અમદાવાદ જિલ્લાના જોવાલાયક સ્થળો

        કહેવાય છે કે આજથી એક હજાર વર્ષ પૂર્વે આશપલ્લી - આશાવલ નામનું સમૃધ્ધ નગર અસ્તિત્વમાં હતું. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી નામ પડ્યું આશાવલ. આ નગર પાટણ અને ખંભાત ઉપરાંત ગુજરાતનું એક સારું નગર હતું અને આશાવલમાં  જૈન અને બ્રાહમણોના મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહાત્મકતાની દ્રષ્ટિએ પણ આ નગર અગત્યનું સ્થાન બન્યું. 




સોલંકી વંશના રાજા સિધ્ધરાજના પિતા કર્ણદેવ સોલંકીએ લાટ જીતવામાં સફળતા રહે તે માટે આશાવલમાં જ મુકામ કરી બીજી રાજધાની જેટલો જ દરજ્જો આપ્યો અને તેનું નામ બદલીને કર્ણાવતી રાખ્યું, તે આજનું અમદાવાદ શહેર આજે તેની અનેક ખાટીમીઠી યાદોને ભીતરમાં સંકોરીને બેઠું છે અને રાષ્ટ્રનું અગ્રણી નગર બનવા હરણફાળ ભરી રહ્યું છે. અમદાવાદની જાહોજલાલી તેના સ્થાપના કાળથી જ હતી તેમ કહેવામા જરાય અતિશયોક્તિ નથી. 
                  અમદાવાદ એ રાજ્યની આર્થિક રાજધાની છે. રાજ્યના જિલ્લાઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતો અમદાવાદ જિલ્લો ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી સમૃધ્ધ જિલ્લો છે. આઝાદીની લડતની દોડથી લઈ આધુનિકતાની દોડમાં અમદાવાદ હમેશા શિરમોર રહ્યું છે. ભારતને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુએ જેને પોતાના આશ્રમ માટે પસંદ કર્યું હતું તે અમદાવાદ શહેર જેનું વડુ મથક છે તે અમદાવાદ જિલ્લો ગુજરાત રાજ્યનો મહત્વનો જિલ્લો છે. 
                 અલગ ગુજરાત રાજ્યના પ્રથમ પાટનગરનું ગૌરવ પ્રાપ્ત કરનાર અમદાવાદ શહેર એક જમાનામાં કાપડ મિલોથી ધમધમતું હતું અને સેકંડો લોકોની રોજગારીનું કેન્દ્ર હતું. તો આજે એ IIM , Nirma , NID, PRL જેવી સંસ્થાઓના કારણે વિશ્વવિખ્યાત છે.   અને તેથી જ અમદાવાદ જિલ્લો અન્ય જિલ્લાઓમાં વિશેષ દરજ્જો ધરાવે છે. ગુજરાતનાં આર્થિક , સામાજિક  તેમજ સાંસ્કૃતિક ક્ષ્રેત્રે અતિ મહત્વનુ સ્થાન ધરાવતો અમદાવાદ જિલ્લો ગુજરાતનાં લગભગ મધ્યમાં ગુજરાતનાં હદય સ્થાને આવેલો છે. અમદાવાદ જિલ્લાનું ક્ષેત્રફળ ૭૧૭૦ ચો. કિ. મી. છે અને જિલ્લાના તમામ ગામોમાં વર્ષોથી વીજ સુવિધા ઉપલબ્ધ છે. સ્થાનિક સ્વરાજની દ્રષ્ટિએ અમદાવાદ જીલ્લામાં અમદાવાદ મહાનગર પાલિકા ઉપરાંત ૬ નગર પાલિકાઓ છે. 
           ઇતિહાસના કેટલાક તથ્યો અનુસાર ઇ.સ. ૧૪૧૧ માં અહેમદશાહ બાદશાહે અમદાવાદ શહેર વસાવેલ. શહેરની સીદી સૈયદની જાળી કોતરણી કામ માટે દુનિયાભરમાં જાણીતી બની છે. અમદાવાદ શહેરમાં ભદ્રનો કિલ્લો , સીદી સૈયદની જાળી , કાંકરીયા તળાવ, પતંગ મ્યુઝિયમ , સાબરમતી આશ્રમ, અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર , કર્ણ મુક્તેશ્વર મહાદેવ IIM , NIC , હઠીસીંગના દેરા, સ્વામી નારાયણ મંદિર , અડાલજની વાવ, કેલિકો મ્યુઝિયમ વગેરે તથા અમદાવાદ જીલ્લામાં લોથલ (હડપ્પન સંસ્કૃતિના અવશેષો ) , નળ સરોવર , ભીમનાથ મહાદેવ, સોલા વિધ્યાપીઠ , ધોળકા - ભીમનું રસોડુ, પાંડવ તળાવ, મલાવ તળાવ , કલિકુંડ વગેરે સ્થળો જોવાલાયક છે. 
  
