તપોભૂમિ ભરુચ જિલ્લાની સફર

      મિત્રો આજે આપણે ભરુચ જિલ્લાની માહિતી મેળવીશું. ભરુચ જિલ્લાને તપોભૂમિ ના જિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. 



             પુણ્ય સલીલા મા નર્મદાની ગોદમાં વસેલા ભરુચ શહેર અને જિલ્લાના પાયામાં ભવ્ય ઈતિહાસ ભંડારાયેલો પડ્યો છે. ભૃગુઋષિની તપોભૂમિ ભૃગુતીર્થ આજનું ભરુચ બલિરાજાના સમયકાળ જેટલું પ્રાચીન અને ભગવાન વામનની અવતારી લીલાની યાદ તાજી કરાવે છે. 
            જૂના જમાનામાં મક્કાના બારા બાબુલ તરીકે જાણીતું હતું. મક્કા હજ કરવા જનારાઓ ભરૂચથી આવતા જતાં હોવાથી મુખ્ય વ્યાપારી કેન્દ્ર તરીકે વિકસિત થયું અને દ્રવિડ સંસ્કૃતિના સમયમાં ભૃગુકચ્છ બંદર તરીકે જાણીતું હતું. પાલી ભાષામાં લખાયેલી બૌદ્ધ જાતક કથાઓમાં પણ ભૃગુકચ્છ બંદરની વિખ્યાત જાહોજલાલીના ઉલ્લેખ મળે છે. 
          પૌરાણિક પરંપરા પ્રમાણે ભરૂચના આ પ્રાચીન પ્રદેશને ભૃગુઋષિઓ સાથે સાંકળવામાં આવે છે. ઇ.સ. પૂર્વે પાંચમા સૈકામાં લખાયેલ જાતકોમાં અને ત્યારબાદ મહાભારતના સભા પર્વમાં ભૃગુકચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. નર્મદાનાં બ્રાહ્મણો એમના પાંડિત્ય માટે પર પ્રાંતોમાં પણ પ્રખ્યાત હતાં. આરબ વેપારીઓ ભરુચ મારફત ગુજરાતમાં આવતા અને વેપાર કરતાં. અંગ્રેજો, વલંદાઓ વગેરે ભરૂચનું મહત્વ સ્વીકારી અહી પોતાની વેપારી કોઠીઓ પણ સ્થાપી હતી. સત્તરમાં સૈકાના ઉતરાર્ધમાં એ બબ્બે વાર લુટાયું પછી ઊભું થયું.  "ભાગ્યું ભાગ્યું તોય ભરુચ "  નામની કહેવત સર્જી ગયું. તા. ૨-૧૦-૧૯૯૭ ના રોજ તત્કાલિન ગુજરાત સરકારે રાજ્યના નવા જિલ્લાઓની રચના કરતાં ભરુચ જિલ્લાનો રાજપીપળા પ્રાંત નર્મદા જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યો. 
            કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર , છોટુભાઈ પુરાણી અને છોટે સરદાર ચંદુલાલ દેસાઈની જન્મભૂમિ એવાં ભરુચ શહેર - જિલ્લાના સર્વાગી વિકાસ માટે અવિરત પ્રયાસો થઈ રહ્યા છે અને વિકાસની ઘણી સારી સંભાવનાઓ છે. ભરુચ જિલ્લાને તમામ ક્ષેત્રે છેલ્લા એક વર્ષમાં પ્રગતિની હરણફાળ ભરી છે. જિલ્લાના વિકાસના મીઠા ફળ સામાન્ય જન સમુદાય સુધી પહોચ્યા છે. 
          ભરુચ જિલ્લો એ રાજયનું આર્થિક પાટનગર ગણાતા સુરત અને સંસ્કારી નગર વડોદરાની વચ્ચે તથા સરદાર સરોવર જેવી ભવ્ય યોજના લઈને ઉભેલા નર્મદા જિલ્લાનો પાડોશી જિલ્લો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ન- ૮ અને મુંબઈ - દિલ્હી વચ્ચેની બ્રોડગેજ રેલવે લાઇનના માર્ગમાં આવતો જિલ્લો છે. સાથે સાથે એશિયાની મોટી ઔધોગિક વસાહત અંકલેશ્વર , એશિયાનું મોટું કેમિકલ પોર્ટ , દહેજ અને ગુજરાતનાં અગ્રેસર ખાતરના કારખાના પૈકીનું જી.એન.એફ.સી. પણ ભરૂચમાં છે. 
         ગુજરાતની જીવાદોરી નર્મદા નદીના કાંઠે વસેલો ભરુચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔધોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારને અડીને આવેલો છે. ભરૂચ જિલ્લામાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી હરિયાળો પ્રદેશ જોવા મળે છે. ભરુચ જિલ્લો વનો અને નદીના કિનારાની આચ્છાદિત અને રમણીય ભૂમિના કારણે સુંદર લાગે છે. જિલ્લાનો ઈતિહાસ પ્રાચીન કાળથી તેની આગવી વિશિષ્ટતા ધરાવે છે , જેમાં મહાભારતના સમયે જિલ્લાના ઝઘડીયા અને વાલિયાના વન અને પર્વતીય વિસ્તારોમાં પાંડવોએ વનવાસ દરમ્યાન કેટલોક સમય ગાળ્યો હતો, તેવું પ્રાચીન શાસ્ત્રોમાં સમર્થન મળે છે. ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં ભરુચ જિલ્લાનું આગવું સ્થાન છે. જિલ્લાને પાવન કરતી આપણાં દેશની સાત મોટી નદીઓમાની એક ગણાતી પુણ્ય સલીલા નર્મદાનાં તટ પર આ જીલ્લામાં જેટલા તીર્થ અને મંદિરો છે, એટલા ગુજરાત ભરમાં ક્યાય નથી.  
           શિક્ષણ અને અને સંસ્કૃતિમાં પણ આ જિલ્લો મોખરે રહ્યો છે. વર્ષો પૂર્વે સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર પંડિત ઓમકારનાથ ઠાકુરથી ભરુચ ઉજળું છે, તો સાહિત્ય ક્ષેત્રે ડો. કનૈયાલાલ મુનશી અને સુંદરમ જેવા સાહિત્ય સ્વામીઓએ ભરૂચને અનોખુ ગૌરવ બક્ષ્યું છે. નર્મદા નદીના ઉત્તર કાંઠાનો પશ્ચિમ ભાગ  "ભારુકચ્છ" પ્રદેશ તરીકે ઓળખતો. એનું વડુમથક ભરુકચ્છ તરીકે ઓળખાતું , આગળ જતાં ભૃગુઓના વસવાટના વર્ચસ્વને લીધે આ નામ  " ભૃગુકચ્છ " પરીવર્તન પામ્યું.
 
