સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં ઈ. સ. 1875  ની 31  મી ઓકટોબરે ખેડૂત કુટુંબમાં થયો હતો.


 તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેમના માતાપિતાના તેઓ ચોથા દીકરા હતા. તેમનું મૂળ વતન આણંદ નજીકનું કરમસદ ગામ હતું. વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ કરમસદ અને પેટલાદમાં લીધુ હતુ. આગળનો અભ્યાસ નડિયાદમાં કર્યો હતો. વકીલાતનું ભણી બેરિસ્ટર થવા તેઓ વિલાયત ગયા હતા. 
         વિલાયતના અભ્યાસ દરમિયાન તેમને વાળાનો રોગ થયો હતો. તેનું ઓપરેશન કરવાનું ડોકટરે કહ્યું.ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન કરતી વખતે ક્લોરોફોર્મ આપી શકાશે નહીં અને ક્લોરોફોર્મ આપ્યા સિવાય ઓપરેશનની પીડા શી રીતે સહન થઈ શકશે ? વલ્લભભાઈએ કહ્યું,  " ક્લોરોફોર્મ લેવાની મારી ઇચ્છા જ નથી. હું પીડા સહન કરી શકીશ. તમે નિરાંતે ઓપરેશન કરો. " ડોક્ટરે ઓપરેશન કર્યું. વલ્લભભાઈએ શાંતિથી વેદના સહન કરી. ડોક્ટર છક થઈ ગયા,  " મારી જિંદગીમાં મેં આવો હિંમતવાન રોગી પહેલી વાર જોયો." 
            વિલાયતમાં તેમણે ખૂબ મહેનતથી બેરિસ્ટરની પદવી મેળવી. અભ્યાસ પૂરો કરીને પરત આવ્યા. અહીં બાહોશ અને નીડર વકીલ તરીકે તેઓ ચમકવા લાગ્યા. 
        દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા . ગાંધીજી સાથે તેમનો વિશેષ પરિચય થયો અને વલ્લભભાઈ પટેલ ગાંધીજીના રંગે રંગાઈ ગયા. તે સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. બારડોલીના ખેડૂતોની સારી સ્થિતિ જોઈ અંગ્રેજ સરકારે તેમની આવક ઉપર મહેસુલી કર વધારી દીધો. બારડોલીના ખેડૂતોએ વલ્લભભાઈ પાસે મદદ માંગી. વલ્લભભાઈએ બારડોલીના ખેડૂતોને ભેગા કર્યા અને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા. સત્યાગ્રહીઓની આગળ સત્તાધીશોને નમવું પડ્યું. સત્યાગ્રહીઓનો વિજય થયો. પ્રજા અને આગેવાનોએ વલ્લભભાઈના નેતૃત્વની પ્રશંસા કરી. બારડોલી સત્યાગ્રહની આગેવાનીની સફળતાને લીધે ગાંધીજીએ વલ્લભભાઈને  'સરદાર' તરીકે. ઓળખાવ્યા. આખા દેશમાંથી તેમના પર અભિનંદનોની વર્ષા થઈ. પરંતુ વલ્લભભાઈએ તો નમ્રતાથી એટલું જ  કહ્યું, "આ સત્યાગ્રહનો વિજય એ તો ગુજરાતની દેશને ભેટ છે." 
        આઝાદીની લડતમાં સરદાર પટેલ ગાંધીજીની સાથે રહ્યા. ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ અને હિન્દ છોડો ચળવળ જેવી અંગ્રેજો સામેની લડતમાં તેમણે સક્રીય ભાગ ભજવ્યો. 
        સ્વતંત્ર ભારતમાં એ સમયે 562 જેટલા દેશી રજવાડા હતાં. તેમને ભારતસંઘમાં જોડવાનું કામ ખુબ જ કપરું હતું. આ માટે સરદારે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો. તેમણે પ્રેમ, ધીરજ, ઉદારતા અને વ્યવહાર કુશળતાથી કામ લીધું. રાજાઓમાં દેશભક્તિ જગાડી તેમને દેશ માટે ત્યાગ આપવા સમજાવ્યા.મોટાભાગના રાજાઓ પોતાના રાજયો ભારતસંઘમાં ભેળવી દેવા તૈયાર થયા. હૈદરાબાદના નિઝામ અને જૂનાગઢના નવાબે આનાકાની કરી તો તેમની સામે લોકમત ઉભો કર્યો. આ રીતે એ બંને પ્રદેશોને પણ ભારતસંઘમાં ભેળવ્યા. 
        સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. એ સમયે સોમનાથ મંદિર વર્ષોથી ખંડેર હાલતમાં હતું. સરદાર ત્યાં ગયા ત્યારે એ મંદિરની દુર્દશા જોઈ. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો તેમને સંકલ્પ કર્યો. પરિણામે આજે પ્રભાસપાટણમાં સોમનાથનું ભવ્ય મંદિર છે. દેશ સેવાના કાર્ય માટે તેમણે અથાક પરિશ્રમ કર્યો. શરીરનું સ્વાસ્થ્ય કથળતા  હૃદય રોગને કારણે 15 મી ડિસેમ્બર, 1950 ના રોજ તેમણે ચિરવિદાય લીધી. 
       નીડરતા, અડગતા અને કુનેહ જેવા ગુણોવાળા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈના શબ્દો આજેય આપણને પ્રેરણા આપે છે :  " પાણીમાં તરવાવાળા જ ડૂબી જાય છે. કિનારા પર ઊભા રહેનારા ક્યારેય ડૂબતા નથી એ વાત સાચી, પણ કિનારા પર ઊભા રહેનારા લોકો ક્યારેય પણ તરવાનું શીખી શકતા નથી." 

Post a Comment

0 Comments