● હિન્દી ફિલ્મ "ભુજ - ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા" (Bhuj The Pride of India) ખરેખર તો "પ્રાઈડ ઓફ ગુજરાત" તરીકે ઓળખાતા રણછોડ પગી એટલે રણછોડ ભાઈ રબારીની પરાક્રમગાથા છે.
● રણછોડભાઈ રબારી રણપ્રદેશમાં પડેલા પગલાંની ભાષા ઉકેલવાની કોઠાસૂઝથી અનેકવાર ભારતીય સૈન્યને મદદ કરી હતી. રણમાં પડેલા પગલાં ઉકેલવાની કોઠાસૂઝ ને લીધે વારંવાર પાકિસ્તાન ને હારનો સામનો કરવો પડતો હતો. વારંવાર ભારત સૈન્ય સામે હારથી અકળાઈને પાકિસ્તાને રણછોડ પગી ના માથા માટે રૂપિયા 50000/- નું ઈનામ જાહેર કર્યું હતું.
રણછોડ પગી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વતની હતા. રણછોડ પગીનો જન્મ પાકિસ્તાન ના થરપારકર આવેલા એક નાનકડા ગામ પેથાપુર ગઢડોમાં થયો હતો. રણછોડ પગીના પિતાનું નામ સવાભાઈ હતું અને માતાનું નામ નાથીબા હતું. રણછોડ પગીએ નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પાકિસ્તાન માં રણછોડ પગીનું કુટુંબ ખૂબ સુખી સંપન્ન હતું. રણછોડ પગી પાસે પાકિસ્તાનમાં પોતાના ગામમાં 300 એકર જમીન અને 350 થી વધુ પશુઓ (ઘેટાં,બકરા,ગાય, ઉંટ) હતા. રણછોડ પગીના ઘરે 25 થી 30 માણસો નોકરી કરતા હતા.
● ઈ. સ. 1947 માં ભારત અને પાકિસ્તાન ના ભાગલા પડ્યા ત્યારે રણછોડ પગી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા હતા. રણછોડ પગીના કુટુંબ પર પાકિસ્તાન સૈનિકો દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો. રણછોડ પગીએ એક દિવસ કંટાળીને ત્રણ પાકિસ્તાની કર્મીઓને કોઠીમાં પુરી પરિવાર તથા પશુઓ સાથે ભારત તરફ પ્રયાણ કર્યું હતું.
● રણછોડ પગી ઈ. સ. 1950 માં ગુજરાતમાં રાધા નેસડા ગામે આવીને વસ્યા હતા. ત્યારબાદ રણછોડ પગી તેમના મોસાળ લીંબાળાં ગામે આવીને કાયમી વસવાટ કર્યો હતો.
● એમ કહેવામાં આવે છે કે ભારત-પાકિસ્તાન ના ભાગલા પડ્યા ત્યારે શરૂઆત ના વર્ષોમાં ભારત - પાકિસ્તાન અવર - જવર કરવી સહેલી હતી. પાકિસ્તાન માંથી ઘણા લોકો વાવ અને થરાદમાં આવીને વસ્યા હતા.
● ઈ. સ. 1965 અને ઈ. સ. 1971 માં ભારત - પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યને છક્કા છોડાવી રણછોડ પગીએ ભારતના સૈન્યને ખૂબ મદદ કરી હતી.
● રણછોડ પગી એક એવો ભોમિયો હતો જે માત્ર વ્યક્તિના પગલાં પારખીને કહી શકતા હતા કે અહીંથી કેટલા વ્યક્તિઓ કેટલું વજન લઈને નીકળ્યા હશે. રણછોડ પગી કચ્છ - બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામમાં રહેતા હતા.
● રણ વિસ્તારમાં રહેતા પશુપાલકો પોતાના ઢોર ખોવાઈ જાય ત્યારે તેને શોધવા માટે તેમના પગલાંને આધારે દિશા નક્કી કરતા હોય છે. રણછોડ પગી રણની ધૂળમાં પડેલા પગની ઊંડાઈ ના આધારે પગલાંનો સમય કહી શકતા હતા.
