💥 મીનળ વાવ - વિરપુર :-
વિરપુર ગામની વચ્ચે આવેલી આ વાવ પૂર્વાભિમુખ, સીધા પગથિયાં અને એક જ પ્રવેશદ્વાર ધરાવતી વાવના પ્રકારની વાવ છે. કૂવાનો વ્યાસ ૫.૮૦ મીટર છે. આ વાવને નવ મંડપો છે. પ્રથમ મંડપ પાસે બંને બાજુની દીવાલમાં બે ગોખ છે. જેમાં પ્રતિમાઓ મૂકેલી છે. ગોખના સ્તંભો અને છજું અલંકૃત છે. જેમાં ચૈત્ય સુશોભન અને ફૂલવેલની કોતરણી દ્રષ્ટિગોચર થાય છે. આ વાવમાં કેટલાક લાક્ષણિક શિલ્પો પણ દ્રષ્ટિગોચર થાય છે. જેમાં ભૈરવ, શેષશાયી વિષ્ણુ વગેરે ગણાવી શકાય.
આ વાવ ઉત્તર દિશામાં આવેલી વઢવાણથી માધાવાવ અને દક્ષિણમાં વંથલી નજીક આવેલી રા' ખેગાર વાવની સાથે સામ્યતા ધરાવે છે. ગોખ ઉપરની જાલકભાત, છાજ અને હંસાવલીનું સુશોભન આ ત્રણેયમાં લગભગ સરખું જણાય છે.
આ વાવ પ્રખ્યાત સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ બંધાવેલી હોવાનું માનવામાં આવતું હોઈ તેનું નામ 'મીનળ વાવ' પડેલું જણાય છે. સ્થાપત્ય બાંધકામની દ્રષ્ટિએ આ વાવ ૧૩ મી શતાબ્દીના સમયની જણાય છે.
આ સ્મારકને ગુજરાત રાજ્યના રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવેલું છે.
💥 જામટાવર :-
રજવાડા સમયમાં બાંધવામાં આવેલું અનન્ય સ્થાપત્યોમાં રાજકોટના જામટાવરને ગણાવી શકાય તેમ છે. આ ટાવરનું બાંધકામ નવાનગર સ્ટેટ દ્વારા જામ વિભાજીના સમય ઈ.સ. ૧૮૮૭ માં કરવામાં આવેલું હતું. રાજકોટ આ સમય દરમિયાન સૌરાષ્ટ્રની બ્રિટિશ એજંસીનું મુખ્ય મથક હતું.
સ્થાપત્યની દ્રષ્ટિએ આ ટાવર ફોલોનિયલ સાથપત્યનો ઉત્તમ નમૂનો છે. આ ટાવર બાંધવાની પ્રેરણા મુંબઈના પ્રસિદ્ધ રાનીબાઈ ટાવર ઉપરથી લેવામાં આવેલી છે. ટાવરની નીચેની જગતિનું માપ આશરે ચારે તરફથી ૫.૩૫ મીટર છે. ટાવરની ઊંચાઈ આશરે ૨૫ મીટર જેટલી છે. ટાવરના ટોચના ભાગે મિનારા જેવી રચના કરાયેલી છે. જેમાં લોખંડની જાળીનો ઉપયોગ કરાયેલો છે. ટાવરની છત સુધી પહોચવા માટે અંદર પગથીયાની રચના કરેલી છે. આ ચોરસ તલમાન ધરાવતા ટાવરની ઉપરના ભાગે ચારે દિશામાં ઘડિયાળો આવેલી છે. જે હાલમાં બંધ હાલતમાં છે. ટાવરના બાંધકામમાં રેતીયો અને જગતિના ભાગે મીળમીંઢ પથ્થર વાપરવામાં આવેલો છે. ટાવરના પ્રવેશદ્વારની ઉપર અંગ્રેજમાં 'પ્રેસિડેંટ જામશ્રી રાવલ પોલિટિકલ એજંટ ઈ.સ. ૧૮૭૭' જેવુ લખાણ છે.
