મહીસાગર જિલ્લાની સફર

    મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક લુણાવાડા છે. મહીસાગર જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013 ના રોજ ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાની ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં દાહોદ જિલ્લો, દક્ષિણમાં પંચમહાલ અને ખેડા જિલ્લા તથા પશ્ચિમમાં અરવલ્લી જિલ્લો છે. મહી નદી પરની  'કડાણા' અને 'વણાકબોરી' સિંચાઇ યોજનાઓ મહીસાગર જીલ્લામાં છે. મહીસાગર જિલ્લામાંથી ફાયર કલે નામનું ખનીજ મળે છે.
 
👉 જોવાલાયક સ્થળો :-
 
💥 લુણાવાડા :-

      લુણાવાડા શહેરનું નામ  'લૂણેશ્વર' મહાદેવ પરથી પડ્યું છે. પાંડવો વનવાસ દરમિયાન લૂણેશ્વર મહાદેવના મંદિરમાં રહ્યા હતા તેવી માન્યતા છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ , જવાહર ગાર્ડન , કાલકા માતાની ટેકરી, ત્રિવેણી સંગમ જોવાલાયક છે. 


💥 રૈયાલી :- 

       બાલાસિનોરથી 10 કિ.મી. ના અંતરે આવેલા આ સ્થળેથી પ્રાગ ઐતિહાસિક સમયના મહાકાય પ્રાણીઓના અસ્થિ-અશ્મકો મળી આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં ડાયનાસોરના ઈંડા પહેલીવાર આ જગ્યાએથી મળ્યા હતા. 
💥 વિરપુર :- 

     આ સોલંકી સમયનું જૂનું સંસ્થાન છે. અહી શ્રી ગોકુળનાથજીના પગલાં અને પવિત્ર દરગાહે શરિફ છે. 

💥 બાલાસિનોર :- 

      આ બાબરી વંશના રાજાઓનું રજવાડું હતું. નવાબનો  'ગાર્ડન પેલેસ' જોવાલાયક છે.
 
👉 કલેશ્વરી સ્મારક સમૂહ :- 
      💥 કલેશ્વરી :-

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ લવાણા ગામે લુણાવાડાથી ઉત્તરે 20 કિ.મી. ના અંતરે કલેશ્વરી કે કલેશ્વરીની નાળ તરીકે ઓળખાતું સ્થળ આવેલું છે, જે તેના શિલ્પ સ્થાપત્ય માટે પુરાતત્વવિદો તથા તેના પ્રાકૃતિક સૌંદર્યને કારણે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ સ્થળ રેલવે રસ્તે જોડાયેલુ નથી , પરંતુ જિલ્લા મથક ગોધરા તથા તાલુકા મથક લુણાવાડા સાથે રાજ્ય પરિવહનના બસ વ્યવહારથી જોડાયેલુ છે. હાલ આ સ્થળ નવરચિત મહીસાગર જીલ્લામાં આવેલું છે.
 
💥 સ્મારકો તથા શિલ્પો :-
 
       આ સ્થળમાં ઈસુની દસમી સદીથી માંડી 19 મી સદી સુધીના શિલ્પ સ્થાપત્ય આવેલા છે, જેમાં કુલ 9 રાજ્ય રક્ષિત સ્મારકોનો સમાવેશ થાય છે. 1. સાસુની વાવ, 2. વહુની વાવ, 3. શિલાલેખવાળું મંદિર, 4. પ્રાચીન મંદિર, 5. કુંડ, 6. શિકારમઢી, 7. ભીમચોરી, 8. અર્જુન ચોરી, 9. ત્રણ પ્રવેશદ્વાર વાળું મંદિર. 
       આમ , તમામ સ્થાપત્ય- શિલ્પ , કલેશ્વરી કે કલેશ્વરીની નાળ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા છે. આ સ્થળના નામ અંગે કોઈ આધારભૂત માહિતી પ્રાપ્ત થતી નથી. લોકવાયકા મુજબ આ કલેશ્વરી , કલેહેશ્વરી કે કલેશ્વરીની નાળ તરીકે જાણીતું છે.
 