● ભારતીય સૈન્યના કેટલાક અધિકારીઓને પગ પારખવાની કળા સમજાવતી વખતે રણછોડ પગીએ કેટલાક પગલાં પારખીને અધિકારીઓને સમજાવ્યું હતું કે , અહીં ત્રણ પ્રકારના પગલાં છે . મોટા પગલાં પુરુષના છે એ જરા વધારે ઊંડા અને જમણી બાજુ ઝૂકેલા છે એનો મતલબ એ છે કે તેણે માથા પર વજન ઉપાડેલું છે. સ્ત્રીના પગલાં જમણી અને ડાબી તરફ સહેજ ત્રાંસા પડે છે માટે તે ગર્ભવતી હોવી જોઈએ. અધિકારીઓ એ નજીકમાં તપાસ કરી તો ખરેખર એક પશુપાલક પરિવાર ગર્ભવતી સ્ત્રી સાથે ત્યાંથી પસાર થયો હતો.
● ઈ. સ. 1965 જ્યારે પાકિસ્તાને કચ્છના કેટલાક વિસ્તાર પર કબજો જમાવ્યો હતો ત્યારે પ્રતિકાર કરવા ભારતીય સૈન્યને કોઈ દિશા મળતી ન હતી. એ વખતે રણછોડ પગીએ રણના ટૂંકા અને સલામત રસ્તેથી ભારતીય સૈન્યને સરહદ સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. તે દરમિયાન રણછોડ પગીએ પગેરા દ્વારા દુર્ગમ સ્થાને છુપાયેલા 1200 જેટલા પાકિસ્તાની સૈનિકોને પકડાવી દીધા હતા.
● બનાસકાંઠા ના પોલીસ અધ્યક્ષ વનરાજસિંહે ઈ. સ. 1962 માં 58 વર્ષે રણછોડ પગીની સુઈગામ પોલીસ થાણામાં પગી તરીકે નિમણુંક કરી હતી. રણછોડ પગી પગ ઓળખવાના કામમાં એટલા બધા પારંગત હતા કે જે માત્ર ઊંટ ના પગના નિશાન જોઈને કહી શકતા હતા કે તેના પર કેટલા લોકો સવાર હશે.
● રણછોડ પગી માણસના પગના નિશાન જોઈને માણસનું વજન અને ઉંમરનો અંદાજ લગાવી શકતા હતા. માણસના પગના નિશાન કેટલા સમય પહેલા પડ્યા હશે અને તેના પરથી તે માણસો કેટલે પહોંચ્યા હશે તેની ચોક્કસ માહિતી આપી શકતા હતા.
● ઈ. સ. 1971 માં ભારત - પાકિસ્તાન નું યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન ના ભારે તોપમારા વચ્ચે ભારતીય સૈન્યને શસ્ત્ર અને રાશન વગેરે પહોંચાડવા મુશ્કેલી પડી રહી હતી ત્યારે સેનાપતિ સામ માણેકશાહે રણછોડ પગીની મદદ માંગી હતી. રણના જાણકાર એવા રણછોડ પગીએ પાલિનગર ચેકપોસ્ટ નજીક અડીંગો જમાવીને રણપ્રદેશના ટૂંકા રસ્તાઓ દ્વારા ભારતીય સૈન્યની સપ્લાય લાઈન બનાવી આપી હતી.ભારતીય સૈન્યની 55 કિમી દૂરની બીજી છાવણીમાંથી ઊંટ પર દારૂગોળાનો જથ્થો લાવીને રણછોડ પગીએ ભારતીય સૈન્યને પહોંચાડ્યો હતો.
● રણછોડભાઈ રબારી ઊંટ પર સમયસર દારૂગોળો પહોંચાડવા જતા પોતે ઘવાયા હતા. રણછોડ પગી પર માણેકશાહ નો ભરોસો એટલો બધો હતો કે તેઓ તેમને "વન મેન આર્મી એટ ડિઝર્ટ ફ્રન્ટ" (રણ વિસ્તારમાં એક માણસનું સૈન્ય) તરીકે ઓળખાવતા હતા.
