અમરેલી જિલ્લાની સફર

મિત્રો આજે આપણે અમરેલી જિલ્લા વિષે માહિતી મેળવીશું. અમરેલી જિલ્લો એ ગુજરાતનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે.


    વડી અને ઠેબી નદીના કિનારે વસેલા અમરેલી નગરને ઇ.સ. છઠ્ઠી સદીના વલભીતામ્રપત્રમાં "આનુમંજી" કહ્યું છે. તો વલ્લભીના રાજા ધરસેન બીજાના સમયમાં તામ્રપત્રમાં "અંબ્રીલકા" ગામનો ઉલ્લેખ છે. જ્યારે શ્રી નગનાથ મહાદેવ મંદિરમાં ઇ.સ. ૧૮૧૭ ના શિલાલેખમાં  "અમરવલ્લી " અને ગીર્વાણવલી" તરીકેનો ઉલ્લેખ છે. ૨૦ થી ૨૭ અક્ષાંશ અને ૭૧ થી ૧૩ પૂર્વ રેખાંશ સૌરાષ્ટ્રની મધ્યે અમરેલી શહેર વસેલું છે.
સંશોધક અને વિવેચક શ્રી નરોત્તમ પલાણ અમરેલીનું મૂળ નામ અમરસ્થલી કે આમ્રપદ હોવાનું અનુમાન કરે છે. ખોદકામમાં પ્રાપ્ત થયેલા સિક્કાઓ સંખ્યા અને વૈવિધ્ય ઉભય દ્રષ્ટિએ અદ્વિતીય છે. અદ્વિતીય દાઢીવાળા ગ્રીકની આકૃતિવાળી માટીની તકતી નોધપાત્ર છે. સંભવ: આખા પશ્વિમ ભારતમાં  "વિક્રમ સવંત" નો પહેલો ઉપયોગ અમરેલીમાં થયો હતો. 
       અમરેલી શહેર નજીકના ગોહિલવાડ ટિંબા તરીકે ઓળખાતા ટેકરાળ વિસ્તારનું ઉત્ખનન કરતાં પ્રાચીન સિક્કાઓ, વાસણો , ઘરેણાં, ઈંટો, મુદ્રાઓ, ઘંટીના પથ્થરો મળી આવ્યા છે. જે મૌર્ય સમયના હોવાનું જણાયું છે. આમ, અમરેલી અતિ પ્રાચીન વસાહત હોવાનું જણાય છે 
        ચીન દેશનો એક પ્રાચીન સિક્કો મળી આવતા તેના આધારે ચીની યાત્રી હ્યુ-એન-ત્સંગ તેના સાક્ષીઓ સાથે અમરેલીમાંથી પસાર થયો હોય તેવું અનુમાન કરવામાં આવે છે. 
      વટ, વચન અને મર્દાનગી માટે સુખ્યાત કાઠી દરબારો જ્યાં રાજ કરતાં હતા તે પ્રદેશને કાઠીયાવાડ તરીકે ઓળખવામાં આવે છે. રાજાશાહી વખતે અમરેલીનો વહીવટ કાઠી દરબારના હાથમાં હતો અને તેમાં મુસ્લિમ સૈયદોએ ભાગ પડાવ્યો. આજે પણ અમરેલી શહેરના કસબા તરીકે ઓળખાતા વિસ્તારોમાં સૈયદો વસી રહ્યા છે તેની બરાબર બીજી બાજુ કાઠીઓ રહેતા હતા. આ ઉપરાંત અમરેલી જૂનાગઢનાં તત્કાલિન શાસકો, કાઠી દરબારો અને સૈયદો એમ જુદા - જુદા શાસકો વચ્ચે વહેચાયેલું હતું. 
       ઈતિહાસના પૃષ્ઠો પર નજર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ઇ.સ. ૧૭૩૦ માંથી દમોદરજી રાવે અમરેલી પર કબજો જમાવ્યો ત્યારથી અમરેલી ગાયકવાડી થાણું બની ગયું. ત્યાર બાદ અંગ્રેજો આવ્યા અને સૌરાષ્ટ્રમાં વોકર સેટલમેંટના નામે પગપેસારો કર્યો. 
         મહારાજા સયાજીરાવ ત્રીજાએ તે સમયે ફરજિયાત શિક્ષણનો પ્રથમ પ્રયોગ અમરેલીમાં કર્યો હતો. ત્યારબાદ ગાયકવાડના અન્ય શાસનપ્રદેશમાં ફરજિયાત શિક્ષણ અમલી કર્યું હતું આથી જ આજે પણ ૭૦ વર્ષથી વધુ વય ધરાવતા બુઝુર્ગો લખતા-વાંચતાં હોય તો ચોક્કસ સમજવું કે ગાયકવાડ રાજયમાં ઉછરેલા છે. 
    ' હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ ' ના રંગથી ઘેલું લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી , લોકકલાના - લોક સાહિત્યના વારસાના ભીષ્મ પિતામહ લોકકવિ એવા પદ્મશ્રી દુલા ભાયા કાગ , રે પંખીડા સુખેથી ચણજો કહેનાર રાજવી કવિ કલાપી , ઉત્તમ કવિ હંસ , ગુજરાતનાં સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા , વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાઘવજીભાઈ લેઉવા અને રાજ્યના મુખ્ય સચિવ રહી ચૂકેલા શ્રી પી.કે. લહેરી , વિશ્વ વિખ્યાત જાદુગર શ્રી કે. લાલ, છ અક્ષરનું  નામ  તરીકે ઓળખાતા આધુનિક કવિ રત્ન સ્વ. રમેશ પારેખ સપ્રસિધ્ધ ચિત્રકાર શ્રી તુફાનસા રફાઈ જેવા અનેક રત્નો આ ધરતીએ આપ્યા છે. કવિ કલાપી , કવિ શ્રી કાંતની ભૂમિ તરીકે અમરેલી સૌરાષ્ટ્ર - ગુજરાતના આગવું મહત્વ ધરાવે છે. 
      ઘૂઘવતો દરિયાકાંઠો , ગિરિકંદરાઓ અને વન વિસ્તાર એમ ત્રણ પ્રકારનું કુદરતી સૌંદર્ય ધરાવતો જિલ્લો અમરેલી છે. ગાયકવાડ, કાઠીયાવાડ , પાંચાળની ભોમકા , ગોહિલવાડ, બાબરિયાવાડ અને ગિરિકંદરાઓના સમન્વય સમો  અમરેલી જિલ્લો વિકાસનું એક નવું પરિણામ છે. ભૌગોલિક વિવિધતા છતાં ભાતીગળ અને એકતા - સદભાવના ધરાવે છે. વિશાળ દરિયાકાંઠો અને વનની વનરાઇઓ તથા સાવજની ડણકનો સંગમ ધરાવતા અમરેલી જિલ્લાની પ્રજા તેની ખુમારી માટે ખ્યાતનામ છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નભતો અમરેલી જિલ્લો કાઠીયાવાડ તરીકે ઓળખાય છે. 
જોવાલાયક સ્થળો :- ઐતિહાસિક :- અમરેલીનો ટાવર, રેલવે સ્ટેશન અમરેલી, કામનાથ ડેમ , કલાપી તીર્થ , ચાવંડ દરવાજો - લાઠી, શાહગૌરાં વાવ - લાઠી , પાંડવ કુંડ - બાબરા , વનવિહાર - મતિયાળા ફોરેસ્ટ બંગલો, ચાંચ બંગલો - રાજુલા. 
જન આસ્થાના સંસ્થાનો :- નાગનાથ મંદિર, જુમ્મા મસ્જિદ , જીવન મૂક્તેશ્વર મંદિર , કામનાથ મહાદેવ મંદિર , કૈલાશ મુક્તિધામ , દ્વારકાધીશ હવેલી, શ્રી ભોજલરામ ધામ - ફતેપુર, સ્વામિનારાયણ મંદિર અમરેલી અને નાના માચીયાળા, ગુરુદત મંદિર, મહાત્મા મુળદાસ બાપુની જગ્યા , વરૂડી માતાનું મંદિર - અમરપુર, સિદ્વીવિનાયક મંદિર , ભીમનાથ મહાદેવ. ભોળી આઈનું મંદિર - નાના માચીયાળા. આમ અમરેલી જીલ્લામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. 

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।