💥 સાસુની વાવ :- 



       ગુજરાતમાં વાવનું સ્થાપત્ય પ્રાચીન સમયથી જોવા મળે છે. આ વાવ સાસુની વાવ તરીકે ઓળખાય છે. જ્યારે તેનાથી થોડે દૂર એક અન્ય વાવ આવેલી છે. આ બંને વાવ એકબીજાની સમીપે છે. વાવના નામ માટે કોઈ આધારભૂત પુરાવો ન મળવાથી લોકપ્રિય સામાજિક પાત્રો "સાસુ-વહુ" વાવ માટે સુલભ બનેલું જણાય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ વાવનું નિર્માણ નંદા પ્રકારનું જણાય છે. વાવમાં ઉત્તરમાં એક ગોખમાં લજ્જાગૌરી - નંદીશ્વરનું શિલ્પ છે, જ્યારે તેની સામેનો ગોખ શિલ્પહિન છે. વિશેષ નીચે ઉતરતા વિશ્રામ સ્થળના એક ગોખમાં નવગ્રહ પટ્ટ સીએચએચ, જ્યારે બીજામાં દશાવતાર પટ્ટ છે. તેથી પણ નીચે ઉતરતા વિશ્રામ સ્થળના બંને ગોખમાંથી એકમાં શેષશાયી વિષ્ણુ તથા અન્યમાં વૈષ્ણવીની બે પ્રતિમાઓ સ્થિત છે. શિલ્પોની શૈલી તથા વાવના બાંધકામ પરથી આ વાવ આશરે ઈસુની 14 મી કે 15 મી સદીમાં બંધાઈ હોય તેમ જણાય છે.
 
💥 વહુની વાવ :- 

        વહુની વાવનું નિર્માણ સાસુની વાવ પછી થોડા જ સમયમાં જ  થયું  હશે તેમ જણાય છે. આ વાવ પણ નંદા પ્રકારની અને પ્રમાણમાં સાદી છે. વાવના ગોખમાં દેવ પ્રતિમા , શેષશાયી વિષ્ણુ , જયદેવતાના શિલ્પો આવેલા છે.
 
💥 શિલાલેખવાળું મંદિર :- 

    શિલાલેખવાળું મંદિર તરીકે ઓળખાતું આ સ્મારક હાલમાં ફક્ત મંડપના સ્વરૂપમાં છે. છ પૂર્ણ અને દસ અર્ધસ્તંભ પર ટેકવેલ સમતલ છાધયુક્ત મંડપ સદો - અલંકરણહિન છે. તેની દીવાલના પાછળથી બનાવેલા ગોખમાં નટરાજની પ્રતિમા છે. જેને લોકો કલેશ્વરી માતા તરીકે પૂજે છે. આ મંડપના એક સ્તંભ પર લુણાવાડાના યુવરાજે સવંત 1605 (ઇ.સ. 1549) માં જીર્ણોદ્વાર કરાવ્યાનો ઉલ્લેખ છે. લેખ ઘસાયેલો હોય સ્પષ્ટ માહિતી મળી શકતી નથી. 

💥 પ્રાચીન મંદિર :- 

     શિલાલેખવાળા મંદિરની સન્મુખ આ મંદિર સ્થાનિક ઘૂમ્મટવાળા મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર પ્રાચીન મંદિર કે જે નષ્ટ થઈ ગયું તેની જગતિ પર ઊભું કરવામાં આવ્યું છે. નષ્ટ થયેલા મંદિરના ભગ્નાવશેષો આ વિસ્તારના પ્રાચીનતમ અવશેષો હોય તેમ જણાય છે. સંભવત: આ મંદિર 10 મી સદી કે તે પહેલાનું પણ હોય શકે. જે મંદિર હાલમાં ઊભું છે તે અર્વાચીન છે. પરંતુ તેની દીવાલમાં જડવામાં આવેલા શિલ્પો પ્રાચીન છે. આ મંદિર લુણાવાડાના રાજવી વખતસિંહજીએ બંધાવ્યું હશે તમ જણાય છે. 

