ભગતસિંહનું જીવન ચરિત્ર-Bhagatsinh Jivancharitra

મિત્રો આજે આપણે ભારતના ક્રાંતિકારી શહીદ ભગતસિંહના જીવનચરિત્ર વિશે માહિતી મેળવીશું. 


ભગતસિંહ નો જન્મ :-
        ભારતના ક્રાંતિકારી ભગતસિંહ નો જન્મ 27 સપ્ટેમ્બર, 1907 ના રોજ લાયલપુર જિલ્લાના બંગામાં થયો હતો. જે સ્થળ આજે પાકિસ્તાનમાં આવેલું છે. તેમના પિતાનું નામ કિશનસિંહ હતું અને માતાનું નામ વિદ્યાવતી હતું. તેઓ કરતાસિંહ સરાભા અને લાલા લજપતરાયથી ખૂબ પ્રભાવિત હતા. 
ઈંકલાબ ઝીંદાબાદનું સૂત્ર ભારતને ભેટ આપનારા ભગતસિંહનું નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 23 વર્ષની નાની વયે ભગતસિંહ હસતા હસતા ફાંસીને માંચડે ચડી ગયા હતા. ફાંસીએ ચડવામાં ભગતસિંહની સાથે રાજગુરુ તથા સુખદેવ હતા. આજના પાકિસ્તાનના લાહોર શહેરની મિયાવાલી જેલ જ્યાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને ફાંસી આપવામાં આવી હતી, તેનું આજે અસ્તિત્વ પણ રહ્યુ નથી. ભારતની આઝાદીની પાછળ પોતાનું જીવન સમર્પિત કરનારા વીર ભગતસિંહનું વ્યક્તિત્વ આકર્ષક હતું. ઊંચું કદ, ગૌર વર્ણ, ઝીણી પરંતુ ધારદાર આંખો ધરાવનારા ભગતસિંહને વાંચન તથા લેખનનો ખૂબ શોખ હતો. હિન્દી, ઉર્દુ, પંજાબ, સંસ્કૃત તથા અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હતું. તેઓ નિયમિત રૂપે પ્રભા(કાનપુર), મહારથી ( દિલ્હી),  તથા ચાંદ (અલ્હાબાદ) માં લેખ લખતા હતાં. 'કિરતી' નામના પંજાબી, અને ઉર્દૂમાં છાપનાર ક્રાંતિકારીઓની  માસિક પત્રિકામાં પણ લખતા હતાં. 
        ભગતસિંહના ટીખળી સ્વભાવનું સુંદર વર્ણન તેમના ક્રાંતિકારી મિત્ર શિવ વર્માએ તેમના પુસ્તક 'સંસ્મૃતિયા' માં કર્યું છે. તેઓ જેલમાં હોય કે પ્રખર યોજનાઓ ઘડી રહ્યા હોય પણ સદા આનંદમાં રહેતા. સમયને પારખીને ચાલવાની તેમનામાં કુનેહ હતી. ભગતસિંહનું કહેવું હતું કે 'અંગ્રેજોની ગુલામી વિરૂદ્ધ સંઘર્ષ એ તો યુદ્ધનું પ્રથમ પગલું છે છેલ્લી લડાઈ તો આપણે વિવિધ શોષણો વિરુદ્ધ જ લડવી પડશે.' લાલા લજપતરાય અંગ્રેજોની લાઠીઓના ભોગ બન્યા, ત્યારે ભગતસિંહનું લોહી ઉકળી ઉઠ્યું. દેશના અનેક યુવા ક્રાંતિકારીઓ સાથે મળીને તેમણે અંગ્રેજ સરકાર વિરુદ્ધ યોજનાઓ ઘડવા માંડી. બ્રિટિશ પોલીસ ઓફિસર સ્કોટના પ્રહારોથી લાલા લજપતરાયનું મૃત્યું થયું હોવાથી આ ઓફિસરને મારી નાખવાનું નક્કી થયું. તે માટે ભગતસિંહ, રાજગુરુ તથા ચંદ્ર શેખર આઝાદ ને નીમવામાં આવ્યા. અલબત્ત, તેમના બીજા એક સાથીદાર ને સ્કોટ ને ઓળખવાનું કામ સોંપાયું હતું. તેણે સ્કોટ ને બદલે જ્હોન સોડર્સ તરફ ઈશારો કરતા ભગતસિંહે એને ગોળી મારી. બ્રિટિશ પોલીસની ઘણી શોધખોળ છતાં લાહોરમાંથી પલાયન થઈ ગયેલા ક્રાંતિકારીઓનો પતો લાગ્યો નહિ. થોડા સમય પછી દિલ્હીની એસેમ્બલીમાં બૉમ્બ ફેકવાનું કાવતરું ક્રાંતિકારીઓ દ્વારા યોજવામાં આવ્યું. નિર્ધારિત યોજના મુજબ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હીની એસેમ્બલી માં બૉમ્બ ફેંક્યા. ધરપકડથી ડર્યા વિના તેઓ ત્યાંજ ઊભાં રહ્યાં. બંને ક્રાંતિકારીઓ અંગ્રેજ પોલીસને હાથે પકડાઈ ગયા. ભગતસિંહની તલાશી લેતા કમનસીબે એ રિવોલ્વર મળી આવી, જેના દ્વારા સોડર્સ ઉપર ગોળી ચલાવવામાં આવી હતી. આના આધારે સુખદેવ તથા રાજગુરુ ની પણ ધરપકડ કરવામાં આવી હતી. 
         ત્રણેય સાગરીતો પર મુકદમો ચાલ્યો જેને આજ સુધી વિવાદાસ્પદ ગણવામાં આવે છે. તેના પરિણામ રૂપે તેમને ફાંસીની સજા આપવામાં આવી અને 24 મી માર્ચ, 1931 નો દિવસ નક્કી થયો. આ સમાચારથી લોકોમાં ખળભળાટ મચી ગયો. હળતાલો અને દેખાવો યોજાયા. ભગતસિંહ અને તેમના સાથીઓની લોકપ્રિયતાથી ડરીને અંગ્રેજ સરકારે એક દિવસ વહેલા એટલે કે 23 મી માર્ચે સાંજે જ તેમને ગુપચુપ ફાંસીએ ચઢાવી દીધા. ભગતસિંહની નીડરતા અને દેશભક્તિથી પ્રેરાઈને તેમના મૃત્યુ બાદ ભારત દેશના યુવાનોમાં એક જાગૃતિ આવી. જેણે આપણા દેશની આઝાદી ઝડપથી મેળવવામાં મોટો ભાગ ભજવ્યો. 
    ભારત દેશના મહાન સુપુત્ર વીર શહીદ ભગતસિંહને આપણા બધાના કોટી કોટી વંદન.

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।