દીકરી વ્હાલ નો દરિયો

           ભારતીય સંસ્કૃતિમાં સમાજ જીવનમાં દીકરીનું સ્થાન વિશિષ્ટ છે. દીકરી વિનાનું ઘર , ઘર નહીં પણ સ્મશાન છે. આ ઉક્તિ જ દીકરીનું કુટુંબમાં મહત્વ પ્રસ્થાપિત કરે છે. ઘરના આંગણામાં ઉછરીને મહોરતી વેલ સરીખી દીકરી ઘરની આભા જ નહીં ઘરની વહાલ નીતરતી સૌમ્ય સરિતા છે. દીકરીના વહાલની સાચી કિંમત તો કન્યા વિદાય પછી જ સમજાય છે. "ઘરની ખુશી એટલે દીકરી" , "ઘરનું આભૂષણ એટલે દીકરી" પ્રસ્તુત પંક્તિમાં દીકરી ની મહતા પ્રસ્તુત કરે છે. 


કોઈકે સાચુજ કહ્યું છે કે આ સૃષ્ટિ પર માતાની મમતા અને દીકરી નું વહાલ અજોડ છે. જેમ માતાની મમતાનો કોઈ વિકલ્પ ન હોઈ શકે તે જ રીતે દીકરાના વહાલ ની તોલે કશું જ ન આવે એવું કહેવાય છે કે સર્જનહારે વ્હાલપના ભાવને મૂર્તિમંત સ્વરૂપ આપવા જ દીકરીનું સર્જન કર્યું છે. સમાજની પરંપરાઓ અને માન્યતાઓને કારણે દીકરીને ભલે પારકી થાપણ ઉપનામ આપ્યું હોય પરંતુ પારકાને પોતિકા કરવાની કળા તો કુદરતે કેવળ દીકરીમાં જ મૂકી છે. 
       કુટુંબ જીવન ના ખટમીઠા રસાયણોનો અર્ક એટલે દીકરી નું વહાલ. કોઇ કવિએ કહ્યું છે કે દીકરી તો સંબંધોની સરિતાને તટે પાંગરતું પરમાટ ભર્યું પવિત્ર પુષ્પ છે તો વળી કોઈકે તેને સંસાર રૂપી નભ મંડળમાં ટમકતી તારલી સાથે સરખાવે છે. દાદાના વહાલની દીવડી સમાન દીકરી ઘરનો ઉજાસ છે. ઘરની લક્ષ્મી છે. ખરેખર દીકરીરૂપી સાચી મૂડી વિનાનું ઘર કંગાલિયત ની નિશાની છે. કુટુંબ અને સમાજ જીવનના તાણાવાણામાં દીકરી અભેદ રીતે  ગૂંથાઈ જાય છે. ખરેખર એમ કહી શકાય કે દીકરી જ કુટુંબ અને મા-બાપની સાચી લાગણી સમજનારી સમર્થ તનયા છે.
       કુટુંબમાં નાના બાળકોની જેમ જો બધાને કોઈ વધારે વહાલું હોય તો તે માત્ર દીકરી જ છે. લોક કવિ ભીખુદાન ગઢવી તેમના એક લેખમાં જણાવે છે કે ભારતીય સંસ્કૃતિમાં સમર્પણ છે. ત્યાગ છે અને એવું જો ત્યાગનુ પાત્ર હોય તો તે દીકરી છે. કુટુંબ માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી નાખનાર દીકરી ખરેખર ધરતીની ધૂપસળી  છે. મા-બાપની હુંફ છે. આવી હૂંફ મા-બાપને કુટુંબને દીકરી જ આપી શકે છે. દીકરાઓ ધારે તો પણ ન આપી શકે કુદરતનો પક્ષપાત છે. વહાલ એક અનુભૂતિ છે તો દીકરી તેનું મૂર્તિમંત સ્વરૂપ છે. કુટુંબમાં તદાકાર થઈ જતી દીકરી માટે ચોક્કસ કહી શકાય કે હિંમતપૂર્વક અને તે પણ કસા શોર બકોર વગર પોતાના જન્મ દત વ્યક્તિત્વને મારી નાખવાનું કામ માત્ર દીકરી જ કરી શકે છે. દીકરીના વહાલની ઝાંખી અને ઝલક કન્યાવિદાય ટાણે જોવા મળે છે. દીકરીને સાસરે વળાવવાની વાત કોઈ પણ પિતા માટે નાની નથી હોતી પણ જ્યારે પિતા ખુદને એ ક્ષણમાંથી પસાર થવાનો આવે છે, ત્યારે એ ભાંગી પડે છે એ ક્ષણનો ભાર ઊંચકી શકે એવો સમર્થ પિતા પૃથ્વી પર ભાગ્યે જ હશે.