ઉધોગો :- 

        ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે નોધપાત્ર પ્રગતિ કરી મહત્વની આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે. રાજ્યના આ ઔધોગિક વિકાસમાં ઓટોહબ ક્ષેત્રે અમદાવાદ જિલ્લાનું પ્રદાન ઉલ્લેખનીય છે. અમદાવાદનો ટેક્ષટાઇલ અને પાવરલૂમ ઉધોગ આજે પણ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદમા રેડિમેઈડ ગારમેંટસ , ડાઈઝ , જ્વેલરી, પ્લાસ્ટિક, ફાઉન્ડ્રી, ડાયમંડ પ્રોસેસિંગ , દવા જેવા ઉધોગ માટેના કલસ્ટરનો સુઆયોજિત વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે પાવરલુમ ટેક્ષટાઈલ , બાવળા - ધોળકા ખાતે રાઈસ મિલના ઉધોગ પણ નોંધપાત્ર છે. આમ સમગ્ર રાજ્યમાં અમદાવાદ જિલ્લો ઔધોગિક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે.
 
અમદાવાદ જિલ્લાના મહત્વના સ્થળો :- 

ધોળકા :- 

         પહેલા આ શહેર વિરાટનગર ના નામે ઓળખાતું અને પાંડવો અહીં ગુપ્ત વાસ દરમિયાન રહ્યા હતા તેમ લોકો કહે છે. પાંડવોની શાળા, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવ, મલાવ તળાવ વગેરે સ્થળો પ્રસિદ્ધ છે. 

લોથલ :- 

            ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા આ સ્થળનું પુરાતત્વની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. શરગ વાળા ગામ પાસે લોથલ નો ટેકરો હતો. આ ટેકરો ખોડવાથી જુના સમયનું નગર મળી આવ્યું. આ નગરમાં પુરાણા હાડપિંજર, માટી અને કાચના વાસણો, દાગીના અને રમકડાં વગેરે મળી આવ્યા છે. આ અવશેષો હિન્દુ ખીણની સંસ્કૃતિના અભ્યાસ માટે ખુબજ મહત્વના સાબિત થયા છે. 

આ પણ વાંચો :-





વિરમગામ :-  

          અમદાવાદ જિલ્લાનું બીજા નંબરનું શહેર વિરમદેવ વાઘેલાના નામ પરથી વિરમગામ નામ પડ્યું. અહીં સિદ્ધરાજની માતા મીનળદેવીએ મુનસર નામની તળાવ બંધાવ્યું હતું. 

નળ સરોવર :-    

          પંખી તીર્થ નળ સરોવર એ સમગ્ર ગુજરાતનું એક અગત્યનું વિહાર ધામ છે. શિયાળામાં દેશ વિદેશના હજારો પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને ઉતરી આવે છે. તેમાં 300 જેટલા નાનાં મોટાં ટાપુઓ પણ આવેલા છે.
 
વૌઠાનો મેળો :-  

            કારતક સુદપૂનમના રોજ ભરાતો વૌઠાનો મેળો  ગધેડા - ઊંટના વેચાણ માટે ખાસ જાણીતો છે. સાત નદીઓના સંગમના આ સ્થળે  હજારો લોકો શણગારેલા ગાડાં ભરી ભરીને આવે છે. 