💥 કુંડ :- 

      જલસંગ્રહના અલગ સ્થાપત્ય પ્રકારોમાં કુંડ પણ પ્રાચીન સમયથી જાણીતો છે. આ કુંડ લગભગ સમચોરસ છે. કુંડના સ્થાપત્યનો હેતુ એકસાથે ઘણા લોકો પાણીનો ઉપયોગ કરી શકે તેમ હોય છે તેથી તેની ચારેબાજુએથી પાણી સુધી પહોચવા વિશિષ્ટ સોપાનશ્રેણીની રચના કરવામાં આવે છે. કુંડની પાળના મધ્યભાગે તથા પગથીયાની બાજુમાં દેવશિલ્પો માટે ગોખ કરવામાં આવે છે. આ કુંડમાં પણ ટેવ જ રચના છે. કુંડના ગોખમાં શેષશાયી વિષ્ણુ, શિવ વગેરેના શિલ્પો છે. કુંડમાં આવતું પાણી ગળાઈને આવે તે માટે ગળણીની પણ રચના કરવામાં આવે છે.
 
💥 શિકારમઢી :- 

       આ સ્થાપત્ય અન્ય સ્થાપત્યની તુલનામાં અર્વાચીન છે. લુણાવાડાના રાજવી આ સ્થળે ગાઢ જંગલ હોવાથી શિકાર માટે આવતા. અહી પડેલ પ્રાચીન ભગ્નાવશેષોનો પુન: ઉપયોગ કરી રાત્રી રોકાણ માટે વખતસિંહજીએ  'બંગલો' બનાવ્યો જે શિકારમઢી માટે જાણીતો છે. આ સ્મારકનું સ્થાપત્ય તરીકે કોઈ મૂલ્ય નથી. પણ તેમાં જડવામાં આવેલા શિલ્પો બેનમૂન છે. આ સ્જિલ્પો ભગ્ન દેવાલયોના ભાગ છે. 

💥 ભીમચોરી :- 

      શિકારમઢી પાસેથી શરૂ થતી સોપાનશ્રેણી ટેકરીના મથાળે દોરી જાય છે. જ્યાં ભીમચોરી તરીકે ઓળખાતું શિવાલય આવેલું છે. ટેકરી પર આવેલા ત્રણ સ્મારકોમાં આ સૌથી નુકશાન પામેલ છે. સમગ્ર ભારતમાં પાંડવોના નામ સાથે કોઈને કોઈ સ્થળ જોડી દેવાની પ્રથા જોવા મળે છે. તે મુજબ આ શિવાલયને પણ ભીમચોરી નામ આપવામાં આવેલું છે. સ્થાપત્યની શૈલીને લક્ષમાં લઈ આ મંદિરનો નિર્માણકાળ 14 મી કે 15 મી સદીનો ગણી શકાય. 

💥 ત્રણ પ્રવેશદ્વારવાળું મંદિર :- 



         આ સ્થાપત્યનો ફક્ત નીચેનો જ થર હાલમાં વિધમાન હોઈ સ્થાપત્યના પ્રકાર વિશે સ્પષ્ટ વિગત જાણી શકાતી નથી. સ્થાપત્યના મધ્યભાગમાં સામાન્ય કરતાં વિશેષ મોટા પગના અવશેષો જોવા મળે છે. જેથી લોકોમાં જુદી જુદી ક્વિદંતિયો પ્રચલિત છે. કેટલાક ભીમના પગલાં તો કોઈ હિડિંબાના પગ તરીકે ઓળખે છે. આ શિલ્પખંડ આ જ સ્થાપત્યનો ભાગ છે તેમ નિશ્વિતપણે કહી શકતું નથી. આ સંકુલમાં આવેલા શિલ્પોમાં નટરાજ, શક્તિ, ગણેશ, મહિષમર્દીની, ઘંટાકર્ણી, ક્ષેમકરી, ઈન્દ્ર, યમ, અનંત અપ્સરા વગેરે શિલ્પો ઉલ્લેખનીય છે.  

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।