     દીકરી જેટલો પોતાના પરિવારજનોને પ્રેમ આપે છે. અડધી અડધી થઇ જાય છે. તેવું બીજુ કોઈ જ થતું નથી એવું લાગે છે કે ઈશ્વરે દીકરી ઘડીને કુટુંબ પર પરમ ઉપકાર કર્યો છે. વળી દીકરી નો પ્રેમ પ્રારંભથી અંત સુધી એટલો ને એટલો જ રહે છે. પરિવારજનો માટે તો તે પોતાની જાતને ચંદનની જેમ ઘસીને બીજાને સુખ શાંતિ આપે છે. દીકરી નો જીવન એટલે સ્મરણોની સુગંધ દીકરી પાસે ભાવિ જીવનના સ્વપ્નો હોય છે પણ ભાવિ જીવનના નકશા વિશે એ ખાસ વિચારતી નથી એ મા-બાપ પર છોડી દે છે.
          રામાયણના કથાકાર પરમ પૂજ્ય મોરારીબાપુ પણ કહે છે કે પુત્ર એ પિતાનું રૂપ છે પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે. પુત્રએ બાપનો હાથ છે પરંતુ દીકરી એ બાપનું હૈયું છે અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે પરંતુ વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે. સાચે જ દીકરી કુટુંબ માટે પોતાની જાતને ઘસી નાખે છે. પરિવાર પ્રત્યેનો તેનો આ નિર્વ્યાજ પ્રેમ અતુલનીય છે.
           સમાજે ક્યાંક દીકરીને સાપના ભારા સાથે સરખાવી છે. ક્યારેક તેને પારકી અનામત કહી છે પરંતુ ગમે તે કહો તેણે પોતાના કુટુંબને ક્યારેય પારકું માન્યુ નથી. એક વાત ચોક્કસ સોનાના પતરાપર લખી રાખવા જેવી છે કે દીકરી એ ઘરનું અજવાળું છે, ઘરની ચાંદની છે. દીકરીના સ્પર્શનો જાદૂ પણ જોવા જેવો છે તે પથ્થર ના નિર્જીવ કાંકરાને પણ પોતાના પારસ સ્પર્શથી જીવતા પાંચીકા બનાવી દે છે.
           કઠોરમાં કઠોર હૃદય ના માનવીને દીકરીના પ્રેમની કુમાસ ભીંજવે છે. અસહ્ય વેદના ને પણ સહન કરી આંખમાં સહેજ પણ આસું ન લાવનાર વ્યક્તિ પણ કન્યાવિદાયનું કોઈ ગીત માત્ર સાંભળે છે તો એ એની આંખમાં ઝળઝળીયા આવી જાય છે.