💥 ભરૂચનું પ્રવાસન સૌંદર્ય : ભૃગુઋષિ આશ્રમ :- 

          પ્રાચીન સમયમાં ભૃગુઋષિ ૧૮ હજાર શિષ્યો સાથે ભૃગુકચ્છ આવ્યા હતાં. તેમણે માં નર્મદાનાં તટે આશ્રમ સ્થાપીને તપશ્વર્યા કરી હતી. તેમની સ્મૃતિમાં ભરુચ દાંડિયા બજાર ખાતે મંદિર બનાવવામાં આવ્યું છે. મરાઠા યુગમાં પેશ્વાના સમયમાં ભરૂચના કામદાર ભાસ્કર રાવે બંધાવેલા આ મંદિરની શૈલી અદભુત છે. કહેવાય છે કે , ભૃગુઋષિએ નર્મદાનાં ઉતર કિનારે કાચબાની પીઠ પર આ નગર વસાવ્યું હતું. જે ભૃગુકચ્છ ના નામે ઓળખાયું.

💥 સંત કબીર મંદિર :- 

       સંત કબીરજીએ વી. સ. ૧૪૬૫ માં માં નર્મદા યાત્રા કરી એ સમયે ભરૂચની ભૂમિને પાવન કરી હતી. કબીરવડની સાથે સાથે કબીર મંદિર દ્વારા ભરૂચમાં કબીરજીની વેદાંતી વાણીને ભરૂચવાસીઓ આદરપૂર્વક નમન કરે છે. ભરુચ શહેરમાં આવેલા કબીર મંદિરની ભવ્યતા અને શાંત માહૌલ આહલાદક વાતાવરણ આપે છે.
  
💥 નર્મદા મૈયાનું મંદિર :- 

        ગુજરાતની જીવાદોરી સમી પુણ્ય સલીલા એટલે નર્મદા. પ્રાચીન ભરૂચની સંસ્કૃતિ નગરીને નર્મદા તટે ભૃગુઋષિએ વસાવેલી. નર્મદા નદીને ગંગા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે. માં નર્મદાનું ધાર્મિક મહાત્મ્ય વિશેષ છે. નર્મદાનાં દર્શન મોક્ષદાયક મનાય છે. અનેક તીર્થધામો માં નર્મદાનાં તટે આવેલા છે.
 
💥 નીલકંઠેશ્વર મહાદેવ :- 

         ભરુચ શહેરમાં નર્મદા નદીના કિનારે આવેલું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર ભરુચવાસીઓના શ્રધ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર નજીક જ હનુમાનજીની વિશાળ મુર્તિ ધરાવતું અન્ય મંદિર પણ છે. મંદિરથી સીધા નર્મદા તટે પહોચી શકાય તેવી વ્યવસ્થા છે. શ્રાવણ માસમાં અહી વિશેષ કાર્યક્રમો થાય છે. 