કાંકરિયા તળાવ :-  

          સુલતાન કુતબુદિને આ તળાવ 1451 માં બંધાવ્યું હતું. ભૂતકાળમાં આ તળાવ હોજ - એ - કુતુબ તરીકે ઓળખાતું હતું. આ તળાવને 34 ખૂણા છે. તેની મધ્યમાં નગીનાં વાડી છે. પાણી ભરાયેલા કાંકરીયામાં નૌકા વિહારની મઝા માણી શકાય છે. કાંકરિયા કાર્નિવલે શહેરીજનોમાં વિહારનું એક નવું પરિણામ ઉમેર્યું છે. દર વર્ષે કાંકરિયા કિનારે કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. તેમાં શહેરીજનો ઉત્સાહભેર સહભાગી બને છે.
 
ભદ્રનો કિલ્લો :- 
 
               આ એક ઐતિહાસિક કિલ્લો છે. મોટા ભાગની જગ્યાએ હવે તેનું અસ્તિત્વ નથી તેમ છતાં ભદ્રકાળી માતાના મંદિર પાસે કિલ્લાનો એક નાનકડો ભાગ પ્રતીક રૂપ છે. કિલ્લાના કેટલાક દરવાજાનું હજુ પણ અસ્તિત્વ છે તે પરથી તેની ભવ્યતાનો ખ્યાલ આવે છે. 

સીદી સૈયદની જાળી :- 
  
              અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ વિશ્વ વિખ્યાત જાળી 1572 માં અહમદશાહ બાદશાહના સીદી સૈયદે બંધાવી હતી. પથ્થરમાં અત્યંત ઝીણું કોતરકામ હોવાથી વિશ્વ વિખ્યાત છે.
 
હઠીસિંહના દેરા :- 
  
       અમદાવાદમાં દિલ્લી દરવાજા બહારના વિસ્તારમાં આવેલા આ જૈન મંદિરોને 1808 માં હઠીસિંહ કેસરિસિંહ શેઠે બંધાવ્યા હતા. આરસપહાણ ના સુંદર દેરાઓનો સમૂહ છે. મુખ્ય મંદિર શ્રી ધર્મનાથનું છે અને તે 50 મીટર લાબું અને 40 મીટર પહોળું છે. તેની આજુબાજુ બાવન જીનાલયો છે.
 
જુમ્મા મસ્જિદ :-  

            ગાંધીરોડ પર આવેલી જુમ્મા મસ્જિદ 1423 માં બાદશાહ અહમદશાહે બંધાવેલી છે. ભારતની વિશાળ મસ્જિદોમાંની આ એક મસ્જિદ છે. 

અમદાવાદની રથયાત્રા :- 

         એક અનેરો ઉત્સવ :-  વર્ષોની ધાર્મિક સાંસ્કૃતિક પરમ્પરા  બાદ અમદાવાદની રથયાત્રાએ દેશ વિદેશમાં નામના મેળવી છે. જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગદીશના મંદિરેથી સવારે ભગવાન જગન્નાથ , બંધુ બલરામ તેમની ભગિની  સુભદ્રાની મૂર્તિઓ સાથે ભક્તોની ભીડ વચ્ચે હાથી અખાડા ટ્રક સાથે , ભારે સાંજ સજાવટ ,ઠાઠ માઠ થી નીકળતી આ રથયાત્રામાં નગરના લાખો લોકો શ્રધ્ધાથી સામેલ થાય છે. હેપી બર્થડે અમદાવાદ :-  એક સસલાથી કૂતરું ગભરાય ખરું? 
    હા અમદાવાદની ખમીરીને ઉજાગર કરતી દંતકથા સાંભળીયે તો સસલાને સલામ કરવી પડે , અને કુતરાના શાણપણ ને સ્વીકારવું પડે.
"જબ કુત્તે પે સસ્સા આયા .... તબ બાદશાહને નગર બસાયા " આ  શહેરની સ્થાપનાને સાંકળતી દંતકથા છે. પરંતુ તેમાં ભારોભાર ખુમારી અને સાહસિકતા નીતરે છે.અમદાવાદ શહેરની સ્થાપના 26 ફેબ્રુઆરી, 1411 ગણી શકાય, સ્થાપના કાળ, સમય કે તારીખમાં કદાચ ગુંચવણ હોઈ શકે. પરંતુ અમદાવાદી ઓના સ્વભાવ , દિલેરીમાં કે સાહસિકતામાં કોઈ ગુંચવણ નથી.          આ અવસરે અમદાવાદના ઇતિહાસ પર નજર કરીએ ....આજથી એક હજાર વર્ષ પૂર્વે આશાપલ્લી - આશાવલ નામના સમૃદ્ધ નગરનું અસ્તિત્વ હતું. આશા નામના ભિલોના રાજા ઉપરથી આશાવલ નામ પડ્યું.
 
