દેવભૂમિ દ્વારકા જિલ્લાની સફર

મિત્રો આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની માહિતી મેળવીશું. જ્યાં દ્વારકાધીશ બિરાજમાન છે. દેવભૂમિ દ્વારકા ચાર ધામો પૈકીનું એક યાત્રાધામ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા મથક ખંભાળિયા છે. દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ , 2013 ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી હતી. 




સ્થાન અને સીમા :- 


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઉત્તરે કચ્છનો અખાત, પૂર્વમાં જામનગર જિલ્લો, દક્ષિણમાં પોરબંદર જિલ્લો તથા પશ્ચિમમાં અરબસાગર છે. 


તાલુકાઓ :- 

દ્વારકા જીલ્લામાં કુલ ચાર તાલુકાઓ આવેલા છે. 1. ખંભાળિયા, 2. ઓખામંડળ, 3. ભાણવડ, 4. કલ્યાણપુર . 


દ્વારકા જિલ્લાની વિશેષતા :- 


જગદગુરુ શંકરાચાર્યે સ્થાપેલી  "શારદાપીઠ" દ્વારકા જીલ્લામાં આવેલી છે. 'દારૂકા વન ' તરીકે ઓળખાતા શંખોદ્વાર બેટમાં બાર જ્યોર્તિલિંગોમાનું એક નાગેશ્વર જ્યોર્તિલિંગ અહી આવેલું છે. ધૂમલીનું નવલખા મંદિર જાણીતું છે. ખંભાળિયાનું શુદ્ધ ઘી વખણાય છે. બરડા ડુંગરથી દક્ષિણ - પશ્ચિમે આવેલો દરિયાકિનારાનો પ્રદેશ 'હાલાર' તરીકે ઓળખાય છે. દ્વારકામાં જન્માષ્ટમીનો લોકમેળો ભરાય છે. દ્વારકા ગોમતી નદીના કિનારે વસેલું શહેર છે. મીઠાપૂર પાસેથી 'મિલિયોલાઈટ' નામનો ચૂનાનો પથ્થર, જિપ્સમ અને કેલ્સાઇટ મળે છે. 


દ્વારકાના નિર્માણ અંગે પુરાણોક્તિઓ :- 


      પ્રાચીન દ્વારકા નગરીના નિર્માણ અંગે પુરાણોમાં પણ રસપ્રદ ઉલ્લેખો જોવા મળે છે. જરાસંઘ અને કાલયવનના મથુરા પર હુમલાના ભયને કારણે ભગવાન શ્રીકૃષ્ણ  અને યાદવો મથુરા છોડીને સુરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર આવે છે અને રાજધાની તરીકે નગરીના નિર્માણ માટે દૈદીપ્યમાન વિશાળ સાગર તટ પ્રદેશ ઉપર તેમની દ્રષ્ટિ ઠરે છે અને તેના નિર્માણ કાર્ય માટે શ્રીવિશ્વકર્મા પ્રભુને આહવાન કરવામાં આવે છે. જે સમુદ્રદેવ દ્વારા રાજધાની દ્વારકા નગરીના નિર્માણ માટે થોડી ભૂમિ સુપ્રત કરવામાં આવે તો જ આ કાર્ય પાર પડી શકાય. શ્રીકૃષ્ણ ભગવાનની આરાધનાથી પ્રસન્ન થઈ સમુદ્રદેવે બાર યોજન જેટલી ભૂમિ સમર્પિત કરી અને તે ભૂમિ પાર શ્રીવિશ્વકર્મા પ્રભુએ સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. આ નગરી દ્વારામતી , દ્વારાવતી અને કુશ:સ્થલી નામે પણ ઓળખાતી હતી. અન્ય દંતકથા એવી છે કે , ભગવાન શ્રીકૃષ્ણના જીવનના અંતે સોમનાથ પાસે ભાલકા તીર્થમાં પારધીના બાણથી ઘવાતા ત્રિવેણી સંગમ ખાતે દેહત્યાગ કર્યો તે સમયે આ પ્રાચીન દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં હમેશા માટે સમાઈ ગઈ હતી. રાજ્યના પુરાતત્વ સંશોધન વિભાગ દ્વારા સમુદ્રના પેટાળમાં સમાયેલી આ પ્રાચીન દ્વારિકા નગરીનું ઉત્ખનન કાર્ય હાલ ચાલી  રહ્યું છે. અને તેના હજારો વર્ષ પૂર્વેના અસ્તિત્વ વિશેના પુરાવાઓ પણ મળી રહ્યા છે. વર્તમાન દ્વારકા નગરી તેના પ્રાચીન સ્વરૂપની જેમ અરબી સમુદ્ર કિનારે કચ્છના અખાતની સામે સ્થિર થયેલ છે નજીકના ઓખા બંદરેથી યુરોપીયન દેશોમાં ભારતીય ચીજવસ્તુ , માલસામાનની મોટા પ્રમાણમાં નિકાસ પણ થાય છે અને તે પશ્ચિમ ભારતના પ્રવેશદ્વાર તરીકે પણ પ્રખ્યાત છે. 


