આણંદ જિલ્લાની સફર

         આણંદ જિલ્લો ચરોતર નામથી પણ પ્રખ્યાત છે. ગોલ્ડન લીફ તરીકે જાણીતો આ ચરોતર પ્રદેશ ગુજરાતમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતો પ્રદેશ છે. ચરોતર એટલે સોનામહોરોથી ભરેલો ચરુ પણ  છે. આણંદ જિલ્લાના વાસદથી શરૂ થતાં મહીં કાંઠા અને મહેમદાવાદ નજીકના વાત્રક કાંઠાની વચ્ચેનો પ્રદેશ ચરોતર કહેવાય છે, તેવો લૌકિક ખ્યાલ છે. આ પ્રદેશ ઘણો ફળદ્રુપ અને રળિયામણો તેને ચારુતર કહ્યો છે. 


ખંભાત અને તારાપુર તાલુકાના કેટલાક ગામોનો ભાલ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં આવેલી જગવિખ્યાત અમુલ ડેરી , એન. ડી.ડી.બી., ઈરમા સહિત વલ્લભવિદ્યાનગર ખાતે આવેલ વિવિધ શૈક્ષણિક સંકુલોને આજે આણંદ શ્વેત નગરી અને વિદ્યાનગરી તરીકે પણ ઓળખાય છે. 
               આણંદ જિલ્લામાંથી મહી, સરસ્વતી અને શેઢી નદી પસાર થાય છે. આણંદ જિલ્લામાં સરદાર પટેલ, ચારુસેટ અને કૃષિ યુનિવર્સિટી એમ ત્રણ યુનિવર્સિટી આવેલી છે. આણંદ ખાતે સ્થપાયેલી અમુલ ડેરી એ જિલ્લાનું ગૌરવ છે. દૂધના વ્યવસાયને વૈજ્ઞાનિક ધોરણે હાથ ધરીને આ ડેરીએ ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પગરણ માંડ્યા છે.  પશુપાલન દ્વારા ખેડૂતોને પૂરક આવક મેળવવાનું અમુલ ડેરી એક મહત્વનું પરિબળ બની રહ્યું છે. આજે તે અમુલ બ્રાન્ડના નામે જગવિખ્યાત બની ગઈ છે. 
        આણંદ જિલ્લામાં  લાભવેલ ખાતે આવેલ હનુમાનજી મંદિર, બોચાસણ ખાતેનું સ્વામિનારાયણ મંદિર, કૃષિ યુનિવર્સિટી, સરદાર પટેલ મેમોરિયલ, સરદાર પટેલ ગૃહ - કરમસદ, સૂર્યમંદિર - બોરસદ, ધુવારણ વિદ્યુત મથક, આશાપુરા માતાનું મંદિર - પીપળાવ, જલારામ મંદિર - ધર્મજ, જુમ્મા મસ્જિદ - ખંભાત, શહીદ સ્મારક - અડાસ દંતાળી આશ્રમ જોવાલાયક સ્થળો છે. 
       આણંદ જિલ્લામાં આવેલા કરમસદ ગામનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે. આ કર્મભૂમિના વીર પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના સ્વાતંત્ર સંગ્રામને દોર્યો અને સ્વાતંત્ર્યને સુરક્ષિત કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સને 1857 ના 31 મી ઓકટોબરના રોજ થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલે શરૂઆતની કેળવણી વતન કરમસદમાં લીધી હતી. સરદાર વલ્લભભાઈ પટેલનું વતન કરમસદ માં વીત્યું હતું. કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ગૃહ આવેલું છે. ઐતિહાસિક લડતની ભૂમિ તરીકે ઓળખાતું અડાસ ગામ વડોદરા - અમદાવાદ રેલવે લાઈન પર અડાસ રોડ સ્ટેશનની પશ્ચિમે બે ફ્લાગ દૂર આવેલું છે. આ લડતની ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. ઈ. સ. 1942 માં હિંદ છોડો આખરી સ્વાતંત્ર સંગ્રામમાં ભાગ લેનાર પાંચ નિર્દોષ યુવાનોને બ્રિટિશ સરકારની પોલીસે અડાસ રોડ સ્ટેશન નજીક ગોળીબારથી થાર કરેલા, તેમની સ્મૃતિમાં સ્મારક તરીકે તે સ્થળે ખેડા જિલ્લા રાષ્ટ્રીય મહાસભા સમિતિ તરફથી સ્મૃતિ સ્તંભ બનાવવામાં આવ્યો છે ત્યાં દર વર્ષે 18 મી ઓગસ્ટે સ્મૃતિ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. 
        પ્રાચીન ઈતિહાસની દ્રષ્ટિએ બોરસદ પણ મહત્વનું મથક છે. પેશ્વાના યુગમાં ગુજરાતમાં બોરસદનું સ્થાન અગત્યનું હતું. આ બોરસદ બ્રિટિશ યુગમાં સ્વતંત્ર લડતોમાં મોખરે રહ્યું હતું. આ રીતે બોચાસણ ગામ ભાદરણ - નડિયાદ અને વાસદ - કઠાણાં રેલ્વે લાઈન પરનું સ્ટેશન છે. રાષ્ટ્રીય ચળવળ વખતે આ ગામે અગ્રિમ ભાગ ભજવ્યો હતો. આ ગામમાં હૈડિયાવેરાની લડત દરમિયાન છાવણી રાખવામાં આવી હતી. જે ગામનાં લોકોએ મહેસૂલ નહીં આપવાનો નિર્ધાર કરીને બીજે ગામ માંડવા બાંધીને રહ્યા હતા. સ્વાતંત્ર્યના ઈતિહાસમાં બોરસદ તાલુકાનું રાસ ગામ આઝાદીની લડતમાં અગ્રેસર રહ્યું હતું. 
         ખંભાત પ્રાચીન બંદર તરીકે અને સ્તંભતીર્થના નામે અનેક પ્રવાસીઓના ભ્રમણ ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર તરીકે તથા એક પુરાણા પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. જ્યાં એક કાળે મોતી, પરવાળા વગેરે રત્નો તથા ખાસ કરીને કાપડની ગાસડીઓ ભરેલા વહાણો આ બંદરેથી દુનિયાની સફર કરી આવતા અને એટલે જ ખંભાત દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું. 
       આણંદ જિલ્લાએ દેશને અનેક મહાનુભાવોની ભેટ આપી છે. જેમાં ખાસ કરીને મહાન રાજદ્વારી મુત્સદ્દી શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, સાહિત્યકાર શ્રી ઈશ્વર પેટલીકર, અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ, વલ્લભવિદ્યાનગરના સર્જક શ્રી ભાઈલાલભાઈ પટેલ, મુક લોકસેવક રવિશંકર મહારાજ, શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વી. કુરિયન, એન.ડી.ડી.બી.ના ચેરપર્સન કુ. અમૃતાબેન પટેલનો સમાવેશ થાય છે.

