજ જ્યારે અસ્પૃશ્ય અને અછૂત ગણતો હતો ત્યારે જીવા રબારીને ત્યાં જન્મેલા દેવા રબારીએ કૃષ્ઠરોગીઓની સેવા કરવાની કઠિન જવાબદારી આંતરસ્ફુરણાંથી ઉપાડી લીધી હતી. ગિરનારના જંગલોમાંથી એકઠી કરેલ ઔષધિય વનસ્પતિ અને ઘરે ઘરેથી માગેલ અન્નના ટુકડાથી દેવા રબારીએ સાધુ-સંતો દર્દીઓની સેવા કરી . દેવા રબારી બાદમાં સંત દેવીદાસ નામે ઓળખાવા લાગ્યા. તેમણે ભેસાણ પાસે વાવડી ગામની બાજુમાં સેવાની જ્યોત જલતી રાખી. કન્યા અમરબાઈનો પણ સંગાથ સાપડ્યો. અહી સંત દેવીદાસ- અમર દેવીદાસનું સમાધિ સ્થાન છે. હાલમાં અહી ભવ્ય સમાધિ સ્થળનું નિર્માણ થયું છે. દર વર્ષે અષાઢી બીજ નિમિતે લોકમેળો યોજાય છે. યાત્રાળુઓ માટે અન્ન ક્ષેત્ર અને રહેવા માટે ધર્મશાળાની વ્યવસ્થા છે. આ જગ્યાની સ્વચ્છતા ધ્યાનાકર્ષક છે. 

Post a Comment

0 Comments