💥 કડિયા ડુંગર :- 

    મહાભારતકાળમાં  આ ભૂમિનો ઉલ્લેખ જોવા મળે છે. ભરૂચની પૂર્વે આવેલા આ વિસ્તારમાં જે તે સમયે હેડમ્બા નામની રાક્ષસીની બે દીકરીઓ હતી. હાટિકા અને તાડીકાના કબજામાં આ વિસ્તાર હતો. કાળક્રમે આ તાડીકાના વંશમાં હેડમ્બા જન્મી હતી. જેના લગ્ન ભીમ સાથે થયા હોવાની વાત મહાભારતમાં આલેખાયેલી છે. આ વાતની સાક્ષી પૂરતી ભીમ-હેડંબાના લગ્નની ચોરી અહી આવેલા કાડિયા ડુંગર પર આજે પણ હયાત છે. આ વિસ્તારમાં નજીક આવેલ સેલંબા ગામ પણ હેડંબાના અપભ્રંશથી પડ્યું હોવાનું મનાય છે. તો અહી સ્થિત પાંડુરી માતાનું સ્થાનક પણ પાંડવોની માતાનું સ્થાનક હોવાનું મનાઈ રહ્યું છે. ૧૦૦ થી ૧૨૫ ફૂટ ઊંચો કડીયો ડુંગર છે. આખો ડુંગર પથ્થરોની શિલાઓનો બનેલો છે. તેના ખડકોમાંથી કોતરેલી ગુફાઓમાં લેખ નજરે પડે છે. કેટલાક અક્ષરો બ્રાહ્મી લીપીના છે. ગુફાની ડાબી બાજુ પથ્થરો પર હાથી વાનરના રેખાચિત્રો જોવા મળે છે. પથ્થરોમાંથી કોતરેલી ગુફાઓ સ્થાપત્યોના બેનમૂન નમુનાઓ છે.
 
💥 ગુમાનદેવ :- 

     ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ઉછેડીયા ગામમાં હનુમાનજીનું પ્રસિધ્ધ ગુમાનદેવનું મંદિર આવેલું છે. મંદિરમાં હનુમાનજીની ઘડયા વગરની મોટા કદની મુર્તિ છે. ભરૂચથી ૯ કિમી દૂર આવેલું છે. આ મંદિર આસ્થાનું કેન્દ્ર છે. ઉત્તરે નર્મદા અને પશ્ચિમે કાવેરી નદી આવેલી છે. 

💥 શુક્લતીર્થ :- 

     નર્મદા નદી કિનારે આવેલા તીર્થધામો પૈકી એક શુક્લતીર્થ મહાદેવનું મંદિર પ્રાચીન છે. અર્ધચંદ્રાકાર વહેતી નર્મદાનાં પ્રગાઢ પ્રવાહ ભાવિક ભક્તોને આત્મીયતાની અનુભૂતિ કરાવે છે. અગ્નિહોત્રી અને સામવેદી વિદ્વાન બ્રાહ્મણોની કર્મભૂમિ એવાં આ શુક્લતીર્થની ખ્યાતિ સમગ્ર ભારતમાં હતી. કાર્તિક પુર્ણિમાએ મેળો ભરાય છે. અહી નર્મદા નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે.
 
💥 કબીરવડ :- 

     સંત કબીર સાથે સંકળાયેલું આ ક્ષેત્ર ભાવિકોનું અનેરું માહાત્મ્ય ધરાવે છે. એક માન્યતા પ્રમાણે નર્મદા નદી કિનારે વિહાર કરતાં કબીરજી સવંત  ૧૪૬૫ માં મંગલેશ્વર વિસ્તારમાં આવેલા. તેઓ અહી રોકાયા હતાં. તેમના સમયનો મહાકાય વડ અહી છે. ચારેબાજુ નર્મદા નદીના મધ્યમાં આવેલા આ વટવૃક્ષના મૂળ થડ કયું છે તે નક્કી કરવું મુશ્કેલ છે. ભરૂચથી ૧૮ કિમીના અંતરે નર્મદા અલૌકિક પ્રવાહની વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત પ્રવાસીઓ માટે આનંદદાયક છે. નર્મદા નદીએ ધસારા અને નિક્ષેપણ દ્વારા અનેક સુંદર બેટનું નિર્માણ કર્યું છે. આલિયા બેટ એ નર્મદાનાં સુંદર બેટમાનો એક બેટ છે. ૭૫ થી ૯૦ સે.મી. લંબાઈવાળા હલેસા જેવા પગ ધરાવતા દરિયાઈ કાચબા અહી ઈંડા મૂકવા આવે છે. 

આ પણ વાંચો :- 

 આમ ભરુચ જિલ્લો એ ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ તીર્થધામનો જિલ્લો છે. અહી દેશ વિદેશમાંથી અનેક પ્રવાસીઓ અહીના રમણીય સ્થળો જોવા માટે આવે છે. 

Post a Comment

0 Comments