આ જિલ્લો ૫૫૦ વર્ષનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. ડોલોમાઇટ પથ્થર સહિત બીજા ઘણાં પ્રાકૃતિક સંશાધનોનો ભંડાર ધરાવતા અને ઓરસંગ નદીના પશ્ચિમ કિનારે વસેલા છોટાઉદેપુરની સ્થાપનાનો ઈતિહાસ ચાંપાનેર - પાવાગઢના રાજા પતઈરાજા જયસિંહના શાસન સાથે સંકળાયેલો છે. તો આવો આદિવાસી સંસ્કૃતિ અને વનસંપદાને સંગ્રહીને બેઠેલા છોટાઉદેપુર વિશે વધુ જાણીએ .....
ઈતિહાસ :-
સમય અને સંજોગો આ જગતને સર્જ્યુ છે અને લોપ્યું છે. ભૂતકાળે અનેક રાજ્યો - મહારાજયોનું સર્જન - વિસર્જન કર્યું. ઈતિહાસે આ પ્રક્રિયાની તવારીખ રચી છે અને આપણને નજરાણારૂપે અર્પી છે. આવું નયનરમ્ય નજરાણું એટલે છોટાઉદેપુર નગર. ઈતિહાસે કરવટ બદલી અને ૧૫ મી ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો.
અઢારમાં સૈકાના પ્રારંભમાં ઓરસંગના કિનારે છોટાઉદેપુરની રચનાનું સ્વપ્ન સાકાર થયું. આજુબાજુની વગડાઉ વનરાઈ અને ડુંગરાઓ ગુજરાતનાં પૂર્વ દરવાજાના કિલ્લાઓ બન્યા અને ભૂતકાલીન ભારતની શૌર્યગાથામાં જેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત છે, તે દિલ્હીપતિ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ અને પાવાગઢપતિ પતાઈ રાવળના શૌર્યાંકિત રક્તના વારસદારોનું શાસન આરંભાયુ. આ નગરના વસવાટ પૂર્વેનો ઈતિહાસ એવું દર્શાવે છે કે મહંમદ બેગડાએ જ્યારે ચાંપાનેર જીત્યું ત્યારે પતાઈ રાવળનો મોટો પુત્ર ચાંપાનેરથી નાસી છૂટ્યો અને નર્મદાનાં જમણા કિનારે આવેલ હાંફમાં (હાલનુ હાફેશ્વર) સ્થિર થયો. તેના વંશજોએ કાળક્રમે પરિસ્થિતિનો લાભ લઈને રાજ્ય વિસ્તાર્યું અને કવાંટ પાસે મોહન નામના સ્થળે રાજધાની સ્થાપી. મોહનના ખંડેરો આજે પણ ઐતિહાસિક પુરાવાના પ્રતિકરૂપે અસ્તિત્વ ધરાવે છે. અઢારમી સદીના આરંભમાં વિલોપાતી મોગલ સત્તાના સમય દરમિયાન રાજધાની મોહનથી ૨૦ માઈલ દૂર ઓરના કિનારે તેના વિવિધ વિકાસની ક્ષિતિજો વિસ્તારી રહ્યું છે.
ઇ.સ. ૧૮૨૦ માં છોટાઉદેપુર રાજ્ય બ્રિટિશ સરકારને તબદીલ થયું તે પહેલા ગાયકવાડ રાજ્યની ખંડણી ભરતું હતું. તે જમાનામાં છોટાઉદેપુર રાજાને નવ તોપોની સલામી આપતી હતી. દેશી રજવાડાઓના વિલીનીકરણ પછી અહીના રાજવીને રૂપિયા બે લાખ બાર હજારનું સાલિયાણું મળતું હતું.
