મનમોહક મહેસાણા જિલ્લાની સફર

     મિત્રો આજે આપણે મહેસાણા જિલ્લા વિશે માહિતી મેળવીશું. મહેસાણા જિલ્લો ઘણી બધી રીતે મનમોહક છે. વિદેશી પર્યટકો હોય કે સાહસિક ઉધોગકારો દરેકને આકર્ષિત કરનાર જિલ્લો એટલે જ મનમોહક મહેસાણા.

અરવલ્લીની ગિરિમાળાઓમાં સમાયેલુ મનમોહક પ્રવાસન સ્થળ તારણધારણ (તારંગા), બૌદ્વકાલીન ગુફાઓ , ડુંગરો ઉપર ઝળૂંબતી વિશાળકાય શિલાઓ , મહેસાણાની ભૂમિને પવિત્રતા બક્ષીને સરી જતી સાબરમતી નદીનો પ્રંચડ જળ પ્રવાહ, ગુજરાતની પ્રાચીન સાંસ્ક્રુતિક નગરી વડનગરમાં પ્રાપ્ત થતાં અવશેષો , સોનેરી સૂર્ય કિરણોની તશરોથી ઝળહળતું મોઢેરાનું સૂર્યમંદિર , વિદેશી પંખીઓની કિલકારીઓથી ગુંજી ઊઠતું કડીનું થોરનું તળાવ, કાળિયાર હરણોની કૂદાકૂદથી થીરકતો કડીનો ખાખરીયા ટપ્પો, તારંગા હિલ્સમાં માટીના પહાડો, લીલીછમ શાકભાજીથી મઘમઘતો  વિજાપુરનો પ્રદેશ અને જ્યાં શ્વેત ક્રાંતિનું સર્જન કર્યું છે એ દુધ સાગર ડેરી તેમજ ઓઇલ સિટી તરીકે ઓળખાતો પ્રદેશ કે ઓ. એન.જી.સી. ના તેલકૂવાથી સુવિખ્યાત બનેલો આ જિલ્લો. પ્રાચીન અને  આધુનિક સાંસ્ક્રુતિક ધરોહરને જાળવીને બેઠેલો મહેસાણા જિલ્લો સાચા અર્થમાં મનમોહક છે. 
 ◆ મહેસાણા જિલ્લાનો ઈતિહાસ :-      
 મહેસાણા શહેરની મધ્યમાં છેલ્લા ૬૫૦ કરતાં વધુ વર્ષથી એક અખંડ જ્યોત જલતી રહી છે. આ જ્યોત મહેસાણા શહેરની સ્થાપનાની એક માત્ર સાક્ષી છે. વનરાજ ચાવડાના વંશજ રાજપૂત કુળના મેસાજી ચાવડાએ વિક્રમ સવંત ૧૪૧૪ ના ભાદરવા સુદ - દશમ (ઇ.સ. ૧૩૫૮ ) ના રોજ માતાજીની સ્થાપના કરીને શહેર વસાવ્યું પ્રથમ ઈંટ અહી મૂકવામાં આવી. મેસાજી ચાવડાએ ગામ વસાવ્યું હોવાથી  'મેસાણા' , 'મહેસાણા' તરીકે તે જાણીતું બન્યું. 