મુખ્ય મંદિરની તવારીખ :- 


       પવિત્ર ગોમતી નદીના તટે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જે દ્વારકાધીશ રણછોડરાયના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. એક તાર્કિક અંદાજ મુજબ , ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે ઈ.સ. 1400 ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરની બચી ગયેલી છત્રી સ્થાપી હતી, જેમાં પછીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. ઈ.સ. 800 માં જગતગુરુ શંકરાચાર્યે મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હોવાનું મનાય છે. 


દ્વારકા જિલ્લાના જોવાલાયક સ્થળો :- 


ખંભાળિયા :-    

    
      જિલ્લાનું મુખ્ય મથક છે. આરાધના ધામ , ઝાડેશ્વર ટેકરી, જોધપુર ગેટ , અને દરબારગઢ જોવાલાયક છે. ખંભાળિયા શુદ્ધ ઘી માટે પ્રખ્યાત છે. સમગ્ર દેશમાં અહીથી ઘી જાય છે. 


દ્વારકા :- 


              દ્વારકાનું પ્રાચીન નામ 'દ્વારાવતી' છે. ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકા હિન્દુઓના ચાર પ્રસિદ્ધ યાત્રાધામોમાનું એક યાત્રાધામ છે. દ્વારકા મોક્ષદાયિની સાત નગરીઓમાની એક નગરી છે. ભગવાન શ્રીકૃષ્ણે વસાવેલી દ્વારકા નગરી કચ્છના અખાતમાં ડૂબી ગઈ હતી. તેના અવશેષો ઈતિહાસકાર ડો. એસ.આર. રાવને ઈ.સ. 1980 ના દાયકામાં પ્રાપ્ત થયા હતા. નવા વસાવેલા દ્વારકા નગરમાં આશરે 13 મી સદીમાં બંધાયેલું દ્વારકાધીશનું મંદિર છે. 52 મીટર ઊંચું સાત માળનું આ વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી ચતુર્ભુજ શ્યામમૂર્તિ છે. ચોથા માળે અંબાજીની પ્રતિમા અને પાંચમા માળે કોતરણીવાળા 72 સ્તંભો પર 'લાડવા મંડપ ' છે. મુખ્ય મંદિરની નજીકમાં રૂક્મણીજીનું મંદિર છે.



 આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે સ્થાપેલો  "શારદાપીઠ" આશ્રમ નજીકમાં જ આવેલો છે. તે ભારતની ચાર પીઠોમાની એક પીઠ છે. આ ઉપરાંત અહી અનેક મંદિરો અને ધર્મશાળાઓ છે. અહી વલ્લભાચાર્ય ગોસાઈજીની બેઠક પણ છે. કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા  'હેરિટેજ સિટી ડેવલપમેંટ એંડ ઓગમેંટેશન યોજના' હેઠળ દ્વારકા શહેરને  'હેરિટેજ સિટી' તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. 


શંખોદ્વાર બેટ :- 


       શંખોદ્વાર બેટ ઓખા પાસે આવેલો છે. આ  'બેટ દ્વારકા ' તરીકે પણ ઓળખાય છે. અહી દ્વારકાધીશ તથા તેમની પટરાણીઓના બે કે ત્રણ માળ વાળા આઠ મહેલો છે. અહીના ગોપી તળાવની માટી  'ગોપી ચંદન ' તરીકે ઓળખાય છે. અહી મસ્ત્યાવતાર મંદિર છે. શ્રીકૃષ્ણે અહી  'શંખ' નામના રાક્ષસનો ઉદ્ધાર કર્યો હતો. અહી ભારે પ્રમાણમાં શંખ મળતા હોવાથી આ બેટ  'શંખોદ્વાર બેટ' તરીકે જાણીતો છે. 

મીઠાપુર :- 


      અહી ટાટા સોડા એશ અને કોસ્ટિક સોડા બનાવવાનું કારખાનું છે. 

ધૂમલી :- 


     ભાણવડ પાસે આવેલું ધૂમલી બહુ પ્રાચીન નગર છે. અહી મંદિરોના ખંડેરો છે. અહીનું નવલખા મંદિર અગિયારમી - બારમી સદીમાં બંધાયેલું છે. મંદિરનુ શિખર અને ગર્ભગૃહનો ઘણો ભાગ ખંડિત થયેલો છે. અહી આશાપુરા માતાનું મંદિર પણ છે. 


નાગેશ્વર જ્યોતિર્લીંગ :- 

દ્વારકાથી 17 કિમી દૂર મીઠાપુર પાસે દારૂકાવન માં બાર જ્યોતિર્લિંગોમાનું એક જ્યોતિર્લીંગ નાગેશ્વર છે. શ્રીકૃષ્ણે પોતાની નવી રાજધાની દ્વારકાનું નિર્માણ કર્યું તે પહેલા નાગેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. 

     આમ , દ્વારકા જિલ્લો સાંસ્ક્રુતિક, પ્રાકૃતિક ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 

Post a Comment

0 Comments