      દીકરીએ તો વહાલનો દરિયો છે. દરિયા સાથે દીકરીના વહાલની સરખામણી સર્વાંશે ઉચિત છે. દરિયા માટે કહેવાય છે કે જગની ખારાશ બધી ઉરમાં સમાવે તોય સાગર મીઠી વર્ષા વરસાવે ની જેમ દીકરી ક્યારેય કુટુંબમાં ફરિયાદ કરતી જોવા મળી નથી. કુટુંબ કે સાસરિયાની ખારાશને ઉર માં સમાવી તે તો સ્નેહની મીઠી સરવાણી વહેતી હોય છે. દરિયો કોઈ ભેદભાવ નથી રાખતો સૃષ્ટિના સમગ્ર જીવો માટે તેનું દરિયાદિલ હોય છે. તેવી જ રીતે પરિવારના પ્રત્યેક જણ માટે નો દીકરી નો પ્રેમ એક સમાન હોય છે. દરિયો જેમ કદી કોઈની પાસે કોઈ અપેક્ષા રાખતો નથી તેમ દીકરી નો વહાલ દીકરી નો પ્રેમ પણ કુટુંબ માટે નિરપેક્ષ જ હોય છે.  દીકરીનું વહાલ તો દરિયા કરતાં વધુ ચડિયાતું ગણાય છે કારણકે દરિયામાં ભરતી ઓટ આવે છે. દીકરીના વહાલના દરિયામાં હંમેશા વહાલની ભરતી જ હોય છે. કેટલાક દીકરીના વહાલને નહીં પામી શકનાર દીકરી ને ગમે ત્યાં પરણાવી દેનાર લાગણી શુન્ય મા- બાપો કદાચ ગમે તેટલા શ્રીમંત કે શિક્ષિત હોય તોપણ તે નિર્ધન છે.
        દીકરી સ્નેહનો સમંદર હોવા છતાં ક્યાંક ક્યાંક સમાજની અંધ માન્યતાઓનો દીકરી ભોગ બનતી પણ જોવા મળે છે. હજી આજે પણ કેટલાંક રૂઢિચુસ્ત સમાજ દીકરીને શા માટે દુઃખનો પાર સમજે છે તે સમજાતું નથી કહેવાની જરૂર નથી કે લોકોનું મગજ વિકૃતિ થી ભરેલું છે માટે તેઓ દીકરીના અવતારને પારખવામાં થાપ ખાય છે. કુટુંબ માટે મા-બાપ માટે સમય આવે દીકરી દીકરા જેવું જ કામ કરે છે અને બાપ ની આબરૂ જાળવે છે. એવું કહેવાય છે કે દીકરો બાપની ઘડપણની લાકડી છે પણ દિકરી તો મા-બાપ માટે સ્નેહનો અતૂટ સથવારો છે. દીકરો ક્યારેક મા-બાપને તરછોડે છે ભૂલે છે પણ દીકરી માટે મા બાપ તેનું સૌથી મોટું તીર્થધામ છે. સાસરે ગયેલી દીકરી ને જો મા-બાપની નાદુરસ્ત તબિયતના સમાચાર મળે કે તરત જ તે પળની પણ પરવા કર્યા વિના માવતર ની ખબર લેવા દોડી આવે છે. દીકરી બે કુળને તારે છે. પોતાનું કુટુંબ તો ખરૂ જ પણ મા-બાપના સંસ્કારોથી સજ્જ દીકરી સાસરીયાના કુટુંબની પણ ઈજ્જત અને શાન વધારે છે. ઇતિહાસના અરીસા પર દ્રષ્ટિપાત કરીએ તો આપણી દુનિયાએ મહાન દીકરીઓને જોઈ છે તે ખ્યાલ આવે છે. તેમાં ગાર્ગી,લોપામુદ્રા,અનસુયા, અરુંધતી, સીતા,ઉર્મિલા, કુંતી,ગાંધારી, દ્રૌપદી, લીલાવતી, સાવિત્રી,તારામતી વગેરે ગણી શકાય.
    ખરેખર કુટુંબના અસ્તિત્વને અર્થ આપનાર દીકરીના વહાલ ની વેલ સદાએ મહોરતી રહે કોળતી રહે અને તેની ખુશ્બુભરી મીઠી છાય અર્પતી રહે તો પરિવારમાં પ્રેમ તણા પ્રગટેલા દીવડાઓ સદા દૈદિપ્યમાન બની રહેશે.
         

Post a Comment

0 Comments