પાટણ જિલ્લામાં આવેલ જોવાલાયક સ્થળો

 ● પાટણ જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળો :-  

મિત્રો આજે આપણે પાટણ જિલ્લા વિષે માહિતી જાણીશું. ગુજરાત રાજયમાં પાટણ જિલ્લાનું આધ્યાત્મિક દ્રષ્ટિએ, પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. 


● રાણીની વાવ :- 


નીચે આપેલ લિંક પરથી રાણકી વાવ પાટણ નો 360 ડિગ્રી વિડીયો જોઈ શકો છો. રૂબરૂ મુલાકાત જેવો અનુભવ થશે.






     આ વાવ રાણી ઉદયમતિએ 1063 માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળથી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા. વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક વર્ષ 1980 માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણી કામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે. 
        ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટું આદ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતું. પરંતુ વર્ષો જતાં જટિલ થયું હતું.  કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્વ આપવાનો હેતુ હતો. 





        જમીનની સપાટીથી શરૂ થતાં પગથિયાં શીતળ  હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહી સાત ઝરૂખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાન વિષ્ણુ , બુદ્ધ સહિતના દસ અવતારો , આ અવતારો સાથે સાધુ , બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોચતા શેષશાયી વિષ્ણુને કોતરેલા છે, જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે. એવું કહેવાય છે કે અહી તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે. 


● પાટણના પ્રાચીન દરવાજાઓ :- 

  
       અણહિલપુરને પાટનગર તરીકે વી.સં. 802 ઇ.સં. 746 માં ચાવડા વંશના વીર વનરાજે સરસ્વતીના પવિત્ર કિનારા નજીક લક્ષારામ ગામના સ્થળે સ્થાપિત કર્યું હતું. આ સમયે પાટણ એક નાના કસબા જેવુ અણહિલપુર ગામ હતું. સોલંકીકાળમાં આ નગરનો વિસ્તાર અને વિકાસ ખૂબ વધ્યો. સિદ્ધરાજ અને કુમારપાળ ના રાજ્યકાળમાં અણહિલપૂરે એક મહાનગરની કિર્તિ પ્રાપ્ત કરી. અણહીલપૂરનો ઘેરાવો બાર ગાઉનો હતો. ફરતે કિલ્લો હતો, જે પ્રબંધ ચિંતામણિના કઠણ પ્રમાણે ચાવડા ભુવડે બંધાવેલ. કિલ્લાઓની અંદર દરવાજા પાસે સૈનિકોને રાખવાની વ્યવસ્થા હતી તથા દરવાજો બંધ કરીને મજબૂત ભાગોળ વડે રક્ષણ આપતું. દરવાજાને અણીયારાવાળા મજબૂત બારણાં રાખવામા આવતા. દરવાજાઓને તોરણો અને મુર્તિ શિલ્પોથી શણગારવામાં આવતા. ચાવડા-સોલંકીકાળના માત્ર કોટના જ અવશેષો જળવાઈ રહેલા મળે છે. તે પરથી નગર રચનાનો આછો ખ્યાલ આવે છે. 





