સુરેન્દ્રનગર જિલ્લાની સફર

   કવિ શ્રી પ્રજારામ રાવલે વર્ષો પહેલા ઝાલાવાડની ધરતીનું શાબ્દિક નિરૂપણ કર્યું હતું જે નીચે મુજબ છે....

                          ઝાલાવાડી ધરતી
                      આ ઝાલાવાડી ધરતી!
આવળ, બાવળ, કેર, બોરડી, શુષ્ક, રુક્ષ, ચોફરતી 
                      અહી ફૂલ કેવળ આવળના;
                     અહી નીર અધિકા મૃગજળના;
પુષ્પ,પત્ર,પાણી વિણ કાયા ઘોર ઉનાળે બળતી ! આવળ...
           જોજનના જોજન લગ દેખો, એક નહીં ડુંગરને ખેપો ;
વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ, ક્ષિતિજે ઢળતી ! આવળ ...
               આ તે કોઈ જનમ વૈરાગણ ? 
                કે કો ઉગ્ર તપતી જોગણ ? 
સન્યાસીની તણા નિર્મળ શુભ વેશે ઉર મુજ ભરતી ! આવળ ...
       જ્યાથી સૌરાષ્ટ્રની સીમા શરૂ થાય છે એવું સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે સુરેન્દ્રનગર જિલ્લો. ૧૯૪૮ માં નાના રજવાડાઓનું વિલીનીકરણ થયું. સૌરાષ્ટ્રના વઢવાણ , ધ્રાગધ્રા, લીંબડી , મુળી, થાન, લખતર, સાયલા, ચુડા, બજાણા, જૈનાબાદ આણદપુર, ચોટીલા, ઝીંઝુવાડા, રાયસાંકળી, ભોયકા, દસાડા-થાણું, વિઠ્ઠલગઢ તથા વણોદ જેવા રજવાડાઓના વિલીનીકરણમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનો જન્મ થયો. 
        ઇતિહાસ કહે છે કે , એક માત્ર મુળી જ્યાં પરમાર રાજપુતો રાજ કરતાં તે સિવાય અહીના તમામ રજવાડા ઉપર ઝાલાવંશનું શાસન હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક પ્રાગૈતિહાસિક પથ્થર યુગના અવશેષો મળ્યા છે. લીંબડી તાલુકાનાં રંગપુર ખાતેના ઉત્ખનનનો સંબંધ પ્રોટો હિસ્ટોરીક યુગ સાથે જોડાયો છે. આ ધરતી ઉપર હડપ્પન અને ત્યાર પછીની સંસ્કૃતિના અવશેષ પણ મળ્યા છે. 
              ગુજરાત પર સિધ્ધરાજ જયસિંહના શાસન વખતે આ પ્રદેશ તેના પ્રભુત્વમાં આવ્યો. વઢવાણનો કિલ્લો અને ભોગાવોના તીરે સતી બનેલા રાણકદેવીનું મંદિર તેમણે બનાવ્યું હોવાનું મનાય છે. ઝાલાઓના નામ જન્મની વાત કરીએ તો ઝાલાઓ પહેલા મકવાણા કહેવાતા. દસેક સદી પહેલા તેમના રાજા કેસર મકવાણા, હરપાળ દેવજી તેમના પુત્ર હતા. તેમના માતા પાટણના સોલંકી રાજવી કરણઘેલાની પુત્રી હતા. આપતી ટાણે મદદ કરવાના શિરપાવ રૂપે હરપાળ દેવજીના દાદાને ૮૩૮ - ૮૩૯ માં ૧૮૦૦ ગામનો ગરાસ મળ્યો અને હરપાલદેવે તેમનો નિવાસ પાટડી ખાતે ફેરવ્યો. હરપાલદેવને ત્રણ પુત્રો હતા. એક કિવદંતી અનુસાર એક દિવસ જ્યારે પુત્રો રમી રહ્યા હતા ત્યારે એક હાથી ગાંડોતુર બની ત્યાં આવી ચડ્યો. હાથી પોતાના પુત્રોને મારી નાખશે તેવો વિચાર આવતા તેમની માતાને અદ્રશ્ય શક્તિનો હાથ મળ્યો અને ઝરૂખામાં બેઠેલી માતાના લાંબા થયેલા બે હાથે બાળકોને ઝાલીને ઉચકી લીધા અને તેમને બચાવી લીધા. આ દિવસથી આ પુત્રો ઝાલા કહેવાયા.  ઝાલાઓએ એમના નિવાસની આ ભૂમિને  "ઝાલાવાડ" નામ આપ્યું. હાલનું સુરેન્દ્રનગર એક વેળાએ બ્રિટિશ પોલિટિકલ એજન્ટનું થાણું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું. વઢવાણના  રાજવીને એક એજન્ટે  ૧૯૪૬ માં સોંપેલાં આ કેમ્પને રાજવીના પુત્ર શ્રી સુરેન્દ્રસિંહજીના નામ પરથી સુરેન્દ્રનગર નામ અપાયું. 
🔵 સામાજીક - સાંસ્કૃતિક  :-
