બનાસકાંઠા જિલ્લાના જોવાલાયક સ્થળો

       બનાસ નદીના કિનારે વસેલો બનાસકાંઠા જિલ્લાનો પ્રદેશ ઘણો પ્રાચીન અને ઐતિહાસિક છે. હજારો વર્ષ પહેલા અહી દરિયો હતો. આ જીલ્લામાં ઘણા સ્થળોએ આવેલા પ્રાચીન અવશેષો એ બાબતની સાક્ષી પૂરે છે કે હજારો વર્ષ પહેલા પણ આ પ્રદેશમાં માનવ જીવન ધબકતું હતું. તેમજ આ પ્રદેશમાં ઘણી ઊથલપાથલ થઈ છે. આ આખો પ્રદેશ આનર્ત ના નામે ઓળખતો હતો. 

Nadabet Border


          હડપ્પા સંસ્કૃતિના સમયમાં આ પ્રદેશની બહુ જાહોજલાલી હતી. આ પ્રદેશમાં કેટલાક બંદરો ઉપરથી વિદેશો સાથે વ્યાપાર ચાલતો હતો આવા કેટલાક બંદરોના ઉલ્લેખમાં સૂઈગામ તાલુકાનાં  "બેણપ" ગામનો ઉલ્લેખ પણ જોવા મળે છે. બનાસની પશ્ચિમે એક સમયે સાગર પણ હતો. તે અંગે ભૂસ્તરશાસ્ત્રોના  અનેક સંશોધનો થયા છે. પણ સમયની થપાટે દરિયો આગળ ખસી ગયો એના અવશેષ રૂપે એક ખાડી પણ અહી મોજૂદ છે. એમાં ખારા પાણી ભરાયેલા રહે છે. 
                   બનાસના ઉત્તર પશ્ચિમ ભાગમાં રણ આવેલું છે. અંબાજી, આબુ, ચંદ્રાવતી વગેરે સ્થળો બહુજ પ્રાચીન સમયથી પ્રસિધ્ધ છે. થરાદનો જન્મકાળ સવંત ૧૦૧ નો છે. આ બધો પ્રદેશ રાજપુતાના તરીકે ઓળખાતો હતો. સોલંકી કાળમાં બનાસકાંઠાનો પ્રદેશ સોલંકીઓના હાથમાં આવ્યો. પૃથ્વીરાજ ચૌહાણના પતન  સાથે ચૌહાણો દિલ્લીથી આવીને થરાદમાં વસ્યા અને સિધ્ધરાજ  જયસિંહે તેમને એ પ્રદેશ આપ્યો. ચૌહાણોએ પાછળથી વાવ પરગણું વસાવ્યું. દેવાજીએ દિયોદર વસાવ્યું. વારાહીમાં પહેલા વાઘેલા રાજ કરતાં હતા. સાંતલપુર તાલુકામાં નાના રજવાડા હતા અને તેમાં રાજપુતો રાજ કરતાં હતા. 


શાયરો અને સાહીત્યકારોની ભૂમિ પાલનપુર :-  
 
              રાજા પ્રહલાદન પાલનપુર નગરના સ્થાપક હતા. આ રાજવી સંસ્કૃતના સારાં કવિ પણ હતા. શબ્દના પ્રખર સાધક એવા આ રાજવીની શબ્દ તપસ્યાના પુણ્ય પ્રતાપે જ કદાચ પાલનપુરની ધરતીમાંથી સાહિત્યરૂપી અનેક સરિતાઓ આજે પણ વહી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા શાયરો , સાહિત્યકારો , કવિ, અને લેખકોએ દેશ ભરમાં બનાસકાંઠા જિલ્લાનું  નામ રોશન કર્યું છે. 
          પાલનપુર શહેર અત્તરની બનાવટ માટે દેશભરમાં જાણીતું છે. સુંગધી નગરી તરીકે પ્રસિધ્ધ પાલનપુર શહેરની મધ્યમાં આવેલો  "કિર્તિસ્તંભ"  શહેરનું સોહામણું આભૂષણ છે. કિર્તિસ્થંભની પાસે જ  પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરનો પુરાણો ઇતિહાસ ભવ્યાતિભવ્ય છે. ગુજરાતનાં એક સમયના રાજાધિરાજ સિધ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર શહેરમાં થયો હતો. પાલનપુર શહેરની મધ્યમાં આવેલા પાતાળેશ્વર મહાદેવના મંદિર સાથે સિધ્ધરાજ જયસિંહનો પ્રસંગ સંકળાયેલો છે. બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમ આવેલા છે. 