● પાટણ :- 

         પ્રત્યેક શહેરને પોતાનું આગવું અસ્તિત્વ અને ઈતિહાસ હોય છે. ગુજરાતનાં ઈતિહાસમાં પાટણનો એક અનોખો પ્રભાવ અને પ્રતાપ રહ્યો છે. મધ્યકાળમાંગુજરાતમાં ચાવડા, સોલંકી અને વાઘેલા વંશનું શાસનકાળ હતું. ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજે ઇ.સં. 746 માં અણહિલપુર પાટણની સ્થાપના કરી અને લગભગ 200 વર્ષ સુધી ચાવડા વંશ ગુજરાતમાં સત્તા પર રહો. ચાવડા વંશના પતન બાદ ઇ.સ. 942 માં સોલંકીવંશનો ગુજરાતમાં ઉદય થયો. પાટણના વિકાસ અને તેની જાહોજલાલીમાં સોલંકીરાજાઓનું પ્રદાન મહત્વનુ ચ્હે. સોલંકીકાળમાં અનેક સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવ્યું. પાટણ આ કાળમાં વિધા અને સ્થાપત્યકલાનું મુખ્ય કેન્દ્ર ગણાવા લાગ્યું. પ્રસિદ્ધ રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પંચાસર પાશ્વનાથ મંદિર, વડનગરનું તોરણ, ત્રિકમ બારોટની વાવ, રુદ્રમાળ અને મોઢેરાનું સૂર્યમંદિર જેવા સ્થાપત્યો સોલંકીરાજવીઓના ઉત્કૃષ્ટ સ્થાપત્યકલા સર્જનના પ્રતીકો છે. સોલંકી વંશના પતન બાદ ઇ.સ. 1244 માં વાઘેલાવંશ ગુજરાતમાં સત્તા પર આવ્યો અને ઈ.સ. 1304 માં તેનું પતન થયું. 
           આમ , અણહિલપુર પાટણ ઈ.સ. 746 થી ઈ.સ. 1304 સુધી ગુજરાતની રાજધાની તરીકે સત્તાના કેન્દ્રમાં રહ્યું. વાઘેલા વંશના છેલ્લા રાજા કરણઘેલાને દિલ્હીના સુલતાન અલ્લાઉદીન ખીલજીએ  હરાવી પોતાના સાળા અલપખાનને સુબા તરીકે સત્તા સોફી. તેના પછી અવાર નવાર દિલ્હી સલ્તનત તરફથી સુબાઓ બદલાતા રહ્યા. ઈ.સ. 1403 માં સુબા ઝફરખાને તેના પુત્ર તાતારખાનને ગુજરાતનો પ્રથમ સુલતાન બનાવ્યો. પાટણ મુઝફર શાહના સમય સુધી ગુજરાતમાં સત્તાનું કેન્દ્ર રહ્યું. અંતે તેના પૌત્ર અહમદશાહે ઈ.સ. 1411 માં નવા પાટનગર અમદાવાદની સ્થાપના કરી. જેથી ત્યારબાદ પાટણનું મહત્વ ઘટતું ગયું અને માત્ર સુબા તરીકે રહી ગયું. સમયાંતરે ગુજરાતનાં અન્ય નગરોની જેમ પાટણ ક્રમશ: મોગલ, ગાયકવાડી અને બ્રિટિશ સત્તાઓ હેઠળ રહ્યું. ઈ.સ. 1947 માં ભારત આઝાદ થતાં સ્થાનિક  સરકારનું વિલીનીકરણ થતાં પાટણ મુંબઈ રાજયમાં વિલીન થયું. ઈ.સ. 1960 માં મુંબઈ રાજયનું વિભાજન થતાં ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતા પાટણ સહિત મહેસાણા પ્રાંત ગુજરાત રાજયનું અંગ બન્યું. ઈ.સ. 1996 માં ગુજરાત સરકારે મહેસાણા જિલ્લાનું વિભાજન કરીને પાટણને જિલ્લાનો દરજ્જો આપતા હાલનુ પાટણ શહેર જિલ્લાનું મુખ્ય મથક બન્યું. 


● પાટણનો પ્રાચીન કિલ્લો :- 


      પાટણનો પ્રાચીન કિલ્લો વર્તમાન કાલિકા માતા મંદિર , સહસ્ત્રલિંગ તળાવ, રાણકી વાવ વગેરે મહત્વના સ્મારકોના ફરતે રહ્યો હોય તેવા પુરાવા મળે છે. પરંતુ પ્રાચીન કિલ્લાનો એક માત્ર બુરજ કાલિકા મંદિર પાસે વિધમાન છે. વર્તમાન પાટણ શહેર ફરતે વિધમાન કિલ્લો ગુજરાતનાં સુબા ઝફરખાન દ્વારા બાંધવામાં આવેલ , જેમાં મૂળ બાર દરવાજાઓ હતા. આ કિલ્લો બાંધવા માટે ખંડેર થયેલા પ્રાચીન અણહિલપુર પાટણના ભગ્નાવશેષોના પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલો હોવાનું જણાય છે. કિલ્લાના દરવાજાઓનું નામ તેની આજુબાજુ આવેલા તળાવ, મંદિર, મસ્જિદ વગેરેના નામ ઉપરથી પડ્યા હોય તેમ જણાય છે. 