બગીચા :-  

            આ શહેરનું બહુ મોટું જમા પાસું એટલે અમદાવાદના બગીચાઓ. અહીંના સૌંદર્યને જાળવવા દૂર દૂરના પ્રદેશના સુંદર વૃક્ષો અને ફૂલો ઉછેરમાં આવ્યા હતા. બાગ બગીચા અને ફળફૂલોના વિકાસમાં બાદશાહોએ ખૂબ રસ લીધો હતો. આજની અમદાવાદની ફુલગલી તેની પ્રાચીન પરંપરાનું જીવંત ઉદાહરણ છે. મીરાતે અહમદી માં દર્શાવ્યા પ્રમાણે બાદશાહી સમયમાં અહીં રસ્તાની બંને બાજુ મોટા છાંયા વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા. અમદાવાદની મુલાકાતે આવનાર પરદેશી મુસાફરો એડવર્ડ ટેરી, સર ટોમસ હર્બટ, વગેરેએ અમદાવાદના શાહી બગીચાઓના ભરપેટ વખાણ કર્યા છે. પર્યાવરણની જાળવણી અને શહેરની સુંદરતા માટે અમદાવાદમાં બાગે નગીનાં, શાહવાડી, બાગ ફિરદોશ, બાગે શાયબા, હરડેબાગ, જીતબાગ, ગુલાબબાગ, રૂસ્તમબાગ, શાહીબાગ વગેરે વિકસાવવામાં આવ્યા હતા. અમદાવાદ એક સુંદર ઉપવન જેવું દિસતું હતું. 
         એમ કહેવાય છે કે અમદાવાદમાં બે ભાગ છે ..... ભૌગોલિક રીતે નહીં પણ વિશેષતાની દ્રષ્ટિએ બે ભાગ કહી શકાય. અમદાવાદીઓ રડતા નહિ પણ લડતાં જાણે છે.
 
પોળો :- 

               જગતના વસવાટના ઇતિહાસમાં અદ્વિતીય વસવાટનું કોઈ સ્વરૂપ હોય તો તે છે અમદાવાદની પોળો. વિદેશી નગર આયોજનના અભ્યાસીઓ માટે પોળ ધ્યાનાકર્ષક સંશોધનનો વિષય છે. સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું પ્રતીક એટલે પોળો. અમદાવાદની પ્રથમ પોળ એટલે માણેકચોકમાં આવેલી મુહૂર્ત પોળ. કુટુંબ કે વ્યવસાયના સમૂહ મુજબ પોળોનો વસવાટ વધ્યો. દા. ત. સોનીઓનો સમૂહ સોનીની પોળ તરીકે ઓળખાયો. કંસારાઓનો સમૂહ કંસારાની પોળ તરીકે ઓળખાયો. ખડકી અને ડહેલુ એ પોળના અભિન્ન અંગ છે. આ પોળ એટલે ગીચતા નહિ પણ બે ઘર વચ્ચેનો ગાઢ સંબંધ.
 