દૂધ ઉત્પાદનમાં બનાસ ડેરી એશિયામાં નંબર વન :-  
                 કૃષિ મહોત્સવની ફલશ્રુતિ  રૂપે બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબરનું સ્થાન મેળવ્યું છે. આ અભિયાનને લીધેજ આ જીલ્લામાં કૃષિ સાથે પશુપાલન ક્ષેત્રમાં પણ વિક્રમજનક પ્રગતિ થઈ છે. પરિણામે પાલનપુર મુકામે આવેલી પ્રસિધ્ધ બનાસ ડેરી દૈનિક દૂધ ઉત્પાદનમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ નંબરનું ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. 
          બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો મબલખ દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. જિલ્લાના પશુપાલકો બનાસ ડેરીમાં દૈનિક સરેરાશ આશરે ૫૦ લાખ લિટર દૂધ ભરાવે છે. મબલખ દૂધ ઉત્પાદન થવાથી જિલ્લાના પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોધપાત્ર પ્રગતિ થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં જઈએ ત્યારે શ્વેતક્રાંતિથી આવેલી સમૃધ્ધિ અને સુખાકારી જોઈને આનંદ થાય છે. 

શિક્ષણમાં અગ્રેસર :-     
                 સરકારના સિક્ષણ માટેના  વિવિધ  સક્રિય અભિયાનોને લીધે બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા દોઢેક દાયકામા હરણફાળ વિકાસ કર્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં આ જિલ્લો હવે રાજ્ય કક્ષાએ અગ્ર હરોળમાં આવતો થયો છે. જીલ્લામાં પૂરતા પ્રમાણમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ , કોલેજો, આઈ.ટી.આઈ. , પોલીટેકનીક , એંજિનિયરિંગ કોલેજ , કૃષિ યુનિવર્સિટીની વિવિધ સ્કૂલો અને કોલેજો કાર્યરત છે. જેમાં વિધ્યાથીઓ ઉજ્વળ કારકિર્દીની ઘડતર કરી રહ્યા છે.
 
બનાસકાંઠા જિલ્લાને મેડિકલ કોલેજ મળી :-   
           ઘણા વર્ષોથી મેડિકલ કોલેજ મેળવવાની રાહ જોતાં લાખો બનાસવાસીઓનું સપનું હવે સાકાર થયું છે. પાલનપુર નજીક આવેલ મોરિયા પારપડા ખાતે ઓક્ટોબર માસમાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ૨૨ એકર જમીનના વિશાળ સંકુલમાં મેડિકલ કોલેજ સાથે ૭૦૦ બેડની અતિ આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ બનશે. જેનો લાભ બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સમગ્ર ઉતર ગુજરાત અને પાડોશી રાજ્ય રાજસ્થાન ને પણ મળશે. 

બોર્ડર પર BSF જવાનોને પીવાના પાણીની સુવિધા :-  
 
              ભારત - પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રાત-દિવસ , ગરમી , ઠંડી કે ગમે તેવા વાતાવરણમાં પોતાની જાનની પણ પરવા કર્યા વિના ખડેપગે આપના દેશની સીમાઓનું રક્ષણ કરે છે. બોર્ડર પર ગુજરાત સરકાર દ્વારા પાઇપલાઇન અને ટેન્કરથી રાજસ્થાનથી કચ્છ સરહદ સુધી 130 કિમી  લંબાઈમાં આવેલી BSF ની 31 ચોકીઓ ઉપર તૈનાત આપણા સુરક્ષા જવાનોને દૈનિક 4 લાખ લીટર પીવાનું પાણી આપવામાં આવે છે. સરહદ પરના જવાનોને આવી સુવિધા આપનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાને મળી અણમોલ ભેટ :-   