● છીંડીયા દરવાજો :-

 
          ઉત્તર દિશાના ઈશાન ખૂણા ઉપર આવેલ દરવાજો છીંડીયા દરવાજા તરીકે ઓળખાય છે. આ દરવાજો અન્ય દરવાજાઓની સરખામણીમાં બુલંદ અને બાંધણીની દ્રષ્ટિએ ભવ્ય છે, જે તેના બુરજો અને સ્થાપત્ય ઉપરથી જણાય છે. આ દરવાજા પાસે ભૂતકાળમાં હુલ્લડો ને યુદ્ધ થયા હોવાનું અનુમાન છે. બળવાખોરોએ દરવાજામાં છીંડું પાડ્યું હોય તે કારણે આ દરવાજાનું નામ છીંડીયા દરવાજા પડ્યું હશે તેવું અનુમાન છે. 
         આ દરવાજાની કમાનની બંને બાજુઓના ગવાક્ષોમાં ડાબે કાળ ભૈરવ અને જમણે હનુમાનની મુર્તિ નગરના રક્ષિત દેવ રૂપે છે. એની ઉપરના ગવાક્ષોમાં વ્યાલ અને માનવ પર પ્રહાર કરતાં સિંહના શિલ્પો છે. મોટાભાગનું અલંકરણ પુષ્પભાત અને ભૌમિતિક આકૃતિઓનું છે. દરવાજાની ઉપર જવા માટે જમણી બાજુના બુરજને અડીને પગથીયાની રચના છે. આ દરવાજો 15 મી સદીની આસપાસ બંધાયેલો હોય એવું અનુમાન લાગે છે. જેમાં 19 મી સદીમાં આનંદરાવ ગાયકવાડે સમારકામ કરાવ્યુ હતું. 


● અધારા દરવાજો :-

 


      ઉત્તરમાં કિલ્લાની મધ્યમાં આવેલ દરવાજો અધારા દરવાજાથી ઓળખાય છે. આ દરવાજાથી આગ્રા જવાનો રાજમાર્ગ પ્રાચીન સમયમાં હશે. તેથી તેનું નામ અધારો દરવાજો પડ્યું. આ દરવાજા ઉપર આનંદરાવ ગાયકવાડના સમયનો એક લેખ છે. તેમના સમયકાળમાં દરવાજાનો જીર્ણોદ્વાર કરાવ્યાની હકીકત મળે છે. 


● નોધપત્ર બુરજ :- 


      આ દરવાજાની બંને બાજુઓએ બુરજ છે. પ્રવેશદ્વારની જમણી બાજુની દીવાલના ગવાક્ષમાં હનુમાનની મુર્તિ કંડારેલ છે, જ્યારે ડાબી બાજુના ગવાક્ષમાં વણઓળખાયેલી જર્જરિત પ્રતિમા છે. દરવાજાની અંદર અને બહાર બને તરફ વચ્ચે ઝરૂખા છે. એની અંદર છત વચ્ચે આધારશિલા છે અને સંભવત: પછીથી થયેલો નક્શીયુક્ત લેખ છે. પ્રવેશદ્વારની બંને બાજુઓએ ખૂણાઓ પર દરવાજાની ધરીની બેસણી છે. દરવાજા પરનો શિલાલેખ નિર્દેશે છે કે , ઇ.સ. 1806 માં આનંદરાવ ગાયકવાડે અહી સમારકામ કરાવ્યુ છે. 


● ફાટીપાળ દરવાજો :- 


         વાયવ્ય ખૂણા પર આવેલ દરવાજો તે ફાટીપાળ તરીકે ઓળખાય છે. સહસ્ત્રલિંગ તળાવનો નાશ સરસ્વતીના પ્રવાહથી થયેલ હતો. સરોવરની પૂર્વ બાજુની પાળ તૂટી ગયેલ. તળાવ જવાના માર્ગ પર  આવેલ આ દરવાજાનું નામ ફાટીપાળ રાખ્યું હોય તેમ જણાય છે. 


● બગવાડા દરવાજો :- 


      પૂર્વમાં આવેલો આ દરવાજો સ્થાનિક બગવાડા તરીકે જાણીતો છે. દરવાજાની નજીકમાં બગેશ્વર મહાદેવના સ્થાનને લઈને આ દરવાજાનું નામ બગવાડા પડ્યું હોવાનું મનાય છે. આ દરવાજો અંદર બહાર ના ભાગેથી કમાનયુક્ત છે. દરવાજો ઈંટો અને પથ્થરોનો મિશ્ર ઉપયોગ કરીને બનાવેલો છે. પ્રવેશદ્વારની બહારની બંને બાજુની દીવાલો બિલકુલ સાદી છે. બંને બાજુએ ગવાક્ષમાં પાછલા સમયની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે, જે પૈકી જમણી બાજુએ ગણેશ અને ડાબી બાજુના ગવાક્ષમાં ચામુંડા માતાની પ્રતિમા આવેલી છે. આ દરવાજાની મરામત સમયાંતરે થતાં તેની રચનામાં મિશ્ર સ્થાપત્ય શૈલી જોવા મળે છે. 