ઓરસંગ નદીના કિનારે આ નગર વસેલ છે તે નદીનું પણ વિશેષ ઐતિહાસિક મહત્વ પ્રાપ્ત થાય છે. આ વિસ્તારના આભૂસણ સમી માંડળ અને માળવાના ભાભર ડુંગરના આમ્રકુંટમાંથી જન્મેલી લગભગ 80 માઇલની લંબાઈ ધરાવતી ઓરસંગ નદી ધાર્મિક માહાત્મ્ય પણ ધરાવે છે. ફાર્બસ સાહેબના પ્રવાસ વર્ણનમાં ઓરનો સંદર્ભ મહત્વનો બની રહે છે. વાયુ પુરાણમાં પ્રસિદ્ધિ પામેલ રેવારી સંગમ જેવુ મહત્વ ચાંદોદ પાસે સંગમ સાંધતી રેવા અને ઓરસંગનું છે. ઓરસંગને સ્થાનિક નાગરિકો ઓર તરીકે ઓળખે છે. જે દક્ષિણ ગંગાના નામે ઓળખાય છે, ઓરની બાજુમાં જ ગુપ્ત સરસ્વતી વહેતી હોવાનું પુરાણો કહે છે. એમ પણ કહેવાય છે કે , વ્યાસપુત્ર શુકદેવજીને ગર્ભમાં જ જ્ઞાન થયું હતું. જન્મતાની સાથે જ ઓર ભર્યા ચાલી નીકળ્યા , તેમની પછવાડે વીંટળાયેલી ઓરસંગ માંથી જે નદી ચાલી તે ઓરસંગ ગુજરાતમાં લગભગ બસો અઢીસો માઇલની ધરતીને ચેતનવંતી અને સોનાસમી રસીલી બનાવતી લોકમાતા રેવા યાને નર્મદા સાથે ઓરનું મિલન પૂરાણકારોએ ત્રિવેણી જેટલું જ પાવનકારી અને પુણ્યદાયી ગણાવ્યું છે. આટલું મહત્વ અને મહાત્મ્ય ધરાવતી ઓરસંગ જ છોટાઉદેપુર સર્વસ્વ છે એમ નથી. આ સિવાયના અન્ય કેટલાયે પાસા છોટાઉદેપુર માત્ર ગુજરાતમાં નહીં , ભારતના નકશા પર નોધનીય કેન્દ્ર બનાવે છે અને આ વિસ્તારની ખનીજ સંપતિ .
આ તાલુકાનાં કવાંટ પાસે આંબાડુંગરની મહામૂલી ખનીજ તીર્થભૂમિ આવેલી છે. જગપ્રસિદ્ધ ફ્લોરસ્પારનો વિપુલ જથ્થો અહીથી જ પ્રાપ્ત બન્યો છે. તેના શુદ્ધિકરણ માટે રિફાઇનરી કડીપાણીમાં છે.
આ સિવાય રંગપુર સઢલી , ઝેર , દેડી જેવા નજીકના વિસ્તારોમાં ડોલોમાઈટ, લાઈમસ્ટોન , જીપ્સમ અને સોફ્ટ સ્ટોનના ભંડાર ભર્યા છે. ગ્રેફાઇટ અને ગ્રીન માર્બલ પણ આ વિસ્તારનું મહત્વનુ પ્રદાન છે. કહેવાય છે કે વડોદરાના વિશાળ રાજમહેલો, શિક્ષણધામ સમી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવિધ કચેરીઓ અને અધિકારીઓનાં આવાસો આ વિસ્તારમાં જ મોતીપુરા અને સોનગીરના પથ્થરથી શોભે છે. વિપુલ ખનીજ સંપતિને અહીની વન સંપતિઓ સધિયારો પૂરો પાડ્યો છે. ઇમારતી લાકડું , કોલસા ઉપરાંત ગુંદર, લાખ , મહુડાનાં ફૂલ , ડોળો ખેરમાંથી બનતો કાથો , ટીમરુ, આસિત્રાના પાન ચારોળી તેમજ વન્ય ઔષધિયો છે.
સંસ્કારીનગરી તરીકે પંકાયેલ વડોદરા શહેરની મીની આવ્રુતિ એટલે છોટાઉદેપુર નગર. નગરની સુંદર બાંધણી, સ્વચ્છ રસ્તાઓ અને નગરની મધ્યમાં આવેલું કુસુમસાગર સૌનું ધ્યાન ખેચે છે.
