અરબી સમુદ્રના કિનારે આવેલ સુરખાબ નગરી પોરબંદરની આગવી ઓળખ છે. પોરબંદર એ ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાજીની તપોભૂમિ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને યુવાનોના પથદર્શક સ્વામી શ્રી વિવેકાનંદજીની કર્મભૂમિ છે.
ખમીરવંતી, શૌર્યવાન છતાં સાદા અને નીતિવાન જીવન માટે સુપ્રસિદ્ધ એવી મેર જાતિ ઉપરાંત , ખારવા કોળી, લોહાણા, રબારી અને બરડાઇ બ્રાહ્મણની મુખ્ય વસ્તી ધરાવતા આ પ્રદેશનું લોકજીવન ભાતીગળ છે.
પોરબંદરને લગતા ઐતિહાસિક ઉલ્લેખો ઉત્તર કાલીન જોવા મળે છે. એનો જુનામાં જૂનો ઉલ્લેખ જામનગરના ભાણવડ તાલુકામાં આવેલ ઘૂમલીના ઈ.સ. 988 ના તુલ્ય કાલીન વર્ષના બાલ્કન દેવના તામ્રશાસનમાં જોવા મળે છે. એક બ્રાહ્મણને આપેલા તામ્રપત્રમાં પૌરવેલાકુલ એટલે કે પોરબંદરનો ઉલ્લેખ જોવા મળે છે. વાઘેલા સમયના ચાર ઉત્કીર્ણો પણ જોવા મળે છે. જેમાં 250 વર્ષનું અંતર જોવા મળે છે. ઋગ્વેદ અને ઉત્તર કાલીન વૈદિક સાહિત્યમાં પોરબંદરનો નામ પૂરતો પુર શબ્દનો ઉલ્લેખ છે. આમ પોરબંદર પ્રાચીન સમયનું હોવાનું અનુમાન થઈ શકે છે. પોરબંદરમાં દીર્ઘકાલીન શાસન કરનાર જેઠવા વંશ નવમા સૈકામા આવ્યા હોવાનું જણાય છે.
પોરબંદરથી આઠ માઈલ દૂર આવેલા શ્રીનગર ખાતે સૌપ્રથમ જેઠવા વંશના વંશજો સ્થાયી થયા બાદ સિમિત બરડો અને હાલારનો પણ કેટલોક ભાગ તેઓના શાસન હેઠળ હોવાનું કહેવાય છે. તેઓના સમયમાં સ્થાપત્ય , કલા અને સંસ્કૃતિનો સુવર્ણકાળ હોવાનું તે સમયના પ્રાપ્ય અવશેષોથી પુરવાર થાય છે.
જોવાલાયક સ્થળો :-
💥 ચાડેશ્વર મહાદેવનું મંદિર :-
9 મી સદીમાં આ મંદિર એની સાદી સંરચના અને વક્રીય શિખરને કારણે ગુજરાતનાં મંદિર સ્થાપત્યના વિકાસમાં એક સોપાન સમાન છે. ગર્ભગૃહના દ્વારશાખ પરનું અલંકરણ અને કુણીયા ઉપરના કિચક તેમજ સ્તંભ પરના વ્યાલમુખ, મંડપ અને ગર્ભગૃહની છત સપાટ અને અલંકૃત છે. મૈત્રક કાલ પછીના સ્થાપત્યનો આ નમૂનો છે.
💥 ધિંગેશ્વર મહાદેવનું મંદિર :-
ચોરસ ગર્ભગૃહવાળું સપાટ નીચી પીઠ પર ઊભેલું આ મંદિર 4-4-2-1 ની શ્રેણીવાળા ચૈત્યગવાક્ષના ચાર સ્તંભ ધરાવે છે. શિખરની અંતે ઝૂકેલી કાંગરી અને દતાવલી દર્શાવે છે કે મંદિર છઠ્ઠી શ્રેણીમાં બંધાયેલું છે. મંડપમાં સમયે સમયે ફેરફાર થયા હોવાનું જણાય છે. શિખર ઉપરનો કળશ પ્રમાણમાં વર્તમાન સમયનો છે. ઇ.સ. ની છઠ્ઠી સદીથી સાતમી સદીના ઉતરાર્ધ સુધી પ્રચલિત સૌરાષ્ટ્ર શ્રેણીના મંદિરનુ આ દ્રષ્ટાંત છે.