● ત્રિપોલિયા દરવાજો :- 


          શહેરના મધ્ય ભાગે ત્રણ દરવાજાઓ નગર નિર્માણ સમયે બંધાયેલા હતા. પાટણની શોભા વધારવા પુરાણા દરવાજા ઉપર ઝફરખાને આ ત્રણ દરવાજાઓ બંધાવી શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરી. આજે આ દરવાજો ત્રિપોલિયા દરવાજા તરીકે ઓળખાય છે. પાટણનું સ્થાન ગુજરાતના શહેરોમાં પ્રથમ પંક્તિમાં આવતું. અમદાવાદની નગર રચના પણ પાટણ શહેરને ધ્યાને લઈ કરવામાં આવી હોય તેમ જણાય છે.  
      સ્થાનિક ત્રિપોલિયા દરવાજો કે ત્રણ દરવાજાના નામે પ્રચલિત આ દરવાજો પાટણના અન્ય દરવાજાઓ કરતાં મોટો છે. આ દરવાજાને મધ્ય ભાગે મુખ્ય કમાન અને બંને તરફ એક કમાનયુક્ત દરવાજાની રચના કરેલી છે. 
         વનરાજ ચાવડાએ સવંત 802 વૈશાખ સુદ - 6 ના રોજ રાજધાની માટે નવીન નગર વસાવેલ અને અણહિલ ભરવાડના નામ પરથી આ નગરનું નામ અણહિલપુર રાખેલ. આજ અણહિલ પોર્ટે પત્તન અર્થાત અણહિલવાડ પાટણ એ વનરાજ ચાવડા અને સોલંકી વંશના પાટનગર તરીકે પ્રખ્યાત હતું. ત્યારબાદ પાટણમાં ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ તથા કુમારપાળ જેવા પ્રતાપી રાજાઓ, મુંજાલ મહેતા , ઉદાન, વસ્તુપાળ-તેજપાળ જેવા મેઘાવી મંત્રીઓ અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, શાંતિશુરી અને શ્રીપાલ જેવા પ્રકાંડ પંડિતો થઈ ગયા. 

         ગુજરાતનાં ઈતિહાસમાં મહત્વનુ સ્થાન ધરાવનાર પાટણના બે ઐતિહાસિક સ્થાપત્યો સહસ્ત્રલિંગ સરોવર તથા રાજા ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિની યાદમાં બંધાવેલી રાણીની વાવનો ઇતિહાસ તેના સ્થાપત્ય તથા તેની પ્રશસ્તિ ઉત્કૃષ્ટ હોઈ તેને રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન આપેલ છે. પણ પાટણનું સ્થાન આગવું છે. આ ઉપરાંત નવરચિત જીલ્લામાં સમાવિષ્ટ રાધનપુર તાલુકો પણ બાબીવંશના નવાબના સમયનું રજવાડું હતું. સિદ્ધપુર શહેર રુદ્ર મહાલય અને માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત છે. સમી તાલુકાનાં શંખેશ્વર ગામે પાશ્વનાથ દાદાનું જૈન મંદિર આગવું મહત્વ ધરાવે છે. 