        સોલંકીઓ તેમજ સુલતાનોના સમયમાં પણ તે ટકી રહ્યું. મરાઠા સરદાર પીલાજીરાવ ગાયકવાડે ઇ.સ. ૧૭૩૦ માં બાબીઓ પાસેથી વડોદરા અને ડભોઈ  જીતી લીધા. એ પહેલા મરાઠા સરદાર કંથાજી કદમની સેનાએ ઇ.સ. ૧૭૨૬ માં વડનગર ઉપર આક્રમણ કરીને વડનગરને બાળ્યું. દામાજીરાવ ગાયકવાડે વિસનગર પાસે બાબીઓ ઉપર ચઢાઈ કરી જેમાં જોરાવરખાન બાબી મૃત્યુ પામ્યો. ઇ.સ. ૧૭૬૬ માં વિસનગર, વડનગર, ખેરાલુ, મેસાણા, વિજાપુર, પાટણ અને હારીજનો ઘણો ભાગ ગાયકવાડોના  તાબે થતાં ઇ.સ. ૧૭૬૬ માં પાટણ ખાતે નવી રાજધાની બનાવી. પરંતુ તેના બે વર્ષ પછી ઇ.સ. ૧૭૬૮ માં દામાજીરાવનુંમૃત્યુ થતાં પાટણથી રાજધાની ખસેડવામાં આવી. ૧૭૮૫ માં મલ્હારરાવને કડીની જાગીર મળતા ઉત્તર ગુજરાતનું  વડુ મથક કડી બન્યું. તે સમયે  "કિલ્લે કડી" ના નામે તે ઓળખાતું. અહીથી આખાય ઉત્તર ગુજરાતનો વહીવટ ગાયકવાડો કરતાં હતાં.  1902 સુધી કડીની આણ વર્તાઈ હતી. ત્યારબાદ 1935 માં  કડી પ્રાંત ખસેડીને મહેસાણા લઈ જવાતા મહેસાણા પ્રાંતની રચના થઈ.  તે માટે એમ માનવામાં આવે છે કે ઇ.સ.1887 માં  સૌપ્રથમ મહેસાણાથી વડનગર સુધી ગાયકવાડે રેલવે લાઈન નાંખી અમદાવાદ - દિલ્હી લાઈનનું વડું મથક બનતા કડી સાઈડમાં પડી ગયું. રેલવે જંકશનને કારણે મહેસાણાનો અણધાર્યો અદ્દભૂત વિકાસ થયો. મહેસાણા પ્રદેશમાં છપ્પનિયો દુકાળ પડતા ગાયકવાડે પ્રજાજનોને રોજગારી મળી રહે તે હેતુથી રાજમહેલ બંધાવ્યો જે ઇ.સ. 1902 માં પૂર્ણ થયો. રામોસણા ટેકરી પર રચાયેલો આ રાજમહેલ મહેસાણા શહેરની આગવી ઓળખ અને આગવી શાન છે.  
◆ ભૌગોલિક સ્થાન :- 
       મહેસાણા જિલ્લો ગુજરાત રાજ્યના હદય સમાન મધ્ય ભાગમાં આવેલો છે. ઉત્તર ગુજરાતનું એ ધબકતું હદય છે. ઇ.સ.1997 માં અખંડ મહેસાણા જિલ્લાનું વિભાજન થતા મહેસાણા અને પાટણ એમ બે જિલ્લા અલગ થયા. તેને પરિણામે સીમાંકનો અને તાલુકાઓમાં પણ વહીવટી દ્રષ્ટિએ ફેરફારો થવા પામ્યા.  ભૌગોલિક દ્રષ્ટિએ મહેસાણા જિલ્લાના ત્રણ ભાગ પડે છે. 1. અરવલ્લીની ગિરિમાળાઓનો પ્રદેશ 2. ઢળતા મેદાનોનો પ્રદેશ 3. કડીના ખાખરીયા ટપ્પાનો સપાટ પ્રદેશ. 
◆ મહેસાણા તાલુકો :- 
         મહેસાણા જિલ્લાનો એક તાલુકો એટલે મહેસાણા. આ મહેસાણા જિલ્લો તેની બોલીથી પ્રખ્યાત છે. તાલુકાનું વડુ મથક મહેસાણા છે. જે બે ભાગમાં વહેચાયેલું છે મહેસાણા શહેરનું રેલવે પ્લેટફોર્મ ભારતનું બીજા નંબરનું લાંબુ પ્લેટફોર્મ છે. પૌરાણિક સ્થાપત્યોમાં આખજનો શક્તિકુંડ, પીલુદરાનું પ્રાચીન તોરણ, પલોદરનું જોગણી માતાનું મંદિર, મલાઈ માતાનું મંદિર, બોતેર કોઠાની વાવ અને તોરણવાળી માતા એ સાંસ્કૃતિક સ્થાપત્યો છે. તાલુકામાં નાગ અને નાગણીની સયુંકત મૂર્તિ ધરાવતું એક માત્ર નાગફણાં મંદિર માથે સર્પફેણ હોય અને ગણેશજી નૃત્ય કરતા હોય તેવી એક માત્ર મૂર્તિ અહીં જોવા મળે છે. લાંઘણજના ટીબામાંથી માનવ વસાહતનું પ્રાચીન હાડપિંજર પુરાતત્વશાસ્ત્રીઓને  અહીંથી જ પ્રાપ્ત થયું છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 10 લાખ દૂધની આવક મેળવી ગુજરાતમાં અગ્રેસર ડેરી રહી છે. જેના પગલે મહેસાણા મિલ્ક સિટી તરીકે પણ ઓળખાય છે. મહેસાણા જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર જોવા લાયક છે. 