              જાન્યુઆરી - 2018 માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ઇઝરાયેલ ના વડાપ્રધાન શ્રી બેન્જામીન નેતન્યાહુ ગુજરાતની મુલાકાતે પધાર્યા ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી અને રણ વિસ્તાર સુઈગામ ને એક અનોખી ભેટ મળી છે. વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વોટર ડી સેલીનેશન પ્લાન્ટ ધરાવતી મોબાઈલ વાન બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારમાં ફરજ બજાવતા BSF ના જવાનો માટે લોકાર્પણ કરવામાં આવી છે. આ વાનની વિશેષતા એ છે કે દરિયાનું ખારું પાણી પ્રતિદિન 20000 લિટર અને તળાવનું કે નદીમાં વહેતા અશુદ્ધ 80000 લિટર પાણીને પ્રતિદિન શુદ્ધ કરે છે. 

સરહદ પર સીમા દર્શન કાર્યક્રમ :-  

            તા. 24 ડિસેમ્બર, 2016 થી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ નજીક આવેલ ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી હસ્તે સીમા દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રવાસન ને વેગ મળે અને લોકો આંતરરાષ્ટ્રીય સરહદ ને નિહાળી શકે તથા તેમનામાં રાષ્ટ્રપ્રેમના ગુણો સારી રીતે કેળવાય તેવા શુભ આશયથી  સીમા દર્શન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રવાસન નિગમ અને BSF ના સયુંકત ઉપક્રમે સીમા દર્શન કાર્યક્રમ યોજવામાં આવે છે. તે અંતર્ગત દર શનિવાર અને રવિવારે વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ આંતરરાષ્ટ્રીય બોર્ડરને નિહાળી શકે છે. 
         સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાન સીમા ક્ષેત્ર પ્રતિબંધિત વિસ્તાર હોવાથી સામાન્ય નાગરિકો જઈ શકતાં ન હતા પરંતુ હવે સીમાદર્શન કાર્યક્રમ અંતર્ગત નાગરિકો દેશની સરહદો નિહાળી શકે છે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સીમાદર્શન કાર્યક્રમ શરૂ થવાથી નાગરિકો BSF ની કાર્યપધ્ધતિથી પણ માહિતીગાર થાય છે. સીમાદર્શન કાર્યક્રમથી સરહદી  બનાસકાંઠા જીલ્લો  આર્થિક અને સામાજિક રીતે વધુ સક્ષમ બનશે તેમજ સમગ્ર વિશ્વના નકશામાં સુઈગામ તાલુકાની એક આગવી ઓળખ ઉભી થઈ છે.
 
જોવાલાયક સ્થળો :-  

              પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વર્ષે આશરે 2 કરોડ જેટલા માઇ ભક્તો દર્શનાર્થે આવે છે. તાત્કાલિક મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના માર્ગદર્શન  સૂચનાથી અંબાજી ખાતે 51 શક્તિપિઠોના  મંદિરોનું નિર્માણ થતાં હવે માઈભકતો દેશ વિદેશમાં આવેલી તમામ શક્તિપીઠો ના દર્શન અંબાજી જઈને કરી શકે છે. 

કુંભારીયા જૈન દેરાસર અંબાજી :- 

             અંબાજી થી બે ત્રણ કિમી ના અંતરે આવેલા કુંભારીયાના જૈન દેરાસરમાં ભગવાન નેમિનાથ, ભગવાન મહાવીર સ્વામી , ભગવાન પાશ્વનાથ, ભગવાન શાંતિનાથ અને ભગવાન સંભવનાથના પાંચ દેરાસરોના સમૂહ ધરાવતા મંદિર છે. 

પ્રાચીન અને પવિત્ર ધામ કોટેશ્વર મંદિર અંબાજી :-  

             પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી પાંચ કિમીના અંતરે આવેલું કોટેશ્વર મંદિર પૌરાણિક છે. આ સ્થાનનો મહિમા અનન્ય છે. અહીં સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન છે. અહીં વાલ્મિકી આશ્રમ આવેલો છે. રામાયણ લેખનનો પ્રારંભ અહીંથી જ થયાની માન્યતા છે. આ સ્થળ તપોભૂમિ ગણાય છે. અંબાજી મંદિરે જવાનું થાય ત્યારે આ સ્થળની મુલાકાત લેવા જેવી છે. 