● સહસ્ત્રલિંગ તળાવ :- 


       1084 માં રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ મહાન થવાની ખેવનાથી બંધાવ્યું ન હતું. રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે એકસો આઠ શિવલિંગનું તળાવ. રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સિદ્ધરાજે તેના શાસન દરમિયાન ગુજરાતનાં જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા. પરંતુ, આ તળાવ ટેક્નોલોજી , સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે. રાણકી વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકના જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પડે છે. 1042-43 માં ઉત્ખનન દરમિયાન સાત હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20 ટકા જ બહાર કાઢવામાં આવ્યા હતા અને હુમલાઓમાં ત્રણ વાર તોડી નાખવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી મોજૂદ છે. ત્યાં સુંદર કોતરણીકામવાળા ત્રણ વર્તુળોથી બનેલા સ્લુઇસ ગેટ છે. જેનાથી સરસ્વતી નદીનું પાણી આ તળાવમાં આવતું હતું અને એવું કહેવાય છે કે , આ તળાવમાં કુદરતી રીતે પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા હતી. આ જલાશયમાં દેવી- દેવતાઓની સુશોભિત મૂર્તિઓ અને છતને આધાર આપતા સ્તંભ પર 48 સ્તંભોની હારમાળાવાળા શિવ મંદિરના અવશેષો હતા. 
            પાટણની પુણ્યશાળી ધરતી ઉપર હજુએ માનવતાનું ઝરણું વહેતું હોય તેમ ક્યાક ને ક્યાક જોવા મળે છે. પ્રાચીન સમયમાં પાટણ ગુજરાતની ગૌરવશાળી રાજધાની હતી. અહી , માતા મીનળદેવી , સિદ્ધરાજ જયસિંહ , વીર માયા અને સતી માતા જસમા ઓડણની અમીકૃપા અને આશીર્વાદ આ પંથકની ધરતીને ધબકતી રાખે છે. પાટણના મહારાણી મીનળદેવીએ યાત્રાવેરો માફ કરીને માયાળું રાજમાતાની યાદ તાજી કરવી હતી. 
           સિદ્ધરાજ જયસિંહે નાત-જાતના ભેદભાવ ભૂલીને લઘુમતી સમાજને મસ્જિદ માટે જગ્યા ફાળવી આપી હોવાની ઐતિહાસિક નોધો સાંપડે છે. જસમા ઓડણના અભિશાપથી હજારો વર્ષ પહેલા જળવિહીન બનેલા સહસ્ત્રલિંગ સરોવરને વણકર સમાજના વીર માયા નામના યુવાને પોતાના દેહનુ બલિદાન આપતા સહસ્ત્રલિંગ સરોવરનો રુદ્રકૂપ પાણીથી છલોછલ ભરાયો હતો. તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી જસમા ઓડણની દેરીઓ પાટણની પ્રભુતાને છાજે તેમ સહસ્ત્રલિંગ સરોવરના કિનારે હજીયે અડીખમ ઊભી છે.
  

● સિદ્ધપુર :- 


      અમદાવાદની ઉત્તરે 103 કિ.મી. દૂર સિદ્ધપુર નામનું પવિત્ર નગર વસેલું છે. સરસ્વતી નદીના ડાબા કિનારે અને અણહિલવાડ પાટણના સામા પ્રવાહે 24 કિ.મી. દૂર અમદાવાદ પહેલાની જૂની ગુજરાતની રાજધાની 15 મી સદીના પહેલા ત્રિમાસે શોધાયું હતું. આ નગર મંદિરો , કુંડ, આશ્રમો અને અન્ય પવિત્ર મૂર્તિઓથી સજ્જ પ્રતિષ્ઠિત સ્થાન બન્યું છે. 10 મી સદીમાં સોલંકી શાસનમાં આ નગરની પ્રતિષ્ઠા અને કિર્તિ તેની પરાકાષ્ઠા પર હતી. ગુજરાતનાં મહાન રાજા સોલંકી રાજવંશના સિદ્ધરાજ જયસિંહના નામ પરથી આ નગરનું નામ સિદ્ધપુર રાખવામા આવ્યું છે. 
       રાજા સિદ્ધરાજે 12 મી સદીમાં ભગવાન શિવનું ભવ્ય મંદિર બનાવ્યું, જે રુદ્ર મહાલયના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિર તેના સ્થાપત્ય માટે જાણીતું છે. જેમાં ત્રણ મંજલા શિખર , 1600 સ્તંભ , 12 પ્રવેશદ્વાર , મધ્ય મંડપ, પૂર્વ ઉત્તર અને દક્ષિણમાં બનેલા દ્વારમંડપ અને પશ્ચિમમાં ખાનગી ઓરડો સામેલ છે. મંદિરની આસપાસ રુદ્રની 11 સમાધિઓ છે. પૂર્વ પ્રવેશદ્વાર પર સુંદર તોરણ બનેલું છે અને સરસ્વતી નદી તરફ જતાં પગથિયાં જોવાલાયક છે. મંદિરના બચેલા અવશેષોમાં શૃંગારિત સ્તંભો તેની ઉપર કરેલું વિસ્તૃત અને ઝીણવટભર્યું કોતરકામ અને આકર્ષક તોરણ છે. 
       આજના આ આધુનિક સિદ્ધપુરનું વર્ણન વેદમાં શ્રીસ્થળ એટલે કે પવિત્ર સ્થાન તરીકે કરેલું છે. ભારતના પાંચ મુખ્ય પ્રાચીન પવિત્ર તળાવોમાં એક બિંદુ સરોવર સિદ્ધપુરની નજીક સ્થિત છે. હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે પૈતૃક અત્યેષ્ઠી કરવા ગયા જવું પડે છે જ્યારે માતૃપક્ષની અત્યેષ્ઠી કરવા માટેનું સ્થાન હોય તો તે છે સિદ્ધપુર. ભારતમાં પાંચ સ્વયંભુ શિવ મંદિરો છે, જે દરેક સિદ્ધપુરમાં જ છે. હિન્દુ માસ શ્રાવણમાં અહી પુજા અર્ચના કરવાનું ખૂબ મહત્વ છે.