             સુરેન્દ્રનગર જિલ્લાના નળકાંઠા વિસ્તારના કેટલાક ગામડાઓમાં પઢાર જ્ઞાતિના તથા રણ વિસ્તારમાં અગરિયાઓ વસવાટ કરે છે.ઝાલાવાડ તરીકે પ્રખ્યાત આ સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ તહેવારો અને મેળાઓની ઉજવણી કરવામાં આવે છે. નળકાંઠામાં વસતા પઢાર લોકો તથા ભરવાડ સમાજના લોકોના તહેવારો ઉપર થતાં લોકનૃત્યો એ આ વિસ્તારની આગવી ઓળખ છે. આ જિલ્લામાં દર વખતે વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે.
🔵 વઢવાણ :-
           પુરણકાળમાં વર્ધમાનપુરીના નામે જાણીતા આ વઢવાણ શહેર તથા તાલુકામાં ઐતિહાસિક સ્થાનકો આવેલા છે. સુરેન્દ્રનગરથી ત્રણેક કિમીના અંતરે 450 વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે.  જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી 14 કિમીના અંતરે દેદાદરા ગમે ગંગવો કુંડ આવેલો છે. વઢવાણ ખાતે બંધાણી ઉધોગ સારા પ્રમાણમાં વિકસ્યો છે. અહીંની બંધાણી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. 
🔵 મુળી :- 
        મુળી ગામમાં બ્રહ્માનંદ સ્વામીએ બંધાવેલું સ્વામિનારાયણ મંદિર, નકશીદાર હવેલી તેમજ મંડાવરાયજીનું પ્રખ્યાત મંદિર આવેલા છે. સરાનું મેલડી માતાનું સ્થાનક અને ઉમરડાનું 140 વર્ષ જૂનું બીલેશ્વર મહાદેવનું મંદિર પણ દર્શનીય છે. 
🔵 ચોટીલા :- 
         રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ચોટીલા ખાતે ડુંગર ઉપર ચામુંડા માતાનું મંદિર છે.સૌરાષ્ટ્રનું આ મહત્વનું યાત્રાધામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી નું જન્મસ્થાન છે. ચોટીલા ના દક્ષિણે આણંદપુરનું અનંતેશ્વર મહાદેવ, ગુપ્તવાસ દરમિયાન પાંડવોએ નિવાસ કાર્યની વાયકા છે. 
🔵 સાયલા :- 
      સાયલા તાલુકામાં આવેલું ધાંધલપુર ગામ બે વાતે વિખ્યાત છે. લોકવાયકા મુજબ  અણહિલવાડ પાટણના કર્ણદેવ સોલંકીના વિખ્યાત રાણી મીનળદેવી ધોળકા જતાં અહીં રોકાયા હતા ત્યારે એક સિદ્ધસંતના દર્શન અને આર્શિવાદથી તેમને પુત્ર સિદ્ધરાજનો જન્મ થયેલો. ડોળીયાનું ભવ્ય જિનાલય દર્શનીય છે.
🔵 લખતર :- 
        સૌરાષ્ટ્ર ને નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે દેશનું મોટામાં મોટું પમ્પિંગ સ્ટેશન લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લખતર તાલુકાના તલસાણા ગામે તલસાણીયા મહાદેવ નું મંદિર આવેલું છે. 
🔵 ચુડા :- 
        સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાંથી અલગ પડેલો ચુડા તાલુકો કવિ મીન પિયાશીની જન્મભૂમિ છે. અહીં હરિકૃષ્ણ મહારાજની યજ્ઞશાળા અને કરમડ ગામે પૌરાણિક વાવ આવેલી છે. ચુડા તાલુકાના ચોકડી ખાતે ચરમળિયા દાદાનું મંદિર તેમજ મોજીદડ ગામે આવેલો નથુરામ શર્માનો આશ્રમ દર્શનીય સ્થળ છે. 
🔵 પાટડી :- 
         ખારપાટ વિસ્તાર સાથે જોડાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં રણ વિસ્તારમાં મીઠાં ઉધોગ વિકસ્યો છે. અહીંનું ઘુડખર અભ્યારણ્ય તેમજ રણમાં આવેલો વચ્છરાજ બેટ એ પ્રવાસીઓ માટે એક આકર્ષણ નું કેન્દ્ર રહ્યા છે. પાટડીથી અંદાજિત 30 કિમી દૂર આવેલા ઝીંઝૂવાડા તેના ઐતિહાસિક દ્વારના કારણે તથા રાજરાજેશ્વર માતાના મંદિરના કારણે હેરિટેજ વિલેજ તરીકે જાણીતું છે. પાટડીના ખારાઘોડા ગામે આવેલી હિન્દુસ્તાન સોલ્ટ એ મીઠાના ઉત્પાદનમાં અગ્રેસર છે. 
     આમ સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત રાજ્યનો એક મહત્વપૂર્ણ જિલ્લો છે. 

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।