● સોજીત્રા બંધાણી અને નાના ભીતચિત્રો :-  

માનવીને ભીંત ઉપર ચિત્ર કરવાની પ્રેરણા હજારો વર્ષથી મળી છે. હજારો વર્ષ પહેલાંની પાષાણયુગની ગુફાઓમાં ફ્રાન્સ, સ્પેન, આફ્રિકા, ચીન તેમજ ભારત જેવા દેશોમાં ભીંત પર ચિત્રો દોરવાની કળા સંસ્કારની નિશાનીઓ મળે છે.ભારતમાં અઢી હજાર વર્ષ પહેલાંની અજંતાની ગુફામાં બુદ્ધચરિત અને દ્રષ્ટાંતોના પ્રસંગો ભીંત પર દોરેલા મળે છે. આણંદ જિલ્લામાં સોજીત્રા બાંધણીના મેળાઓ કરમસદ પાટીદારોના મકાનમાં તેમજ બહારની ભીંત પર હજુ પણ ભીંતચિત્રો જોવા મળે છે. આ ઉપરાંત કરોલી વડતાલમાં પણ ભીંતચિત્રો રહ્યા છે. વૈષ્ણવ હવેલીઓ અને સ્વામિનારાયણ મંદિરોમાં પણ વર્ષો પહેલાના ચિત્રો તત્કાલિન સમયના પ્રતિબિંબો છે. આ ભીંતચિત્રો રેખાઓને આકૃતિમાં ઢાળી રંગો દ્વારા આકર્ષક બનાવવાના પ્રયાસો ગણી શકાય. 

● પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ બોચાસણ :- 

ઘસાઈને ઉજળા થવાનો જેમનો જીવનમંત્ર હતો તેવા પૂજ્ય રવિશંકર મહારાજને પાટણવાડિયા કોમના માટે જાત ઘસી નાખી. પૂજ્ય રવિશંકર મહારાજ ની સમાધિ બોચાસણ ખાતે આવેલી છે. 

● ખંભાત - તારાપુર, તારાપુર નો રાઈસ મિલ ઉધોગ :- 

બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન હોવા છતાં ગુજરાતીઓ દાળ-ભાત વગર અધુરા છે. ખંભાતના ચોખા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. ખંભાત અને તારાપુર વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. ખેડૂતો દ્વારા આપવામાં આવતી ડાંગરના મિલિંગ માટે ખંભાત અને તારાપુરમાં રાઈસ મિલો કાર્યરત છે. આણંદ જિલ્લામાં ખંભાત - તારાપુરનું રાઈસ મિલ ઉધોગ વર્ષે કરોડોનું ટર્ન ઓવર કરે છે. 

● પાવર સ્ટેશન, ધુવારણ :-

સ્વર્ગીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ 6 માર્ચ 1965 ના રોજ ધુવારણ વીજ મથકનું લોકાર્પણ કર્યું હતું.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 107 મેગાવોટના ગેસ આધારિત વિજમથકોનું 16 મી નવેમ્બર 2003 ના રોજ લોકાર્પણ કર્યું હતુ. રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસના ભાગરૂપે આ વિજમથકની મુલાકાત લે છે. 
       આમ શ્વેત નગરી અને વિદ્યાનગરી તરીકે ઓળખાતો આણંદ જિલ્લો ગુજરાતમાં ખૂબ મહત્વ ધરાવે છે. 

Post a Comment

0 Comments