 
● માતૃગયા તીર્થસ્થાન - સિદ્ધપુર :- 


       જો કે સિદ્ધપુર ગુજરાતનું તીર્થસ્થાન છે. પણ માતૃગયા તરીકે તેની ખ્યાતિ થવાથી બીજા પ્રાંતોના પણ ઘણા યાત્રાળુઓ માતૃશ્રાદ્ધ કરવા અહી આવે છે. આ કારણથી આ શહેરમાં બ્રાહ્મણોની મોટી વસ્તી વસે છે, જે સિદ્ધપુરીયા નામથી ઓળખાય છે. સરસ્વતી કાંઠા ઉપર બ્રાહ્મણો તથા શિવભક્તોએ ઊભા કરેલા અનેક મઠો દેખાય છે, જેમાં સૌથી સરસ અહલ્યાબાઈનો (ઇ.સ.1795 માં ) બંધાવેલો મઠ છે. 




        આમ , સિદ્ધપુર એક માતૃગયા અથવા માતૃશ્રાદ્ધ કરવા માટેનું મહત્વનુ સ્થાન છે. જ્યાં લોકો પોતાની સ્વર્ગીય માતાના શ્રાદ્ધ કરવા દર વર્ષે અહી આવે છે. આ ક્રિયા બ્રાહ્મણો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે અને તેમને ખૂબ માન આપવામાં આવે છે. આ ક્રિયા કપિલમુની આશ્રમમાં કરવામાં આવે છે જ્યાં જ્ઞાન વાટિકા, અલ્પ સરોવર , બિંદુ સરોવર જેવા ત્રણ કુંડ આવેલા છે. એવું માનવમાં આવે છે કે , ભગવાન પરશુરામે પણ પોતાની માતાનું શ્રાદ્ધ અહી સ્થિત બિંદુ સરોવર પાસે કર્યું હતું ને તેમનું મંદિર દર્શન અને પુજા માટે અહી બનાવવામાં આવ્યું છે. 

           બિંદુ સરોવર એક ચોરસ કુંડ તે ચારે તરફથી પથ્થરોથી બાંધેલો છે. એની દક્ષિણ બાજુએ એક લાંબુ સળંગ મંદિર છે. તેમાં કર્દમજીની , દેવહુતિની , કપિલદેવની અને ગરુડ ઉપર બેઠેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ આવેલી છે. પશ્ચિમ બાજુમાં મંદિરમાં શંકરની મુર્તિ છે. બિંદુ સરોવરમાં સ્નાન કર્યા પછી યાત્રાળુઓ આ દેવોના દર્શન કરે છે. બિંદુ સરોવરની પાછળ એક લંબચોરસ કુંડ છે તેને અલ્પ સરોવર કહે છે. એ બંને કુંડોનો નીચેથી એક - બીજા સાથે સંબંધ છે. 


● રુદ્ર મહાલય :- 


        રુદ્ર મહાલય ગુજરાતનાં સ્થાપત્યની , શિલ્પની તથા ભવ્ય ધર્મસ્થાનો ઊભા કરવાની પ્રેરણા મૂળરાજે આપી છે. અત્યંત ક્ષતવિકસિત સ્થિતિમાં પણ મૂળરાજે બંધાવેલા મહાલયોના જે અવશેષો હજી છે તે જોતાં મૂળરાજની ઉત્કૃષ્ટ કલ્પના તથા એ કલ્પનાના બળથી ગુજરાતમાં સ્થાપત્યના અપૂર્વ ઉત્કર્ષનો આરંભ કેવા વેગથી થયો હતો  તે સમજાય છે. 40 વર્ષ પછી દેલવાડામાં બંધાવેલા ગુજરાતનાં સ્થાપત્યના કિર્તિસ્તંભરૂપ વિમળશાના મંદિરની અતિ રમણીય તથા મહાભવ્ય સ્થાપત્યકલાના વિકાસનો પ્રારંભ મૂળરાજના વખતમાં જ થયો છે. 