● જ્યારે ઈ. સ. 1971 ના યુદ્ધમાં પાકિસ્તાન ના પરાજય પછી સેનાપતિ સામ માણેકશાહે દિલ્લી ખાતે ભવ્ય વિજય પાર્ટીનું આયોજન કર્યું ત્યારે રણછોડ પગીને પણ આમંત્રિત કર્યા હતા. ત્યારે વિજય ની પાર્ટીમાં રણછોડ પગી પોતાની સાથે રોટલો, સૂકું લાલ મરચું, ડુંગળી લઈને ગયા હતા. રણછોડ પગીની સાથે જનારા લશ્કરી અધિકારીઓએ કહ્યું કે , રણછોડ પગી ત્યાં તો પાર્ટીમાં અનેક પ્રકારની વાનગીઓ હશે તમે આ બધું સાથે લઈને કેમ જાઓ છો ? ત્યારે અધિકારીઓને રણછોડ પગીએ જવાબમાં કહ્યું કે "મને તો આજ ખોરાક ફાવે છે." રણછોડ પગી પાર્ટીની સ્વાદિષ્ટ વાનગીઓ છોડીને પોતાની સાથે લાવેલ રોટલો, મરચું અને ડુંગળી ખાવા લાગ્યા. સૌના આશ્ચર્ય નો પાર ન રહ્યો. આ જોઈને માણેકશાહે પણ રણછોડ પગીના ઘરના રોટલો ડુંગળી સાથે બેસીને ખાધા હતા.
રણછોડભાઈ રબારીના જીવન વિશે માહિતી :-
નામ | રણછોડભાઈ રબારી |
---|---|
હુલામણું નામ | રણછોડ પગી |
જન્મ તારીખ | આશરે 1901 |
જન્મ સ્થળ | પેથાપુર - ગઢડો (હાલ પાકિસ્તાન) |
પિતાજીનું નામ | સવાભાઈ |
માતાનું નામ | નાથીબા |
પત્નીનું નામ | સગના બેન |
બાળકોના નામ | માદેવભાઈ અને લક્ષ્મણભાઈ બે પુત્રો અને બે પુત્રીઓ |
મૃત્યુ તારીખ તથા સ્થળ | 18, જાન્યુઆરી, 2013 (લીંબાળાં) |
પુરસ્કાર/એવોર્ડ | સંગ્રામ મેડલ, પોલીસ મેડલ, અને સમર સેવા સ્ટાર પુરસ્કાર |
રણછોડ પગીને મળેલ સન્માન :-
● ભારતીય સીમા સુરક્ષા દળે (BSF) તેમની એક ચોકીનું નામ "રણછોડદાસ ચોકી" આપ્યું હતું. રણછોડ પગીની એક પ્રતિમા ત્યાં મુકવામાં આવી છે. રણછોડ પગીને સીમા સુરક્ષા દળ અને પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
● રણછોડ પગીને પોલીસ મેડલ, સમર સેવા સ્ટાર , સંગ્રામ મેડલ જેવા પુરસ્કારો આપવામાં આવ્યા હતા.
● ઈ. સ. 2007 માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા પાલનપુર ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિવસના સમારોહ માં રણછોડ પગીનું સન્માન કરવામાં આવ્યું હતું.
રણછોડ પગીનું મૃત્યુ :-
● ઈ. સ. 1901 માં જન્મેલા રણછોડ પગીએ 112 વર્ષનું આયુષ્ય ભોગવીને 18, જાન્યુઆરી, 2013 માં તેમણે વિદાય લીધી હતી. ભારતીય સૈન્યએ સન્માન ના પ્રતીક સ્વરૂપે કોટ અને મેડલ તેઓ સન્માનપૂર્વક સાચવતા હતા. તેમણે કરેલા આટલા મહાન કાર્ય માટે તેમને જરાય પણ અભિમાન આવતું ન હતું. તેમના પુત્રો અને પૌત્રો પોલીસ દળ ઉપરાંત ભારતીય સૈન્યમાં સેવા આપી રહ્યા છે.
● રણછોડ પગીની અંતિમ ઈચ્છા એ હતી કે તેમની અંતિમક્રિયા વખતે તેમના શબમાં માથા પર પોતાની પાઘડી રહે , અને તેમનો અંતિમ સંસ્કાર પોતાના ખેતરમાં જ કરવામાં આવે. તેથી તેમના અંતિમ સંસ્કાર તેમની ઈચ્છા મુજબ જ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : તમારા ફોટા વાળું સ્ટીકર બનાવવા માટે અહીં ક્લિક કરો
● વંદન છે આવા ભારતના વીર સપૂત ને જે આર્મી જવાન ન હોવા છતાં એક શૂરવીર સૈનિકની જેમ ભારત માતાની રક્ષા માટે પોતાનું આખું જીવન રણભૂમમાં વિતાવ્યું.
આ પણ વાંચો :-
" જય હિન્દ "
" જય ભારત "
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર !
1 Comments
Good article
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।