◆ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ,  ઊંઝા :- 
         એશિયાની કોઈપણ વ્યક્તિ એવી નહિ હોય કે જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાથી માહિતગાર ન હોય.મહેસાણા તાલુકાનું ગૌરવ  ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે, જે એશિયાની સૌથી મોટી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સ્થાન ધરાવે છે. એમ પણ કહેવાય છે કે જીરું, વરિયાળી અને ઇસબગુલ ના ભાવ સૌથી પહેલા અહિયાં નક્કી થાય પછી વિશ્વમાં તેના ભાવ બોલવા લાગે છે. 36.37 એકર જમીન પર અધતન સવલતોથી ઉપલબ્ધ માર્કેટયાર્ડ ઊંઝા ખાતે વિકસાવ્યું છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે રૂ. 300 કરોડ જેટલું છે. 
◆ ઓઇલ સિટી :- 
       મહેસાણા જિલ્લો ભારતભરમાં તેલ અને કુદરતી વાયુની અખૂટ સંપત્તિ ધરાવવાનું બહુમાન મેળવે છે. જિલ્લાની ઉર્જા શક્તિનું મુખ્ય પીઠબળ છે. ઓ.એન. જી.સી. મહેસાણા 28 ફિલ્ડ, 37 પ્લાન્ટ, 7 ડ્રિલિંગ રીંગો અને 19 વર્ક ઓવર્સ સાથે કાર્યરત છે. શોભાસણ, જગુદણ, નંદાસણ, લીંચ, જોટાણાં,ઉત્તર કડી, સાંથલ, બેચરાજી, લણવા મુખ્ય ટેલક્ષેત્રમાંથી 1100 થી 2200 મીટરની ઊંડાઈએથી ખનિજ તેલ અને ગેસ પ્રાપ્ત કરવામાં આવે છે. 
◆ પશુપાલન :- 
     મહેસાણા જિલ્લાએ પશુપાલન ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. જિલ્લાએ પશુપાલન દ્વારા દૂધ ઉત્પાદન થકી દેશ અને દુનિયાને દૂધ પહોંચાડવાનું કામ કર્યું છે. જિલ્લામાં પશુપાલન વ્યવસાયને વેગ મળે તે માટે સરકાર વિવિધ યોજના હેઠળ લાભ આપી રહી છે. ઓટોમેટિક મિલ્ક ફેડરેશન પદ્ધતિ હેઠળ સભાસદો દ્વારા દૂધ ભરવામાં આવે ત્યારે દૂધના વજન , ફેટના ટકા અને દૂધની કિંમતની ગણતરીમાં ત્રુટી રહેતી નથી. પશુ પેદાશોના ઉત્પાદનોમાં વધારો કરવાના શુભ આશયથી ગ્રામકક્ષાએ પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. 
◆ દૂધ સાગર ડેરી :- 
        ધી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડ માં 1092 દૂધ મંડળીઓ સંયોજીત થયેલી છે. ભારતભરમાં  મહેસાણાની દૂધ સાગર ડેરી ની બનાવટો પ્રિય થઈ ગઈ. તેનું નામ રાજ્યભરમાં પ્રસ્થાપિત થયેલું છે. 
     આમ , મહેસાણા જિલ્લાનું ગુજરાત રાજ્યમાં આગવું મહત્વ છે. 

Post a Comment

2 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।