       મૂળરાજે વિરમગામથી વાયવ્ય દિશાએ મંડલી તથા માંડલમાં મૂલેશ્વર નામથી એક શૈવમંદિર બંધાવ્યું અને તેને લગતો મઠ બાંધ્યો તથા એ મંદિરને કંબોઇ નામનું ગામ આપ્યું છે. માંડલના આ મઠમાં પશુપાત આચાર્યને રાખ્યા હશે. 
      મૂળરાજે પાછલી અવસ્થામાં પોતાની શિવભક્તિના બાહ્ય ચિન્હોના શિખરરૂપે સિદ્ધપુરમાં રુદ્ર પ્રસાદ અથવા રુદ્ર મહાલય બંધાવવા માંડ્યો. સિદ્ધપુર રુદ્ર મહાલય બંધાવવાની શરૂઆત તેણે વહેલી કરેલી હતી, પરંતુ દેશ સર કરવાના તથા રાજ્યના બીજા નાના મોટા કામોમાં આ વિશાળ યોજનાવાળું રુદ્ર મહાલયનું કામ મૂળરાજની હયાતીમાં પૂરું ન થઈ શક્યું. મંદિરમાં દેવી પ્રતિષ્ઠા મૂળરાજના સમયમાં જ કરવામાં આવી હતી. કારણ કે વિ.સં. 1043 માં રુદ્રામહાલય દેવને પૂજિને મૂળરાજે દાન આપ્યાનુ એક તામ્રલેખમાં લખ્યું છે, પણ મહાલય અધૂરો હતો. પાછળથી અગણ્ય કારણોથી મહાલયના કેટલાક ભાગો પડી ગયા હશે. લગભગ પોણા બસો વર્ષ પછી સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરના રૂદ્ર મહાલયનો જીર્ણોદ્વાર કર્યો. સિદ્ધરાજે કદાચ નવેસરથી મોટા પાયા ઉપર આ મંદિર આખો ફરીથી બંધાવ્યું હશે. વિ.સં. 1199 માં સિદ્ધરાજના મરણ વખતે રૂદ્ર મહાલયનું કામ ભાગ્યે જ પૂરું થયું લાગે છે. 
         રૂદ્ર મહાલયની વિશાળતાની યથાર્થ કલ્પના કરવી મુશ્કેલ છે, પણ એના ખંડેરની જે નિશાનીઓ હજી સુધી જીવતી છે તે ઉપરથી 300 ફૂટ લાંબા તથા 230 ફૂટ પહોળા મંદિરના આંગણાની વચ્ચે બે કે ત્રણ માળનું મંદિર હતું. જેની સામે 50 ફૂટ ચોરસ સભામંડપ હતો. આ સભામંડપને ચારે દિશાએ ચાર દ્વાર હતા. મુખ્ય મંદિરની આસપાસ અગિયાર નાના મંદિરો હતા. ચોકમાં મંદિરની નાની નાની ઓરડીઓ હશે અને પૂર્વ દિશામાં મુખ્ય દ્વ્રારથી સરસ્વતીના પાણી સુધી બાંધેલો ઘાટ હશે. ભારતભરમાં એક જ સ્થાને પાંચ સ્વયંભુ મહાદેવના મંદિર હોય તેવી આ એક જ સિદ્ધપુર નગરી છે. 
 

રાણકી વાવ પાટણ નો 360 ડિગ્રી અદ્દભુત વિડીયો ઘરે બેઠા નીચે આપેલ લિંક પરથી નિહાળી શકો છો.  

 
Technicallynavin Homepage અહી ક્લિક કરો
નડાબેટ સીમા દર્શન જોવાલાયક સ્થળ અહી ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ ફ્રી માં કાઢો તમારા મોબાઈલ માંથી અહી ક્લિક કરો
રાણકી વાવ પાટણનો 360 ડિગ્રી અદ્દભુત વિડીયો  અહી ક્લિક કરો

Post a Comment

3 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।