પોળની કેટલીક વિશેષતાઓ :-

  પીઢીયા-પાટડીના બાંધકામો, નકશીવાળા દરવાજા, કલાત્મક ઝરૂખા તે તો પોળ સ્થાપત્યની આગવી ઓળખ છે. અમદાવાદમાં અંદાજે 360 પોળ આવેલી છે. લાકડાની બરસાખ, જાળીવાળા અને સળિયાવાળા દરવાજા ખાસ કલાત્મક થાભલાઓ કે જેના પર પક્ષીઓ, પ્રાણીઓ કે માનવ આકૃતિઓ કંડારવામાં આવી હોય. 
                પોળ એટલે પાડોશી જ નજીકનો સગો. દરવાજે દરવાજે દિલેરી, મહોલ્લે મહોલ્લે માનવતા,  ગલ્લીએ ગલ્લીએ ગમ્મત અને પોળે પોળે પ્રેમ એટલે પોળની સંસ્કૃતિ. અમદાવાદમા આજે પણ ગુજરાતનાં ગામડા ધબકી રહ્યા છે. બાપુનગરમાં કાઠિયાવાડી કલ્ચર જોવા મળે છે. નરોડામાં સાબરકાંઠાનો રણકો છે. રાણીપ, ચાંદલોડીયા , ઘાટલોડીયા જેવા વિસ્તારમાં  ઉત્તર ગુજરાતની છાંટ જોવા મળે છે. બાર ગાઉંએ બોલી બદલાય એ વાત સામાન્ય છે પરંતુ જો અમદાવાદનો અભ્યાસ કરવામાં આવે તો મેગા સિટી ના મિજાજમાં જીવતા આ શહેરમાં દર બે કિલોમીટરે ગુજરાતનાં જુદા જુદા દેશો અને બોલીઓનો અનુભવ થાય છે. બહુ સ્વાભાવિક છે કે આજીવિકા માટે લોકો ગામડાઓમાંથી શહેર તરફ પ્રયાણ કરે  ત્યારે ગ્રામ્ય ભાષા શહેરોમાં સાંભળવા મળે , પરંતુ અમદાવાદનાં ચોક્કસ વિસ્તારોમાં ગુજરાતની ૨૭ થી વધુ ગુજરાતી બોલીઓ સાંભળવા મળે છે. જેમ કે બાપુનગર એટલે કાઠિયાવાડી બોલીનો ગઢ , રાણીપ એટલે મહેસાણા , નરોડા એટલે સાબરકાંઠાનો રણકો તો વળી મધ્યમાં વસતું જૂનું અમદાવાદ એટલે પોળની ટિપીકલ સ્ટાઈલ. 
            દેશની જ  નહીં પરંતુ વિશ્વની પ્રતિષ્ઠિત આઈ.આઈ.એમ. ના વિધ્યાર્થીઓ અમદાવાદની ચા ની  લારીવાળા પાસે વ્યવસ્થાપનના પાઠ શીખે તે જ પુરવાર કરે છે કે આઈ.આઈ.એમ. ના વિધ્યાર્થીઓનો મેનેજમેંટ પાવર સાચો પરંતુ ચા ની લારી કે પાનનાં  ગલ્લાવાળા અમદાવાદની કોઠાસૂઝ પણ એટલી જ સ્વીકૃત છે. ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં સૌથી  પ્રાચીન અમદાવાદ જિલ્લો હવે એકવીસમી સદીમાં વૈશ્વિક હરણફાળ ભરી ચૂક્યો છે. અમદાવાદ શહેર મેગાસિટીની સાથે સાથે હેરિટેજ સિટીની શ્રેણીમાં આવ્યું છે. વિશ્વના શ્રેષ્ઠ શહેરની હરોળમાં સ્થાન પામેલું આ શહેર દેશ વિદેશના મહેમાનોનું આતિથ્ય અદા કરી ચૂક્યું છે. ચીનના પ્રમુખ હોય કે જાપાનના વડાપ્રધાન હોય , કેનેડાના વડાપ્રધાન હોય કે લંડનના પ્રિન્સ હોય.. સૌને આ શહેરે આકાર્ષ્યા છે એટલું જ નહીં તેમના હદયમાં કાયમી સ્થાન પામ્યું છે. શહેર વચ્ચેથી પસાર થતી અને માત્ર ભૌગોલિક રીતે શહેરને બે ભાગમાં વહેચતી સાબરમતી નદીના કિનારે બનેલો રિવરફ્રન્ટ અમદાવાદને લંડન જેવા શહેરની લગોલગ લાવી શક્યો છે તો શહેરને કાંકરીયા તળાવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા સમર્થ છે. આંતરરાષ્ટ્રીય હવાઈ મથક , ધોલેરા બંધ  તથા દિલ્હી મુંબઈ સહિતના ગોલ્ડન ક્વોડ્રીલેટરલ નેશનલ હાઇવે દ્વારા હવાઈ રસ્તે, દરિયાઈ રસ્તે  તથા જમીન રસ્તે દેશ તથા દુનિયા સાથે જોડાયેલો અમદાવાદ જિલ્લો આવી ત્રણેય સગવડ ધરાવતો રાજ્યનો એક માત્ર અને દેશના પાંચ જિલ્લાઓમાનો એક છે.   

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।