પ્રાકૃતિક ધામ બાલારામ તા. પાલનપુર :-  

            ગુજરાત રાજ્યના કાશ્મીર તરીકે ઓળખાતું બાલારામ રમણીય સૌંદર્યધામ છે. આ સ્થળ પાલનપુરથી 15 કિમીના સ્થળે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં આવેલું આ સ્થાન યાત્રિકો માટે અનન્ય આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામની દંતકથા મુજબ પ્રાચીન કાળમાં દુષ્કાળની આફતમાં સ્થળાંતર સમયે ગીચ જંગલમાં પોતાના બાળકને ગુમાવી બેઠેલી માં ઘણા દિવસો પછી પાછી ફરે છે ત્યારે એજ સ્થળેથી પોતાનું બાળક હેમખેમ પાછું મળી આવતાં અને આટલા દિવસો સુધી બાળક બાલ ભગવાન પાસે સલામત હોવાનું જાણ્યા પછી આ સ્થળ બાલારામ તરીકે પ્રસિદ્ધ થયું. અહીં બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે આરસપહાણમાંથી કંડારાયેલા આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણાંમાંથી વહેતુ એક ઝરણું  આ મંદિરમાં ગૌમુખ વાટે સતત શિવલિંગ ઉપર જળાભિષેક કરી રહ્યું છે. અહીં પર્યટકો મોટી સંખ્યામાં આવતાં હોય છે. 

રીંછ અભ્યારણ્ય જાસોર હિલ તા. અમીરગઢ  :- 

               અમીરગઢ તાલુકામાં આવેલો જાસોર વિસ્તાર વન્ય સંપદાથી ભરપૂર છે. પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણવિદોને આકર્ષતો  અહીંનો પર્વતીય વિસ્તાર રીંછોના અભ્યારણ્ય તરીકે જાહેર થયેલો છે. અરવલ્લીની પર્વતમાળામાં આવેલા આ વિસ્તારમાં કેદારનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે. ડુક્કર ની પીઠ આકારનો જાસોર પર્વત 1067 મીટર ની ઊંચાઈ ધરાવે છે. કેદારનાથ મહાદેવનું મંદિર મહાભારત યુગનું છે. જાસોરની નજીક અમીરગઢની હદ પુરી થતાં ચંદ્રાવતી નામે પૌરાણિક નગરી હતી તેનાં ખંડેર જોવા મળે છે. જાસોરના રસ્તે બાલુન્દ્રા પાસે બનાસ નદીના કિનારે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ સ્થળે વન વિભાગ તરફથી રહેવા જમવાની સગવડ છે. અહીં ભરપૂર વન્ય સંપદા રીંછ, દીપડા, જંગલી બિલાડી, વરુ, ઝરખ, વાંદરા, સસલા, લોમડી, શિયાળ, નાર, નીલગાય જેવા વન્યપ્રાણીઓ તેમજ અનેક સરીસૃપ મુક્તપણે વિહાર કરે છે.
 
નડેશ્વરી માતાનું મંદિર નડાબેટ તા. સુઈગામ :-

          સુઈગામથી 20 કિમી દૂર જાલોયા ગામ પાસે સૈનિક છાવણીના સ્થળ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. અહીં BSF કેમ્પના જવાનો શ્રદ્ધાથી માતાજીની પૂજા કરે છે. એક દંતકથા મુજબ જૂનાગઢના રાજા રા' નવઘણે પોતાના વિશાલ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જહાલ ને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે માતાજીએ વિજયના આર્શીવાદ આપેલા. નડાબેટ એક ઐતિહાસિક બેટ છે. દર વર્ષે ચૈત્ર વદ નોમને દિવસે નડેશ્વરી માતાના પ્રાગણમાં મેળો ભરાય છે. હજારો ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે. 

આ પણ વાંચો :- 

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।