નગરની આસપાસનો વિસ્તાર લીલી નાઘેરની યાદ અપાવે તેવો હરિસખો- પ્રકૃતિની ગોદ સમો છે. ઐતિહાસિક અને ધાર્મિક વારસાના પ્રતિક હાફેશ્વર ખાતે દેવહાંટના શિવાલયો આંગતુકો માટેનું અનેરું આકર્ષણ ધરાવે છે. ઓરના કિનારા પરનું વર્ષોપુરાણું જાગનાથ મહાદેવનું મંદિર શહેરની મધ્યમાં આવેલ કાલિમાતનું રાજમંદિર , ગંગનાથ મહાદેવનું મંદિર તેમજ ગાયત્રી મંદિર જોવા લાયક સ્થળોમાં ગણના પામે છે. પ્રિન્સ વિલા , ઓલ્ડ પેલેસ , રાણી બંગલો, કુસુમવિલાસ પેલેસ અને સેક્રેટરીએટ બિલ્ડીંગ વગેરે સ્થાપત્યના જીવંત ઉદાહરણો છે. નગરની મધ્યમાં સુંદર મજાનાં બે ઉધાનો આવેલા છે. મનોરંજન માટે બે ચિત્રઘરો પણ પોતાનું નિરાલું અસ્તિત્વ ધરાવે છે. એટલું જ નહીં નગરની આસપાસ પ્રકૃતિની ઉદારતાથી આકર્ષાઈને કેટલાય ચલચિત્ર નિર્માતાઓ અને નિર્દેશકોએ તેમના ચલચિત્રના શૂટિંગ માટે આ વિસ્તારનો મન મૂકીને ઉપયોગ કર્યો છે. દર શનિવારે ભરતા હાટનું તેમજ દશેરા અને હોળીના સમયે નગરમાં ભરાતાં મેળા અને એ મેળામાં મ્હાલતા આદિવાસી પ્રજાના આભૂષણો અને ઓઢણા તેમજ પાવાના મધુર સૂરો તેનું અનેરું આકર્ષણ બની રહે છે.
જોવાલાયક સ્થળો :-
ગુજરાત રાજ્યને ભારતભરમાં મહત્વનુ પ્રવાસન કેન્દ્ર બનાવીને માત્ર અને રાજ્યોને નહીં પરંતુ વિદેશના સહેલાણીઓ માટે ગુજરાતની અસ્મિતા તેમજ ગુજરાતનાં ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના મહત્વને દુનિયા સમક્ષ મૂકવાના રાજ્ય સરકારના છેલ્લા એક દાયકામાં વિશેષ સફળતા મેળવી છે
છોટાઉદેપુર જિલ્લામાં પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસાર્થે સારું આયોજન કરાયું છે. વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા પ્રવાસન અને યાત્રાધામ સ્થળો માટે પર્યાપ્ત માળખાકીય સુવિધાઓ સ્વચ્છ અને સુઘડ પ્રાથમિક સવલતો પ્રાપ્ત થાય તે માટે વિકસિત અર્થે વિકાસની કામગીરી સુઘડ કરવા માટે આયોજન કરાયું છે.
કવાંટ તાલુકાનું હાંફેશ્વર મંદિર અને કવાંટ ગેરનો મેળો, જેતપુર પાવી તાલુકાનું સુખી ડેમ અને વાઘેશ્વર , બોડેલી તાલુકાનું ઝંડ હનુમાન મંદિર , તરગોળ , ત્રાંબેકેશ્વર મંદિર , તાંદલજા તેમજ છોટાઉદેપુર તાલુકાનાં કેવડી (ઇકો ટુરિઝમ) , વાઘસ્થળ , જાગનાથ મંદિર , સંખેડા તાલુકાનાં સોનગીર - ઇન્દ્રલ વગેરે જોવાલાયક સ્થળો છે.
1 Comments
Saras
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।