💥 શૈલગુફાઓ - ખંભલીડા :-
ગુજરાત અને સૌરાષ્ટ્રના ઐતિહાસિક યુગની શરૂઆત મૌર્યકાળથી થઈ જે અશોકના શિલાલેખથી પ્રમાણિત થાય છે. સમ્રાટ અશોક કે તેના વંશજોનો રાજ્યકાળ તો અહી લાંબો સમય રહ્યો, પણ તેમણે કરેલ બૌદ્ધ ધર્મનો પ્રચાર અહીથી મળેલ સ્તૂપો, ચૈત્યો, અને વિહારોનાં અવશેષોથી પ્રતિપાદિત થાય છે. બૌદ્ધ ધર્મને અનુસરતા અથવા તો આદર કરતાં ઘણા રાજકુળો અહી થયા તેમાં ક્ષત્રપવંશીય રાજાઓ જેમણે અનેક સ્તૂપો, ચૈત્યો અને વિહાર બંધાવ્યા. તે સમયગાળાનું એક રાજ્યરક્ષિત એવું સ્મારક રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં ખંભાલીડા ગામ પાસે વહેતા ઝરણાને કિનારે નમૂનેદાર શૈલ-ઉત્કીર્ણ ગુફા સ્થાપત્ય સ્વરૂપે આવેલું છે.
આ શૈલોત્કીર્ણ ગુફાઓનું જુથ પાંચ ઝૂમખાઓમાં આવેલું હોઈ બીજા ઝૂમખાની ગુફાઓ સૌથી મહત્વની છે. આ સંકુલની વચલી ગુફા ચૈત્યગુફાઓમાં જોવા મળતું નથી. ગુફના મુખ્ય દ્વાર પર ડાબી બાજુએ પદ્મપાણી અવલોકિતેશ્વર અને જમણી બાજુએ વજ્રપાણી નામના બોધિસત્વો વૃક્ષછાયા હેઠળ ભક્ત સમુદાય સાથે કંડારેલ છે. આ ચૈત્ય અંદરના ભાગેથી અર્ધવર્તુળાકાર છે અને એ ભાગમાં સ્તૂપો આવેલા છે.
💥 ઢાંકની ગુફાઓ :-
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનાં ગામ ઢાંકની પશ્ચિમે આવેલી નાની ટેકરીના પણ પશ્ચિમ ભાગે ગાળીમાં આવેલી કેટલીક શૈલ ઉત્કીર્ણ ગુફાઓ સ્પષ્ટપણે જૈન ગુફાઓ છે.
લગભગ ૭ x ૪ ફૂટની નાની પ્રથમ ગુફાની પ્રવેશદ્વાર સિવાયની ત્રણ બાજુ ૨૨ ઈંચની લંબાઈ-પહોળાઈ વાળો એકે-એક ગોખલો છે. દરેક ગોખલામાં કંડારેલી આદિનાથની પદ્માશનસ્થ દિગંબર પ્રતિમાઓના શિરોભાગે ત્રિછત્ર, નીચેની બંને બાજુઓ ઉપર એકેક ચામરવાહક અને ઊર્ધ્વભાગે બંને તરફ એકેક ઊડતો ગાંધર્વ પણ કોતરેલ છે.
આ ગુફાની જરા ઉત્તરે ઉપરના ભાગે ખડક ઉપર અલ્પમૂર્ત શિલ્પમાં કેટલીક પ્રતિમાઓ કંડારેલી છે. જે પૈકી આદિનાથ, શાંતિનાથ અને અંબિકા આદિ ઉલ્લેખનીય છે.
તીર્થકરોની દિગંબર પ્રતિમાઓની કંડારણીના લઢણના આધારે પ્રસ્તુત ગુફા સમૂહને ઇસુની ત્રીજી શતાબ્દી આસપાસની ગણી શકાય.
આમ , રાજકોટ જીલ્લામાં અનેક ગુફાઓ આવેલી છે જે જોવાલાયક છે. આવા સ્થાપત્યોને કારણે રાજકોટ જિલ્લો ગુજરાતમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।