કોઠા મંદિર , બાલેજ (જુનામાં જૂનું બચેલું મંદિર ) :-
ઈ.સ. ની સાતમી સદીમાં બનેલું અહીનું જુનામાં જૂનું બચેલું આ મંદિર સ્થાનિક લોકોમાં રાંદલ માતાના મંદિર તરીકે જાણીતું છે. શિખરના નીચેના ભાગે હવાબારી જેવી ભાત એજ માત્ર એના મૂળ સ્વરૂપે જળવાયેલો ભાગ છે. પ્રદક્ષિણા પથ નથી. ત્રિબંધીય બારશાખના ઉપલા ભાગે વચ્ચે હારની ભાત અને બાહ્ય બાજુઓએ કમળની ભાત જોવા મળે છે. અંદરનો ભાગ ઘણો ખરો બદલાયેલો જણાય છે. મધ્યકાળના નિરીક્ષણ અર્થે વપરાતું હોવાથી આ મંદિરનુ નામ 'કોઠો' પડ્યું હોવાનું જણાય છે.
💥 નંદેશ્વર મહાદેવ , બોખીરા :-
સેંધવના સમયનું સ્મારક છે. સેંધવાના કાળનું આ મંદેશ્વર મંદિર અનેક સુધારાઓમાંથી પસાર થયેલું છે અને જૂથનું જુનામાં જૂનું સ્મારક છે. મોટેભાગે મંડળ , પરસાળ અને પ્રદક્ષિણાપથ ધરાવતું હતું. ગર્ભગૃહના ઉપરના ભાગે ચૈત્ય બારી અને ચક્રાકાર નાગર શૈલીનું શિખર પરનું જાળીકામ નોધપાત્ર અલંકરણ છે. મૈત્રકા પછી સેંધવાએ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 8 મી થી 10 મી સદી સુધી શાસન કર્યું હતું.
💥 શીવ મંદિર , બાલેજ :-
જીર્ણોદ્ધાર કરેલું શિખર ધરાવતાં આ પશ્ચિમાભિમુખ , સાદી બહારની દીવાલો ધરાવતું મંદિર 8 મી સદીનું છે. એની પરસાળના થાંભલા કીર્તિમુખ અને કિચકોથી અલંકૃત છે. અને છતમાની કમળની ભાત નોધપાત્ર છે. આ જ પ્રકારની છત ગર્ભગૃહમાં પણ જોવા મળે છે. હાલનુ શિખર એ પાછલા સમયનું ઉમેરણ છે.
💥 તોરણ , બાલેજ :-
સૌરાષ્ટ્રમાં એકમેવ - આ તોરણ સોલંકી યુગનું છે. એના સ્તંભોની ટોચે કિચકનું અલંકરણ છે, અન્યથા સાદું છે. કમાન ઉપર મહિષાસૂરમર્દીનીની પ્રતિમા અને એની બાજુમાં નાના શિખરોની કોતરણી એટલું નોધપાત્ર અલંકરણ છે. સૌરાષ્ટ્રમાં આ તોરણનું એકમાત્ર દ્રષ્ટાંત છે.
💥 પિથડ માતાનું મંદિર, બાલેજ :-
અજંતાની અસરવાળું 7 મી સદીનું પૂર્વાભિમુખ એવું આ મંદિર ગર્ભગૃહ, પ્રદક્ષિણા, મંડપ અને પરસાળ ધરાવે છે. દાંતવલી અને છતમાં ઢળતી કામરી સિવાય બહારી દીવાલો પર અન્ય કશું સુશોભન નથી. પિરામિડ પ્રકારના શિખરમાં ખૂબ ઊંડે, બચેલા ત્રણ સ્તરોમાં અનુક્રમે ચાર, ત્રણ અને બે એમ ખાસા અંતરે ગોઠવણી, પૂર્ણ વિકસિત કમળોની કોતરણી ધરાવતી હવાબારીની ભાત છે.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।